Sabarkantha: સાબરમતી નદીમાં ગેરકાયદે ખનન, ખાણ ખનીજ ટીમની હાજરીમાં થયું ફાયરિંગ
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નજીક સાબરમતી નદીમાં ચાલી રહેલા ગેરકાયદે રેતી ખનનને રોકવા ખા
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નજીક સાબરમતી નદીમાં ચાલી રહેલા ગેરકાયદે રેતી ખનનને રોકવા ખાણ ખનીજ વિભાગની ટીમે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન ફાયરિંગ થયું હોવાની ગંભીર ઘટના સામે આવી છે. જોકે, આ સમગ્ર ઘટનાની ફરિયાદમાં ફક્ત સરકારી કામમાં રુકાવટની ફરિયાદ નોંધાતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.
બે દિવસ અગાઉ ખાણ ખનીજ વિભાગની ટીમે બાતમીના આધારે પ્રાંતિજના ઈન્દ્રાજપુર નજીક સાબરમતી નદીમાં રેડ કરી હતી. આ કાર્યવાહી દરમિયાન ખનીજ માફિયાઓના બે જૂથ વચ્ચે મોટી અથડામણ થઈ હતી.
આ અથડામણ દરમિયાન વાહનોમાં તોડફોડ અને પથ્થરમારો પણ થયો હતો. આ પથ્થરમારાની ઘટના વચ્ચે જ ખનીજ માફિયાઓ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. ચોંકાવનારી વાત એ છે કે, જિલ્લાના ભૂસ્તર શાસ્ત્રી કે.એમ. પટેલએ સમગ્ર મામલે ચોંકાવનારું નિવેદન આપતા સાબરમતી નદીમાં ફાયરિંગ થયું હોવાની વાત સ્વીકારી છે.
ખાણ ખનીજ વિભાગની ટીમની હાજરીમાં આટલી ગંભીર ઘટના બની હોવા છતાં પ્રાંતિજ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં માત્ર 'સરકારી કામમાં રુકાવટ'નો મામલો જ દર્શાવવામાં આવ્યો છે.
વિભાગના કર્મચારીએ ફાયરિંગ અને હિંસાની ગંભીર ઘટનાને નજરઅંદાજ કરીને માત્ર રુકાવટ મામલે ફરિયાદ આપી સંતોષ માન્યો છે. પ્રાંતિજ પોલીસ મથકે છ જેટલા ખનન માફિયાઓ સામે નામજોગ ફરિયાદ નોંધાઈ છે, પરંતુ ફાયરિંગના મુદ્દાને છોડી દેવા બદલ પોલીસ અને ખાણખનીજ વિભાગની ભૂમિકા સામે અનેક સવાલો ઉભા થયા છે.







