મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદે સર્જી તારાજી, જુઓ ક્યાં કેટલું થયું નુકસાન

મેઘરાજાએ પુનઃપધરામણી કરતાં મધ્ય ગુજરાતમાં આજે (24 ઓગસ્ટ) ભારે વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગે કરેલી આગાહી મ

સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદે સર્જી તારાજી, જુઓ ક્યાં કેટલું થયું નુકસાન

મેઘરાજાએ પુનઃપધરામણી કરતાં મધ્ય ગુજરાતમાં આજે (24 ઓગસ્ટ) ભારે વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ સવારથી જ વડોદરા, છોટા ઉદેપુર, ખેડા, આણંદ સહિતના જિલ્લાઓમાં  મેઘમહેર થઇ રહી છે. કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકતા અનેક રસ્તા પર પાણી વહેતા થયા હતા. છોટા ઉદેપુરમાં ત્રણ ઇંચ વરસાદ વરસતા ઓરસંગ નદી બે કાંઠે વહી રહી છે. જો કે, છેલ્લા બે દિવસમાં વરસેલા વરસાદથી વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે અને વરસાદી માહોલને લઈ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.  જો કે ભારે વરસાદે ગુજરાતનાં અલગ અલગ જિલ્લાઓમાં ભારે તારાજી સર્જી છે. 

તાપી: તાપી જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે જિલ્લાના કુલ 27 માર્ગ બંધ કરવામાં આવ્યા છે. ગ્રામીણ વિસ્તારમાં આવેલ લો લેવલ પાણીમાં ગરકાવ થતાં આ માર્ગો બંધ કરવાની ફરજ પડી હતી. જેમાં વ્યારા તાલુકાના 12, ડોલવણ તાલુકાના 6 અને સોનગઢ તાલુકાના 9 માર્ગ બંધ કરવામાં આવ્યા છે. ગ્રામીણ વિસ્તારમાં વરસાદી માહોલ વચ્ચે રસ્તા બંધ થતાં વાહનચાલકોને ભારે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

વડોદરા: વડોદરામાં ભુવા પડવાનો સિલસિલો અટકી નથી રહ્યો. વડોદરા શહેરમાં વધુ એક મુખ્ય માર્ગ પર ભુવો પડ્યો છે. સુસેનથી જીઆઇડીસી જતાં રોડ પર મસમોટો ભુવો પડતાં વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ભુવો પડતાં પાલિકાએ આળસ મુકીને સંતોષ માન્યો. ત્યારે વડોદરામાં ચાલુ ચોમાસે રેકોર્ડ બ્રેક ભુવા પડ્યાં છે. 

અમદાવાદ: અમદાવાદમાં અલગ અલગ વિસ્તારોમાં સવારથી પડી રહેલા વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાયા હતા. અમદાવાદના વેજલપુરમાં ઘૂંટણ સુધી પાણી ભરતા સ્થાનિકોને મુશ્કલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો ત્યારે આ તરફ મીઠાખળી અંડર બ્રિજ બંધ કરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.

અમદાવાદના કોટ વિસ્તારમાં હલીમની ખડકીમાં ભારે વરસાદના પગલે એક બંધ મકાનનો કેટલોક ભાગ ધરાશાયી થયો હતો. બંધ મકાનનો આગળનો ભાગ પડતાની જાણ થતાં જ ફાયરવિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. સદ્દનસીબે મકાનમાં કોઈ રહેતું ન હોવાથી કોઈ જાનહાની થઈ નથી. ફાયરવિભાગની એક ગાડી ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બગોદરામાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ પડતા હાઇવે વરસાદમાં ધોવાઈ જતા મસમોટા ગાબડા પડી ગયા હતા જેને કારણે વાહનો ધીમી ગતિએ ચાલતા ટ્રાફીકની સમસ્યા સર્જાઇ હતી. બગોદરા હાઈવે પર પુલ ઉપર અને સર્વિસ રોડ ઉપર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. હાઇવે પર ધીમી ગતિએ વાહનો ચાલતા ટ્રાફિકજામ થતા વાહન ચાલકો ટ્રાફિકમાં અટવાયા હતા અને બગોદરા પોલિસ ટ્રાફીક સમસ્યા દૂર કરવા કામે લાગી હતી. અમદાવાદથી રાજકોટ જતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વારંવાર બગોદરા હાઈવે ઉપર સામાન્ય વરસાદમાં પણ રોડ ધોવાઈ જતા અને ખાડાઓ પડી જતા વાહન ચાલકો વારંવાર ટ્રાફિક જામની સમસ્યાથી હાલાકી ભોગવી રહ્યા છે.

