મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

‘હું તો રાષ્ટ્રીય ભાજપ યુવા મોરચામાં મહામંત્રી બનીશ..’, પેન-ડાયરીવાળા નેતાની કમલમમાં શેખી

ગુજરાત ભાજપમાં નવા સંગઠનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. ભાજપમાં બુથ

‘હું તો રાષ્ટ્રીય ભાજપ યુવા મોરચામાં મહામંત્રી બનીશ..’, પેન-ડાયરીવાળા નેતાની કમલમમાં શેખી

ગુજરાત ભાજપમાં નવા સંગઠનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. ભાજપમાં બુથ સમિતિઓની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. જે બાદ બુથ સમિતિ, વોર્ડ પ્રમુખ, મંડલ પ્રમુખ અને તાલુકા અને જિલ્લા પ્રમુખોની નિમણૂક થઇ ગઈ છે. ભાજપમાં હવે પ્રદેશ પ્રમુખની પસંદગીને લઈને તૈયારીઓ ચાલી રહી છે. જે બાદ પ્રદેશ ભાજપના નવા સંગઠનની પ્રક્રિયા શરુ કરવામાં આવશે.

જો કે આ તમામ પ્રક્રિયાઓમાં ભાજપના જ કેટલાક નેતાઓ પ્રદેશ સંગઠનમાં પદ મેળવા માટે હવાતિયાં મારી રહ્યા છે. ત્યારે આવા જ પેન-ડાયરીવાળા યુવા નેતાની શેખી સામે આવી છે જેમાં તે કમલમના મુલાકાતીઓને કહેતા ફરી રહ્યા છે કે, ‘હું તો રાષ્ટ્રીય યુવા મોરચામાં મહામંત્રી બનીશ.’ પ્રદેશ ભાજપમાં ‘પેન-ડાયરીવાળા નેતા’ના નામથી ઓળખાતા યુવા નેતાને હવે રાષ્ટ્રીય રાજકારણમાં જવાનો ઉમળકો જાગ્યો છે અને તે હવે કમલમમાં શેખી મારતા ફરી રહ્યા છે કે આપણે હવે રાષ્ટ્રીય રાજકારણમાં કામ કરીશું. 

સોશિયલ મીડિયામાં સતત સક્રિય રહેતા યુવા નેતા કે જેઓ ભાજપ યુવા મોરચાની રાષ્ટ્રીય ટીમમાં મહામંત્રી બનવાના સપના આવી રહ્યા છે અને જાહેરમાં તેઓ કહી રહ્યા છે કે ‘હવે આપણે અહીં કામ નથી કરવું પરંતુ રાષ્ટ્રીય યુવા મોરચામાં મહામંત્રીનો હોદ્દો લેવો છે. મારા સાહેબ હવે દિલ્હી છે તો પછી હું અહીં કેમ કામ કરું? હું પણ દિલ્હીમાં કામ કરીશ.’ પરંતુ આ યુવા નેતા ભૂલી રહ્યા છે કે રાષ્ટ્રીય ટીમ હોય કે પ્રદેશની ટીમ એ  અધ્યક્ષની નિમણુંક થયા બાદ આ ટીમમાં હોદ્દેદારોની પસંદગી થતી હોય છે.

યુવા નેતાની આ બડાઈ ના કારણે પ્રદેશના જ કેટલાક નેતાઓ તેની આ વાત પર હસી રહ્યા છે અને તેની મજાક ઉડાવી રહ્યા છે. કેટલાક નેતાઓ તો એવી ચર્ચા પણ કરી રહ્યા છે કે, ‘પ્રદેશ યુવા મોરચામાં હોદ્દા માટે ઠેકાણા પડતા નથી પરંતુ આ નેતાને દિલ્હીનો ચસ્કો લાગ્યો છે.’

ત્યારે હવે જોવાનું રહેશે કે આ નેતાની પસંદગી રાષ્ટ્રીય યુવા મોરચામાં થાય છે કે પછી પ્રદેશ યુવા મોરચામાં પસંદગી થાય છે અથવા તો હવે તેનું રાજકારણ મહાનગર પૂરતું જ સીમિત રહે છે.

આ સમાચાર શેર કરો