મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Gujarat news: અમને ઓછા મત આપ્યા, હવે પાણી નહીં મળે...' વલસાડના ગાઢવી ગામના ભાજપ કાર્યકરની દાદાગીરી

ગુજરાતમાં એક તરફ વહીવટી તંત્ર ધોમધખ

Gujarat news: અમને ઓછા મત આપ્યા, હવે પાણી નહીં મળે...' વલસાડના ગાઢવી ગામના ભાજપ કાર્યકરની દાદાગીરી
આ સમાચાર સાંભળો

ગુજરાતમાં એક તરફ વહીવટી તંત્ર ધોમધખતા ઉનાળામાં જળ સંચયની મોટી-મોટી વાતો કરી રહ્યું છે, ત્યારે વલસાડ જિલ્લાના છેવાડાના કપરાડા તાલુકાના ગાઢવી ગામે લોકશાહીને શરમાવે તેવી ઘટના સામે આવી છે. તાજેતરની ચૂંટણીઓમાં અપેક્ષા મુજબ મત ન મળતા એક સ્થાનિક ભાજપ કાર્યકરે આખા ફળિયાના લોકોને પાણી માટે તરસતા કરી દીધા છે.

સરકારી બોર પર જમાવ્યો ગેરકાયદે કબજો

ગાઢવી ગામના તાંબડમાળ ફળિયામાં વર્ષો પહેલાં સરકારી ખર્ચે એક હેન્ડપંપ (બોર) બનાવવામાં આવ્યો હતો. આ હેન્ડપંપ ગામના ભાજપ કાર્યકર અને મધ્યાહ્ન ભોજન યોજનાના સંચાલક અમરેશ તુલજી બુધલની ખાનગી જમીનમાં આવેલો છે. સ્થાનિક રહીશોના આક્ષેપ અનુસાર, ચૂંટણીમાં ભાજપને આ વિસ્તારમાંથી ઓછા મત મળતાં, અમરેશે રાજકીય અદાવત રાખીને 17 મેથી આખા ફળિયા માટે પાણીના દ્વાર બંધ કરી દીધા છે. તેણે ગ્રામજનો સાથે માથાકૂટ કરતા કહ્યું કે, "અમને મત ઓછા આપ્યા છે, સરકારી બોર ભલે રહ્યો પણ જમીન મારી છે, અહીંથી કોઈને પાણી નહીં મળે."

ગ્રામજનોની હાલાકી

આ હેન્ડપંપ ફળિયાના 35 પરિવારો એટલે કે 200થી વધુ લોકો માટે જીવનદોરી સમાન હતો, જે હવે બંધ કરી દેવાયો છે. પાણી બંધ થતાં ફળિયાની મહિલાઓ અને માસૂમ દીકરીઓને ભરબપોરે 40 ડિગ્રી તાપમાં 800 મીટર દૂર સુધી ભટકવું પડે છે. પીવાનું પાણી લાવવા માટે નાની દીકરીઓએ ભણવાની ઉંમરે જંગલના પથરાળ, ઉબડ-ખાબડ અને કાંટાળા રસ્તાઓ પર માથા પર બે-બે બેડાં ઉપાડીને ડુંગરા ખૂંદવા પડે છે.

તંત્રની ઘોર બેદરકારી અને આક્રોશ

આ સમગ્ર કિસ્સાનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયો છે અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આમ છતાં, કપરાડાનું તાલુકા વહીવટી તંત્ર અને વલસાડ જિલ્લા તંત્ર આ મામલે મૌન સેવીને બેઠું છે. સ્થાનિક લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે, શું સત્તા અને પક્ષના પ્રતીકના જોરે કોઈ ગરીબ આદિવાસી સમાજને આ રીતે હેરાન કરી શકે? જો તાત્કાલિક ધોરણે આ હેન્ડપંપ જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં નહીં આવે અને દાદાગીરી કરનાર સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં નહીં આવે, તો તંત્રની નિષ્ફળતા છતી થશે. હાલ આ તરસ્યા પરિવારો ન્યાયની આશામાં બેઠા છે.

આ સમાચાર શેર કરો