મહેસાણા: મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં એપીએમસીની 200 ફૂટ લાંબી દિવાલ ધરાશયી થઈ હતી. માર્કેટ યાર્ડની 10 ફૂટ ઊંચી 200 ફૂટ લાંબી દિવાલ ભારે વરસાદમાં પાણીનો આવરો વધતા ઢળી પડી હતી. આસપાસ કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. ત્યારે બીજી તરફ સવારના વરસી રહેલા વરસાદમાં વિજાપુરના શ્રીરામ એપાર્ટમેન્ટ નીચે ઘૂંટણ સુધી પાણી ભરાયા હતા. એપાર્ટમેન્ટના રહીશો ઘણા સમયથી ભૂગર્ભ ગટર અને નગરપાલિકામાં સમાવેશ કરવાની કરી રહ્યા છે માંગણી પરંતુ નથી નગરપાલિકામાં સમાવેશ થતો કે નથી જૂથ પંચાયત દ્વારા આ સમસ્યાઓનો નિકાલ કરાતો.

ભારે વરસાદના પગલે વિજાપુરના માર્કેટયાર્ડમાં પણ પાણી ભરાયા હતા. ટીબી રોડ વિસ્તાર નજીક આવેલ શાકમાર્કેટ યાર્ડમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. માર્કેટમાં આવેલી દુકાનોમાં પાણી ઘૂસતા વેપારીઓને ભારે નુકસાન થયું. વેપારીઓ માર્કેટ યાર્ડમાં છેલ્લા 3 વર્ષથી પાણી ભરાવવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. કેટ કેટલી રજૂઆતો બાદ પણ આ સમસ્યાનો કોઈ નિકાલ આવ્યો નથી.

અરવલ્લી:  એક તરફ રાજ્યમાં મેઘરાજા છેલ્લા બે દિવસથી મન મૂકીને વરસી રહ્યા છે. બીજી તરફ અનેક જગ્યાએ ખાડારાજ જોવા મળ્યું છે. અરવલ્લી જિલ્લાના શામળાજી બાયપાસ રોડ પાસે પાંચ ફૂટ પહોળો અને લગભગ દસ ફૂટ ઊંડો ભુવો પડ્યો છે. જેના કારણે  વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેબલ નાખવા માટે કરેલા ખોદકામ બાદ ખાડા પુરવા માટેની હલકી ગુણવત્તાવાળી કામગીરીના કારણે મસમોટો ભુવો પડ્યો છે. પરિણામે વાહનચાલકોમાં અકસ્માતની ભીતિ સેવાઈ છે. બીજી તરફ તંત્ર હવે આ જોખમી ભુવો ક્યારે પુરે છે તે જોવાનું રહેશે.

છોટાઉદેપુર: છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં કુકરદા ગામ વરસાદી પાણી કોતરોમાં ઘૂસી જતાં મુશ્કેલી ઊભી થઈ હતી. નસવાદીમાં ત્રણ મોટા કોતરોમાં પાણી આવતા ગ્રામજનો, વિદ્યાર્થીઓ અને શિક્ષકો હેરાન થયા હતાં. આ સાથે  કુકરદા ગામે માજા બાર ફળિયાની વિજ લાઈનના ત્રણ પોલ ભારે વરસાદમાં તૂટી પડતા 300 ઘરોનો વિજપાવર ઠપ્પ થયો હતો. ભારે વરસાદ અને પવનને લઈ વીજલાઇન પડતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા.

વલસાડ: વલસાડ જિલ્લાના કાંજણ રણછોડ ગામની વાંકી નદી પરના એક કોઝવે પર નદીના ધસમસતા પ્રવાહમાંથી કાર ચાલકે નદી પસાર કરવાનો પ્રયત્ન કરતાં ચાલક સાથે કાર પાણીમાં તણાઈ હતી. આ જોઈ સ્થાનિક લોકો તાત્કાલિક એકઠા મદદે ડોલી આવ્યા હતા અને કાર ચાલકનું રેસ્કયું કર્યું હતું. ટ્રેક્ટરથી કારને પણ બહાર કાઢવાણા પ્રયાસો સ્થાનિકો દ્વારા કરાયા હતા પરંતુ પાણીનો પ્રવાહ વધુ હોવાથી કાર નદીમાં તણાઇ ગઈ હતી.

