ગુજરાતમાં અંગો દઝાડતી ગરમી, આ શહેરમાં બદલાયો સ્કૂલોનો સમય
ગુજરાતના અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. વધતી ગર

ગુજરાતના અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. વધતી ગરમીને જોતા અમદાવાદ પ્રશાસને શાળાઓના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત મ્યુનિસિપલ પ્રાથમિક શિક્ષણ સમિતિની 425 શાળાઓના ખુલવા અને બંધ થવાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અમદાવાદ ટ્રાફિક પોલીસે પણ બપોરના સમયે ટ્રાફિક સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
અમદાવાદમાં શાળાનો સમય સવારે 7થી 12 વાગ્યાનો કરાયો
ગરમીના કારણે તમામ છોકરા-છોકરીઓને શાળાએ આવતી વખતે તડકાનો સામનો ન કરવો પડે તે માટે શાળાનો સમય સવારે 7 વાગ્યાનો કરવામાં આવ્યો છે. શાળા બંધ થવાનો સમય બપોરે 12 વાગ્યે નક્કી કરવામાં આવ્યો છે.
ગરમીના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત સરકારી શાળાઓના સમયમાં કરાયેલા ફેરફાર અંગે મ્યુનિસિપલ પ્રાથમિક શિક્ષણ સમિતિના વહીવટદાર લગધીર દેસાઈએ જણાવ્યું હતું કે, બાળકોને ગરમીથી રાહત આપવા માટે બપોરની પાળી વહેલી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જે શાળાઓમાં બેઠક વ્યવસ્થા ઉપલબ્ધ છે, તેમાં વિદ્યાર્થીઓને સોમવારથી શુક્રવાર સવારે 7:10 થી બપોરે 12 વાગ્યા સુધી બોલાવવામાં આવશે અને શાળાનો સમય શનિવારે સવારે 7:10 થી 11:30 સુધી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
અમદાવાદમાં 100 ટ્રાફિક સિગ્નલ બપોર દરમિયાન બંધ રહેશે
ભારે ગરમીને કારણે ગયા વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદ ટ્રાફિક પોલીસે શહેરના 100 ટ્રાફિક સિગ્નલ બપોરે 12 થી 4 વાગ્યા સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત લોકોને ગરમીથી રાહત આપવા માટે ભારે ટ્રાફિકવાળા સિગ્નલ પોઈન્ટ પર સમય ઓછો કરવામાં આવશે.
ગરમીને કારણે 108માં કોલ વધ્યાં
ગુજરાતમાં વધી રહેલી ગરમીના કારણે છેલ્લા એક સપ્તાહમાં 108 ઈમરજન્સી સર્વિસને ચક્કર આવવાના કારણે પડી જવાના 1200થી વધુ કોલ આવ્યા છે. વધતી જતી ગરમીને કારણે ઉલ્ટી થવી, માથા અને પેટમાં દુખાના કોલ્સમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.








