દેશના ટૉપ 7 શહેરો, જ્યાં ઘર ખરીદવું છે લોઢાના ચણા ચાવવા જેવી વાત!
ભારતના 7 મુખ્ય શહેરોમાં ઘરની કિંમતો આસમાને છે! રિપોર્ટ અનુસાર, મકાનની સરેરાશ કિંમત વધીને ₹1.23

ભારતના 7 મુખ્ય શહેરોમાં ઘરની કિંમતો આસમાને છે! રિપોર્ટ અનુસાર, મકાનની સરેરાશ કિંમત વધીને ₹1.23 કરોડ થઈ છે, જે ગયા વર્ષ કરતાં 23% વધુ છે. લક્ઝરી ઘરોની વધતી માંગને કારણે સામાન્ય માણસ માટે ઘર ખરીદવું મુશ્કેલ બની રહ્યું છે.
ભારતના મુખ્ય 7 શહેરોમાં ગરીબો જ નહીં પણ સામાન્ય માણસ માટે પણ મકાન ખરીદવું હવે મુશ્કેલ બની રહ્યું છે. આ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં એટલે કે એપ્રિલથી સપ્ટેમ્બર 2024 સુધીમાં, આ 7 શહેરોમાં મકાન ખરીદવાની સરેરાશ કિંમત વધીને ₹1.23 કરોડ થઈ ગઈ છે. રિયલ એસ્ટેટ કન્સલ્ટન્સી ફર્મ એનારોકના અહેવાલ મુજબ 2024 ના નાણાકીય વર્ષના સમાન સમયગાળાની તુલનામાં આ 23% નો વધારો છે. નાણાકીય વર્ષ 2024 ના સમાન સમયગાળામાં મકાનની ખરીદીની સરેરાશ કિંમત ₹1 કરોડ હતી. કોરોના મહામારી બાદ લક્ઝરી મકાનોની માંગ વધી રહી છે. દરમિયાન, આ સાત શહેરોમાં મોંઘા ઘરો અને નવા પ્રોજેક્ટ શરૂ થયા છે. 2025 ના નાણાકીય વર્ષમાં, આ સાત શહેરોમાં અત્યાર સુધીમાં સરેરાશ ઘર ખરીદવાની કિંમત ₹1.23 કરોડ છે. ગયા વર્ષના સમાન સમયગાળામાં તે ₹1 કરોડ હતું.
આ સાત શહેરો મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (એમએમઆર), નેશનલ કેપિટલ રિજન (દિલ્હી-એનસીઆર), બેંગલુરુ, હૈદરાબાદ, પુણે, ચેન્નાઈ અને કોલકાતા નો સમાવેશ થાય છે. એનસીઆરમાં મકાન ખરીદવાની સરેરાશ કિંમત વાર્ષિક ધોરણે 56% જેટલી વધી છે. ગયા વર્ષે સમાન સમયગાળામાં તે ₹93 લાખ હતી, જે હવે ₹1.45 કરોડ થઈ ગઈ છે. ચાલુ નાણાકીય વર્ષમાં ₹46,611 કરોડના 32,120 યુનિટ્સનું વેચાણ થયું છે. ગયા વર્ષે સમાન સમયગાળામાં ₹30,154 કરોડના 32,315 યુનિટ્સનું વેચાણ થયું હતું.
આ સમયગાળા દરમિયાન વેચાયેલા ઘરોની કિંમતમાં 55%નો વધારો થયો છે, જ્યારે કુલ વેચાયેલા એકમોની સંખ્યામાં 1% ઘટાડો થયો છે.
એમએમઆરમાં સરેરાશ કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી. ગયા વર્ષે પણ અહીંના મકાનો સરેરાશ ₹1.47 કરોડમાં વેચાઈ રહ્યા હતા. ગયા વર્ષે ₹1,12,356 કરોડના 76,410 યુનિટ્સનું વેચાણ થયું હતું જ્યારે આ વર્ષે ₹1,14,529 કરોડના 77,735 યુનિટ્સનું વેચાણ થયું હતું. ગયા વર્ષે, બેંગલુરુમાં ₹26,274 કરોડના 31,440 મકાનો વેચાયા હતા, જ્યારે આ વર્ષે અત્યાર સુધીમાં ₹37,863 કરોડના 31,380 મકાનોનું વેચાણ થયું છે. એનારોક ગ્રૂપના ચેરમેન અનુજ પુરીએ જણાવ્યું હતું કે, “એપ્રિલ અને સપ્ટેમ્બર 2024 વચ્ચે ટોચના 7 શહેરોમાં અંદાજે ₹2,79,309 કરોડની કિંમતના 2,27,400 યુનિટ્સનું વેચાણ થયું હતું. તેનાથી વિપરીત, નાણાકીય વર્ષ 24 માં સમાન સમયગાળામાં આશરે ₹2,35,800 કરોડના મૂલ્યના 2,35,200 એકમોનું વેચાણ થયું હતું. કુલ એકમ વેચાણમાં 3%નો ઘટાડો થયો હોવા છતાં, કુલ વેચાણ કિંમતો એક વર્ષ અગાઉની સરખામણીએ 18% વધુ છે. "આ સ્પષ્ટપણે વૈભવી ઘરોની સતત માંગ દર્શાવે છે."
એપ્રિલથી સપ્ટેમ્બર-2024ના સમયગાળામાં રહેણાંકના મકાનોના વેચાણની સ્થિતિઃ
રહેણાંકના મકાનોના વેચાણની બાબતમાં, એમએમઆર એ સૌથી વધુ 77,735 યુનિટ વેચ્યા હતા, ત્યારબાદ પુણે (40,190), એનસીઆર (32,125), બેંગલુરુ (31,380) અને હૈદરાબાદ (27,820)નો નંબર આવે છે. મૂલ્ય મુજબ, એમએમઆર ₹1,14,529 કરોડના રહેણાંક વેચાણ સાથે ટોચ પર છે, ત્યારબાદ એનસીઆર (₹46,611 કરોડ), બેંગલુરુ (₹37,863 કરોડ), પુણે (₹34,033 કરોડ) અને હૈદરાબાદ (₹31,993 કરોડ) છે.