નર્મદા: નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના નર્મદાના રામપુરી અને પીછીપુરા વચ્ચે અશ્વિન નદી ઉપર આવેલો કોઝવે પાણીમાં ગરકાવ થતાં બે દિવસથી પિછીપુરા રામપુરી વચ્ચેનો આ રસ્તો બંધ કરવામાં આવ્યો હતો.  નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના રામપુરી ગામ નજીક અશ્વિન નદી પસાર થાય છે અને સામે કાંઠે પીછીપુરા ગામ આવેલું છે વરસાદને કારણે  પીછીપુરા અને રામપુરી વચ્ચે અશ્વિન નદી ઉપર આવેલો કોઝવે પાણીમાં ગરકાવ થતાં સામે કાંઠાના ગામો સંપર્ક વિહોણા થયા છે વારંવાર રજૂઆત કરવા છતાં આ બ્રિજ બનાવવામાં આવતો નથી એટલે વહેલી તકે રામપુરી અને પીછીપુરા વચ્ચે અશ્વિન નદી ઉપર ઊંચો અને લાંબો બ્રિજ બનાવવામાં આવે તેવી ગામ લોકો દ્વારા માંગ કરવામાં આવી છે.

બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લામાં આજે ઓરેન્જ એલર્ટ વચ્ચે સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો. ડીસામાં ભારે વરસાદથી સોસાયટીઓમાં પાણી ભરાયાં હતા. શહેરમાં સવારથી મુશળધાર વરસાદની શરૂઆત થતાં જ નીચાણવાળા વિસ્તારમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા હતા. ડીસાના SV પ્લાઝા, પ્રીતમ નગર, હિમાલય સોસાયટી સહિત 15 સોસાયટીઓને જોડતાં મુખ્ય રોડ પર પાણી ભરાયા હતા.

ડીસામાં ભારે વરસાદને પગલે ગ્રામીણ વિસ્તારનો રોડ ધોવાયો હતો જેના પગલે ટેટોડા ભચાલવા વચ્ચેનું નાળુ ધોવાઈ ગયું. નાળાનું ધોવાણ થતા રસ્તામાં મસમોટા ભુવા જેવી સ્થિતિ સર્જાઈ હતી. બન્ને ગામને જોડતા રસ્તો ધોવાતા સ્થાનિકો ને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો ત્યારે એક બીજા ગામના વાહનવ્યહારને પણ આની સીધી અસર પડી હતી.

બનાસકાંઠાના સુન્ધાજીમાં  ધોધમાર વરસાદ પડતા ભક્તોમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આ નાસભાગ વચ્ચે એક મહિલા વહેતા પાણીમાં તણાઇ હતી. સ્થાનિકો મહિલાને બહાર કાઢે તે પહેલા જ મહિલાનું મોત નીપજ્યું હતું. મહિલાનું મોત થતા ઘટના સ્થળે લોકોના ટોળે ટોળાં ઉમટ્યા હતા. 

પંચમહાલ: ગોધરામાં બે દિવસથી વરસાદી માહોલ યથાવત રહેતા શહેરના મુખ્ય માર્ગો પર મસમોટા ભુવા પડવાનો સીલસીલો થાંભવાનું નામ નથી લઈ રહ્યો. ગોધરાના તમામ મુખ્યો માર્ગો પર કમરતોડ ખાડા તો છે જ હવે મસમોટા ભુવા પડવાની શરૂઆત થઈ ગઈ છે. ભષ્ટ્રાચારના મસમોટા ભુવા જાહેર માર્ગો પર પડતા પાલિકાની પોલ ખુલ્લી પડી છે. ગોધરાના બગીચા રોડ સહિતના અનેક વિસ્તારોમાં મોટા ભુવા પડ્યા છે. શહેરમાં ખાડારાજ બાદ હવે ભુવારાજ શરૂ થતા વાહનચાલકો અને રાહદારીઓને સતત હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાડાઓ અને ભુવાઓ પુરવામાં પાલિકા તંત્ર સદંતર નિષ્ફળ નિવડ્યુ છે.

દાહોદ: દાહોદમાં ધોધમાર વરસાદથી અનેક જગ્યાએ પાણી ભરાયાણા દ્રશ્યો જોવા મળ્યા છે. જેમાં બસ સ્ટેન્ડ રોડ, એસવી પટેલ રોડ, ભીલવાડા, દર્પણ ટોકીઝ રોડ જેવા અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા હતા. રસ્તાઓ પર પાણી ભરાતા અનેક વાહન ચાલકોની ગાડીઓ રસ્તા વચ્ચે જ બંધ પડી જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામાન કરવો પડ્યો હતો. અનેક વાહનો પાણીમાં ગરકાવ થતાં જ પાલિકા અને સ્માર્ટ સિટીની ટીમ કામે લાગી હતી.

આ સમાચાર શેર કરો