વલસાડમાં નશામાં ધૂત ચાલકે વિદ્યાર્થીઓ સાથેની વાનને ગટરમાં ઉતારી દેતા લોકોના જીવ થયાં અધ્ધર
ગુજરાતમાં વિદ્યાર્થીઓને સ્કૂલથી ઘર લાવવા માટે ઉપયોગમાં લેવાતી વાનના ચાલકો સતત ચર્ચા

ગુજરાતમાં વિદ્યાર્થીઓને સ્કૂલથી ઘર લાવવા માટે ઉપયોગમાં લેવાતી વાનના ચાલકો સતત ચર્ચામાં રહે છે. ત્યારે વલસાડમાં નશામાં ધૂત વાહનચાલકે વિદ્યાર્થીઓ સાથેની વાન રસ્તા પરથી નીચે ઉતારી દીધી હતી. જેથી વાન ગટરમાં ફસાઈ ગઈ હતી. આ ઘટનાને પગલે લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતાં.
ચાલક નશામાં ધૂત
નશામાં ધૂત વાન ચાલકે બાળકો ભરેલી વાનને બાજુની ગટરમાં ઉતારી દીધી હતી. જેથી આસપાસથી પસાર થતાં લોકો દોડી આવ્યા હતાં. વાન ચાલક નશામાં હોવાનું લોકોના ધ્યાનમાં આવ્યું હતું. જેથી સ્થાનિકોએ પોલીસને જાણ કરી દીધી હતી. પોલીસ કાફલો ઘટના સ્થળે આવ્યો ત્યાં સુધીમાં વાન ચાલક ભારે તમરી કરતો જોવા મળ્યો હતો.
ચાલકની અટકાયત
ઘટનાની જાણકારી મળતા જ જિલ્લા ટ્રાફિકના જવાનોએ સ્થળ પર પહોંચીને બાળકોનું રેસ્ક્યુ કર્યુ હતુ. વાન ચાલક દારૂના નશામાં વાન ચલાવતો હોવાનું બહાર આવ્યું હતું. વાલીઓ દ્વારા વલસાડ સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા વાન ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.








