મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Gujarat news: 5 મહિનામાં 445 કરોડનો દાણચોરીનો સામાન ઝડપાયો, 41 વ્યક્તિની ધરપકડ

ગુજરાતમાંથી સ્મગલિંગના પ્રમાણમાં છેલ્લા કેટલાક સમયમાં ચિંતાજનક વધારો

Gujarat news: 5 મહિનામાં 445 કરોડનો દાણચોરીનો સામાન ઝડપાયો, 41 વ્યક્તિની ધરપકડ

ગુજરાતમાંથી સ્મગલિંગના પ્રમાણમાં છેલ્લા કેટલાક સમયમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે. આ વર્ષે પાંચ જ મહિનામાં રૂપિયા 445 કરોડનું સોનું, હીરા, ઓટોમોબાઈલ પાર્ટસ, કપડાં, વિદેશી ચલણ અને મારિજુઆનાનું સ્મગલિંગ ગુજરાતના એરપોર્ટ અને બંદરોમાંથી ઝડપાયું છે. એક અહેવાલ અનુસાર ઈ-કોમર્સ પ્લેટફોર્મમાં 39 ટકા બનાવટી ચીજવસ્તુઓનું વેચાણ થાય છે. બીજી તરફ ડિરેક્ટરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સના અહેવાલ પ્રમાણે 2024માં જે ચીજવસ્તુનું સૌથી વધુ સ્મગલિંગ થયું, તેમાં 1.32 ટન સાથે સોના, રૂપિયા 179 કરોડ સાથે સિગારેટ અને રૂપિયા 2242 કરોડની વિવિધ નાર્કોટિક્સ છે.

5 મહિનામાં 445 કરોડનો દાણચોરીનો સામાન ઝડપાયો

બનાવટી ચીજવસ્તુ અને સ્મગલિંગ રોકવા માટે રાજ્યની તૈયારી વિષય પર અમદાવાદ ખાતે ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સએન્ડ ઈન્ડસ્ટ્રીનો સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં હાજર રહેલા ચીફ કમિશ્નર ઓફ કસ્ટમ્સ-અમદાવાદ ઝોન પ્રણેશ પાઠકે જણાવ્યું કે વ્યપાર વધી રહ્યો છે. 

સોનું, દારૂ અને નાર્કોટિક્સમાઁથી સિગારેટ્સ તથા મોંઘી લક્ઝરી ઘડિયાળની દાણચોરી

સોનું, દારૂ અને નાર્કોટિક્સમાઁથી સિગારેટ્સ તથા મોંઘી લક્ઝરી વોચીસ સુધીની માલસામાનની સીમા પારથી ગેરકાયદેસર હેરફેર માટેના પ્રયાસો વધી રહ્યા છે. આ પ્રવૃતિઓમાં ન કેવળ જકાતની ચોરી થાય છે, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા, જાહેર આરોગ્ય અને કાયદેસરના વ્યવસાયો સામે પણ ગંભીર જોખમ ઊભું થાય છે. તાજેતરના જ એક કિસ્સામાં ગોધરા કસ્ટમ્સે 8 મિલિયનથી વધુની બનાવટી સિગારેટ્સનો જથ્થો ઝડપ્યો હતો  અને રૂપિયા 150 કરોડથી વધુના સાયકોટ્રોફિક પદાર્થો જપ્ત કર્યા હતા. આ ઉપરાંત રૂપિયા 13 કરોડની લક્ઝરી ઘડિયાળો પણ જપ્ત કરવામાં આવી હતી. 

 બીજી તરફ અમદાવાદના અધિક પોલીસ કમિશ્નર IPS નીરજ કુમાર બડગુજરે જણાવ્યું કે ગેરકાયદેસર વેપાર માત્ર ગુનાઈત નેટવર્કને જ નહીં, પણ જાહેર સલામતી અને આર્થિક સ્થિરતાને પણ જોખમમાં મૂકે છે, કાયદાનો અમલ કરાવતી એજન્સીઓએ ગુપ્ત માહિતી આધારિત નીતિઓ એજન્સી વચ્ચેનો સહયોગ અને સમુદાયના જોડાણ દ્વારા આગળ રહેવું જોઈએ.

ફિક્કીના અહેવાલ પ્રમાણે વર્ષ 2022-23માં ભારતમાં ગેરકાયદેસર વસ્તુઓનું બજાર રૂપિયા 7,97,726 કરોડ હતું. ગેરકાયદેસર વેપાર કાયદેસર રીતે કામ કરતા વ્યવસાયોને નુકસાન પહોંચાડે છે, ન્યાયથી બજાર સ્પર્ધાત્મકતાને ખોરવે છે, અને સરકારની કરવેરાની આવકમાં નોંધપાત્ર ઘટાડો કરે છે. ટેક્સટાઈલ્સ અને એપરલ્સનો આવા ગેરકાયદેસર વેપારમાં મહત્તમ હિસ્સો છે. 

આ સમાચાર શેર કરો