ધરમપુરની આંસુરા શાળાના વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડાં, નાસ્તામાં અપાયેલા ચણામાં નીકળી જીવાત
ભણશે ગુજરાતના નારા લગાવતી સરકારનું તંત્ર ખાડે ગયું હોવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે.વલસાડ જિલ

ભણશે ગુજરાતના નારા લગાવતી સરકારનું તંત્ર ખાડે ગયું હોવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે.વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાની આંસુરા પ્રાથમિક શાળામાં આદિવાસી બાળકોના આરોગ્ય સાથે ગંભીર બેદરકારી સામે આવી છે. શાળામાં બાળકોને નાસ્તામાં સડેલા અને જીવાતવાળા ચણા પીરસવામાં આવ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
વિદ્યાર્થીએ વાલીને જાણ કરી
એક જાગૃત વિદ્યાર્થિનીએ ચણામાં જીવાત જોતાં વાલીઓને જાણ કરી હતી, જેના પગલે સમગ્ર મામલો બહાર આવ્યો છે. આ અંગે વાલીઓએ સ્થાનિક આગેવાનો અને ધરમપુર તાલુકા પંચાયતના અપક્ષ સભ્ય કલપેશ પટેલને વાકેફ કર્યા હતા. ખાસ નોંધનીય છે કે, એક માસ અગાઉ પણ ધરમપુરના મરઘમાળ અને આસપાસના ગામોની પ્રાથમિક શાળાઓમાં આવી જ ઘટના બની હતી.
ફરિયાદ નોંધાવાઈ
કલ્પેશ પટેલે તાલુકા પંચાયત કક્ષાએ ફરિયાદ નોંધાવી છે અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. તેમણે ચીમકી આપી છે કે જો યોગ્ય પગલાં નહીં લેવાય તો સરકારી અનાજના ગોડાઉનની તાળાબંધી કરવામાં આવશે. વહીવટી તંત્ર દ્વારા આદિવાસી વિસ્તાર પ્રત્યે દાખવવામાં આવી રહેલી ઉદાસીનતા સામે પણ રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે.







