ગુજરાત ATSએ કર્યો અલ કાયદાના ટેરર મૉડ્યુલનો પર્દાફાશ, શમા પરવીન સુધી કેવી રીતે પહોંચી ટીમ
ગુજરાત એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં વધુ એક મોટી સફળતા મેળવી

ગુજરાત એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં વધુ એક મોટી સફળતા મેળવી છે. ATSએ અલ કાયદા સાથે સંકળાયેલી 30 વર્ષીય મહિલા શમા પરવીનની બેંગલુરુથી ધરપકડ કરી છે. પરવીન પર ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર જેહાદી ષડયંત્ર રચવાનો અને દેશવિરોધી વીડિયો અપલોડ કરીને યુવાનોને જેહાદી કૃત્ય માટે ઉશ્કેરવાનો આરોપ છે.
ગુજરાત ATSની ટીમ દેશ વિરોધી તત્ત્વો ઉપર રાખતી હતી વોચ
ગુજરાત ATSના સીનિયર અધિકારીઓ દ્વારા ATSના અધિકારીઓને રાષ્ટ્ર વિરોધી તત્ત્વો ઉપર વોચ અને સર્વેલન્સ રાખવા સૂચના આપવામાં આવી હતી. આ સુચના મુજબ Social Media Radicalizationની દેશ વિરોધી પ્રવૃતિમાં સામેલ તત્ત્વો તેમજ તેમના સહયોગીઓને ઓળખવા માટે એક ટીમ બનાવવામાં આવી હતી. આ ટીમ દ્વારા એકત્રિત કરવામાં આવેલ માહિતીના આધારે ગુજરાત ATS દ્વારા ઇંસ્ટાગ્રામ તથા અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા પ્રતિબંધિત આતંકવાદી સંગઠન અલ કાયદા ઇન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ (AQIS)ના વીડિયોનો પ્રચાર-પ્રસાર કરવામાં સક્રિયપણે જોડાયેલા ચાર ઇસમોની અમદાવાદ, મોડાસા, દિલ્હી અને નોઇડા ખાતેથી અટકાયત કરી ચારેય વિરૂદ્ધ UAPA એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મોહમ્મદ કૈફની તપાસમાં થયો મોટો ખુલાસો
આ ગુન્હામાં પકડાયેલ આરોપી મોહમ્મદ કૈફ દ્વારા તેના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ Sharyat_ya_shahadatમાં પોસ્ટ કરેલા જિહાદ,ગઝવા-એ-હિંદ,કાફિર (ધર્મવિરોધી) વિષયક ઉશ્કેરણીજનક અને ભડકાઉ વીડિયો સામગ્રી તેમજ ધર્મના આધારે હિંસા તથા આતંકવાદી હુમલાઓને પ્રોત્સાહન આપતી સામગ્રી ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ Strangers_Nation02 અને ફેસબુક પેજ Strangers Of The Nation અને Strangers of The Nition 2 ઉપરથી ડાઉનલોડ કરી કેટલોક ઉમેરો કરી મુક્યો હતો. ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ અને ફેસબુક પેજના યૂઝર્સ સાથે સંપર્કમાં પણ હતો. આ ઉપરાંત પ્રોફાઇલના મૂળ યૂઝર્સની ઓળખ કરવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.
શમા પરવીનની બેંગલુરૂથી અટકાયત
ગુજરાત ATSની ટીમને આ એકાઉન્ટ કર્ણાટકના બેંગલુરૂમાં રહેતી શમા પરવીન નામની મહિલા ચલાવતી હોવાનું જાણવા મળ્યું હતું. આ માહિતીના આધારે ગુજરાત ATSની ટીમે શમા પરવીનની અટકાયત કરી તેના મોબાઇલ ફોનની પ્રાથમિક તપાસ કરી હતી જેમાં કેટલાક મોટા ખુલાસા થયા હતા.
શમા પરવીનના મોબાઇલ ફોને ફોડ્યો ભાંડો
શમા પરવીન દ્વારા ઉપયોગમાં લેવાતા ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ Strangers_Nation02 અને ફેસબુક પેજ Strangers of The Nation અને Strangers of The Nation 2 મારફતે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન AQISના લીડર મૌલાના આસિમ ઉમર દ્વારા આપેલા જિહાદી ભાષણો પ્રસારિત કર્યા છે જેમાં ભારતીય સરકાર અને હથિયારબંદ વિપ્લવ, ગઝવા-એ-હિન્દ, ધર્મ આધારે હિંસા અને આતંકવાદી હુમલાઓ માટે આહવાન કરવામાં આવેલ છે.
આ ઉપરાંત ઉપરોક્ત સોશિયલ મીડિયા એકાઉન્ટથી અલ કાયદાના ઇમામ અન્વર અલ-આવલાકીના જેહાદી પ્રવચન પ્રસારિત કર્યા છે જેમાં ભારતીય મુસ્લિમ યુવાનોને ધર્મના આધારે હુમલા કરવા માટે ઉશ્કેરવામાં આવેલ છે.
લાહોરના લાલ મસ્જિદના મૌલાના અબ્દુલ અઝીઝના બયાનનો પણ એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તે મુસ્લિમોને હથિયારબંધ સંઘર્ષ દ્વારા ભારત સરકારને બળજબરીથી પલટાવવા માટે ઉશ્કેરે છે અને તેઓ જાતિ આધારે દેશમાં વૈમનસ્ય ફેલાવવા ઉશ્કેરણી કરે છે.
ઉપરોક્ત પુરાવાના આધારે ગુજરાત ATS દ્વારા 27 જુલાઇ 2025ના રોજ શમા પરવીનની બેંગલુરૂ ખાતેથી અટકાયત કરી ટ્રાંઝિટ રિમાન્ડ મેળવી કાયદેસરની કાર્યવાહી અર્થે ATSની કચેરીમાં લાવવામાં આવી હતી.
વધુમાં શમા પરવીનના ફોનની ચકાસણી દરમિયાન અન્ય કેટલાક સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ તથા ઇ-મેઇલ એકાઉન્ટ મળી આવ્યા હતા. સાથો સાથ વિદેશી તથા પાકિસ્તાની Entities સાથે સંપર્ક મળી આવેલ છે. જે બાબતે ઉંડાણપૂર્વકની તપાસ ચાલુ છે.






