મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદમાં વિવાદાસ્પદ આસારામ આશ્રમ સહિતના ગેરકાયદે દબાણો થશે દૂર, AMCની મોટી તૈયારી

નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ આગામી ઓલ

અમદાવાદમાં વિવાદાસ્પદ આસારામ આશ્રમ સહિતના ગેરકાયદે દબાણો થશે દૂર, AMCની મોટી તૈયારી

નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ આગામી ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને મોટા પાયે ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટના બીજા તબક્કામાં સાબરમતી વિસ્તારમાં આવેલ વિવાદાસ્પદ આસારામ આશ્રમ સહિતના ગેરકાયદે દબાણો દૂર કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ કમર કસી છે.

₹500 કરોડની સરકારી જમીન પર ગેરકાયદે કબ્જો

સાબરમતી વિસ્તારમાં આવેલો આસારામ આશ્રમ રાજ્ય સરકારની માલિકીની જમીન પર આવેલો છે. જેની કિંમત અંદાજે 500 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. સર્વે દરમિયાન માલૂમ પડ્યું હતું કે આ આશ્રમમાં 32 જેટલાં ગેરકાયદે બાંધકામો કરવામાં આવ્યા છે. AMCના પશ્ચિમ ઝોન દ્વારા આ દબાણો દૂર કરવા માટે અગાઉ નોટિસ ફટકારવામાં આવી હતી.

ઇમ્પેક્ટ ફીની અરજી ફગાવી, હવે કોર્ટમાં લડાઈ

આશ્રમ સંચાલકોએ આ ગેરકાયદે બાંધકામોને કાયદેસર કરાવવા માટે ઇમ્પેક્ટ ફી (Impact Fee) હેઠળ મંજૂરી મેળવવા અરજી કરી હતી, પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશને આ અરજીને નામંજૂર કરી દીધી છે. હાલ આ મામલો એપેલેટ ઓથોરિટી સમક્ષ પેન્ડિંગ છે. આજે બુધવારે મળેલી AMCની લીગલ કમિટીની બેઠકમાં ચેરમેન પ્રકાશ ગુર્જરે તાત્કાલિક વકીલની નિમણૂક કરી આ કેસનો ઝડપથી નિકાલ લાવવા સૂચના આપી છે, જેથી ડિમોલિશનની કામગીરી શરૂ કરી શકાય.

ઓલિમ્પિક વિલેજ માટે ક્લિયરન્સ

રાજ્ય સરકાર નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ 'ઓલિમ્પિક વિલેજ' અને વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાની તૈયારી કરી રહી છે. આ સર્વેમાં માત્ર આસારામ આશ્રમ જ નહીં, પરંતુ ભારતીય સેવા સમાજ, સદાશિવ આશ્રમ ઉપરાંત અંદાજે 150 જેટલા રહેણાક મકાનોને પણ નોટિસ આપવામાં આવી છે.

ગમે ત્યારે શરૂ થઈ શકે છે ડિમોલિશન

લીગલ કમિટીના ચેરમેન પ્રકાશ ગુર્જરે સ્પષ્ટ કર્યું છે કે સ્પોર્ટ્સ સંકુલ ફેઝ-2ના ડેવલપમેન્ટ માટે આ ગેરકાયદે બાંધકામો હટાવવા અનિવાર્ય છે. એપેલેટ ઓથોરિટીમાં કેસનો નિકાલ આવતાની સાથે જ વહીવટી તંત્ર દ્વારા વર્ષો જૂના આ દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવશે તેવી પૂરેપૂરી શક્યતા છે.

આ સમાચાર શેર કરો