મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

HNGUનો વિવાદાસ્પદ નિર્ણય: 700 કોલેજોમાં હવે લાયકાત વગરના અધ્યાપકો ભણાવશે! NET/SLET વગર પણ મળશે નોકરી

ઉત્તર ગુજરાતના છ જિલ્લાઓનું શૈક્ષણિક હબ ગણાતી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU)

HNGUનો વિવાદાસ્પદ નિર્ણય: 700 કોલેજોમાં હવે લાયકાત વગરના અધ્યાપકો ભણાવશે! NET/SLET વગર પણ મળશે નોકરી

ઉત્તર ગુજરાતના છ જિલ્લાઓનું શૈક્ષણિક હબ ગણાતી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) માંથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. યુનિવર્સિટીની તાજેતરમાં મળેલી એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં લેવાયેલા એક નિર્ણયે શિક્ષણ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. હવે યુનિવર્સિટી સંલગ્ન 700  જેટલી કોલેજોમાં NET(National Eligibility Test) કે SLET(State Level Eligibility Test) જેવી ફરજિયાત ગણાતી લાયકાત વગરના ઉમેદવારોની પણ 'ટીચિંગ આસિસ્ટન્ટ' તરીકે ભરતી કરવામાં આવશે.

માત્ર પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા યુવાનો હવે પ્રોફેસર બનશે!

સામાન્ય રીતે કોલેજમાં ભણાવવા માટે રાષ્ટ્રીય (NET) કે રાજ્ય સ્તરની (SLET) પરીક્ષા પાસ કરવી અનિવાર્ય હોય છે, જે ગુણવત્તાયુક્ત શિક્ષણની ખાતરી આપે છે. પરંતુ, HNGU ના નવા નિર્ણય મુજબ હવે માત્ર પોસ્ટ ગ્રેજ્યુએટ (PG) થયેલા ઉમેદવારો પણ વિદ્યાર્થીઓને ભણાવી શકશે. આ નિર્ણય લાયકાત ધરાવતા બેરોજગારો અને શિક્ષણની ગુણવત્તા બંને માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે.

આડેધડ મંજૂરીનું માઠું પરિણામ

યુનિવર્સિટી દ્વારા છેલ્લા કેટલાક વર્ષોમાં જે રીતે આડેધડ નવી કોલેજોને મંજૂરી આપવામાં આવી છે, તેનું આ ખરાબ પરિણામ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. કોલેજો વધી, પણ સ્ટાફ ક્યાં? 700 જેટલી કોલેજો તો ખોલી દેવામાં આવી, પણ ત્યાં ભણાવવા માટે લાયક અધ્યાપકો ન મળતા હવે નિયમોમાં છૂટછાટ આપવાની ફરજ પડી છે.

છ જિલ્લામાં કાર્યરત હોવા છતાં, આવા નિર્ણયોને કારણે યુનિવર્સિટી અન્ય યુનિવર્સિટીઓની સરખામણીમાં શિક્ષણમાં પાછળ ધકેલાઈ રહી છે.

મોંઘી ફી ભરતા વિદ્યાર્થીઓની લાચારી

ખાનગી કોલેજોમાં લાખો રૂપિયાની ફી ભરીને ઉજ્જવળ ભવિષ્યના સપના જોતા વિદ્યાર્થીઓ હવે લાચાર બન્યા છે. વિદ્યાર્થીઓ અને વાલીઓનો પ્રશ્ન છે કે જો પ્રોફેસર પાસે જ ઉચ્ચ લાયકાત (NET/SLET) નહીં હોય, તો તેઓ વિદ્યાર્થીઓને કઈ રીતે સ્પર્ધાત્મક યુગ માટે તૈયાર કરશે?

આ સમાચાર શેર કરો