મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surat / વેસુ VIP રોડ પર ડમ્પરે બે બહેનોને અડફેટે લીધી, એકનું મોત, બીજી ICUમાં દાખલ

Surat / વેસુ VIP રોડ પર ડમ્પરે બે બહેનોને અડફેટે લીધી, એકનું મોત, બીજી ICUમાં દાખલ
તસવીર: AI IMAGE
આ સમાચાર સાંભળો

સુરતના વેસુ વીઆઈપી રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આજે (17મી સપ્ટેમ્બર) સવારે મોપેડ પર ટ્યુશન ક્લાસ જઈ રહેલી બે બહેનોને પૂરઝડપે આવી રહેલા ડમ્પરે જોરદાર ટક્કર મારી હતી. આ દર્દનાક અકસ્માતમાં મોપેડ ચલાવી રહેલી 22 વર્ષીય યુવતીનું મોત નીપજ્યું છે, જ્યારે તેની નાની બહેન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર અર્થે આઈસીયુ (ICU) વોર્ડમાં ખસેડવામાં આવી છે.

પૂરઝડપે આવતા ડમ્પરે મોપેડને હવામાં ફંગોળ્યું

મળતી માહિતી અનુસાર, 22 વર્ષીય નેહા પ્રસાદ અને તેની નાની બહેન નિકી પ્રસાદ રોજની જેમ પોતાના મોપેડ પર સવાર થઈને વેસુ વીઆઈપી રોડ પરથી ટ્યુશન જવા નીકળી હતી. આ દરમિયાન રસ્તા પર અચાનક પાછળથીઆવી રહેલા ડમ્પરના ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવી દીધો હતો. ડમ્પરે મોપેડને પાછળથી જોરદાર ટક્કર મારી કે બંને બહેનો મોપેડ સાથે રસ્તા પર પટકાઈ હતી.

અકસ્માત બાદ બંને બહેનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં રસ્તા પર પટકાઈ હતી. સ્થાનિક રાહદારીઓએ 108 એમ્બ્યુલન્સ મારફતે બંનેને નજીકની હોસ્પિટલ ખાતે ખસેડી હતી. જોકે, ગંભીર ઈજાઓ અને વધુ પડતું લોહી વહી જવાના કારણે 22 વર્ષીય નેહા પ્રસાદનું હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ કરુણ મોત નીપજ્યું હતું, જેને તબીબોએ મૃત જાહેર કરી હતી. જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત નાની બહેન નિકી પ્રસાદને ખાનગી હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવી છે, જ્યાં તેની સ્થિતિ અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.

ડ્રાઈવર ડમ્પર મૂકી ફરાર, અલથાણ પોલીસે ગુનો નોંધ્યો

અકસ્માત સર્જાયા બાદ સ્થાનિક લોકો એકઠા થઈ જવાની બીકે ડમ્પર ચાલક વાહનને રસ્તાની વચોવચ મૂકીને ભાગી છૂટ્યો હતો. ઘટનાની જાણ થતાં જ અલથાણ પોલીસ મથકનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ડમ્પર કબ્જે કરી વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. અલથાણ પોલીસે ગમખ્વાર અકસ્માત સર્જી ભાગી છૂટેલા ફરાર ડમ્પરચાલક સામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો