સુરતમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ શસ્ત્રપૂજા કરી ગનથી સાધ્યું નિશાન, અત્યાધુનિક હથિયારોની મેળવી માહિતી
સુરત પોલીસ હેડક્વાટર ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં શસ્ત્ર પૂજન

સુરત પોલીસ હેડક્વાટર ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. શસ્ત્ર પૂજા બાદ પોલીસના અત્યાધુનિક રાયફલ-ગન હર્ષ સંઘવીએ હાથમાં લીધી હતી. હથિયારની ક્ષમતા અંગે પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહેલોત પાસેથી માહિતી લીધી હતી. વિજ્યા દશમીના દિવસે શસ્ત્ર પૂજામાં પોલીસ કમિશનર અનુપમ ગેહલોત, ઉચ્ચ પોલીસ અધિકારી પણ હાજર રહ્યાં હતાં.
હથિયારોની માહિતી મેળવી
પોલીસ પાસે હાલ અત્યાધુનિક શસ્ત્ર-સરંજામ છે. ત્યારે આ હથિયારોને હાથમાં લઈને પૂજા અર્ચના કર્યા બાદ રાજ્યમંત્રીએ લેટેસ્ટ ગનથી નિશાન સાધ્યું હતું. સંઘવીને પોલીસ કમિશનરે હથિયારો અંગે વિગતે માહિતી આપી હતી. પોલીસના જવાનો દ્વારા પણ તેમને આપવામાં આવેલા હથિયારોનું શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજન અર્ચન કર્યું હતું.
દશેરાની ઉજવણી
દશેરા પર્વની તમામ લોકોને શુભકામના આપતાં હર્ષ સંઘવીએ કહ્યું કે, દશેરાએ શસ્ત્રોની પૂજા કરવામાં આવે છે. તેની પાછળનો ધ્યેય તમામની સુરક્ષાનો છે. આજે તમામ લોકોએ પ્રાર્થના કરી કે, આ શસ્ત્રોની ઉપયોગ ક્યારેય ન કરવો પડે તે માટે પૂજા કરવામાં આવી છે. રાજ્ય પર કોઈ તકલીફ આવે, ખરાબ નજર ઉઠાવી સુરક્ષાનો સવાલ ઉભો થાય ત્યારે આ શસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવે છે. રાવણરૂપી ડ્રગ્સ, વ્યાજખોર, બળાત્કારીઓ, સામાન્ય નાગરિકોને પીડા આપનાર લોકોનો સર્વનાશ થાય તે પ્રકારની પૂજા કરવામાં આવી છે. કાયદાકીય ન્યાય અપાવવા પોલીસ અને સરકાર આપવા ઝડપથી કામગીરી કરી રહી છે.








