Gujarat news: રાજ્યના 105 ઉચ્ચ પોલીસ અધિકારીની સામૂહિક બદલી-બઢતી,ગૃહ વિભાગે જાહેર કર્યો હુકમ
ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા 105 IPS-SPS અધિકારીની બદલી અને બઢતી કરવામ

ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા 105 IPS-SPS અધિકારીની બદલી અને બઢતી કરવામાં આવી છે. રાજ્ય ગૃહ વિભાગ દ્વારા ઉચ્ચ પોલીસ અધિકારીની બદલી-બઢતી અંગે નોટિફિકેશન જાહેર કરીને જાણકારી આપવામાં આવી છે.
105 ઉચ્ચ પોલીસ અધિકારીની બદલી-બઢતી
રાજ્યમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની બદલી-બઢતીનો ગૃહ વિભાગે હુકમ કર્યો છે, ત્યારે રાજ્યમાં સર્વપ્રથમવાર નાગરિકોના ફીડબેક, પોલીસ અધિકારીઓના રીપોર્ટ કાર્ડ, ફીડબેકને લઈને ગૃહ વિભાગે વિચારણા કરીને હુકમો કર્યા છે. જેમાં કુલ 25 જિલ્લાના પોલીસ અધિક્ષક, ચારેય શહેરોના 32 જેટલા નાયબ પોલીસ કમિશનર કક્ષાના અધિકારીઓની બદલીના હુકમ કરવામાં આવ્યા છે.
IPSની ગુજરાત કેડરની વર્ષ 2011ની આખી બેચને વેઇટિંગ ફોર પોસ્ટિંગ હેઠળ
ઉલ્લેખનીય છે કે, સીધી ભરતીના વર્ષ 2019-20ના IPS અધિકારીને શહેરમાં ઝોનમાં, વર્ષ-2018 કે તેથી ઉપરના અધિકારીને જિલ્લાઓ અને વર્ષ 2012 અને 2013ના અધિકારીઓને નજીકના સમયમાં બઢતી મળવાની છે. તેમને CID ક્રાઈમના આર્થિક ગુના/ શહેરોના આર્થિક ગુનાની મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે IPSની ગુજરાત કેડરની વર્ષ 2011ની આખી બેચને વેઇટિંગ ફોર પોસ્ટિંગમાં મૂકી દેવામાં આવી છે.
દરેક શહેરોમાં ઝોન અને મુખ્યમથકની જગ્યામાં મહિલા અધિકારીની સપ્રમાણ નિમણૂક આપવામાં આવી છે. જ્યારે પોલીસ ભવનની અગત્યની જગ્યા જેમ કે સ્ટાફ ઓફીસર, ટેક્નિકલ સેલ CID ક્રાઈમ, સાયબર ક્રાઈમ, કોસ્ટલ સિક્યુરિટી, તેમજ જેલ જેવી મહત્ત્વની જગ્યાઓ ઉપર વર્ષ 2021ની બેચના સીધી ભરતીના અધિકારી, તો બીજી બાજુ સ્ટેટ મોનીટરીંગ સેલ/CID ક્રાઈમના આર્થિક ગુનાની જેવી મહત્ત્વની જગ્યા ઉપર સિનિયર પોલીસ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે.
વિવાદમાં રહેલા મનીષસિંહને સાઈડ પોસ્ટિંગ
IPS રાહુલ ત્રિપાઠીની અમદાવાદ DCP SOG અમદાવાદમાં બદલી કરવામાં આવી છે. IPS રોહન આનંદની SP CID ક્રાઈમમાં બદલી કરાઈ છે. વિવાદમાં રહેલા મનીષસિંહને સાઈડ પોસ્ટિંગ કરવામાં આવ્યા છે અને કચ્છના ભચાઉમાં SRP ગ્રુપમાં મુકાયા છે. જ્યારે ડો.હર્ષદ પટેલની અમદાવાદ ઝોન -1માં નાયબ CP તરીકે બદલી કરાઈ છે.
કરણરાજ વાઘેલાની સુરત ઇકોનોમિક વિંગમાં બદલી
જ્યારે IPS પાર્થરાજસિંહ ગોહિલની SP સાબરકાંઠામાં બદલી કરવામાં આવી છે. વલસાડના કરણરાજ વાઘેલાની સુરત ઇકોનોમિક વિંગમાં બદલી કરાઈ છે તો મહિસાગરના SP જયદિપસિંહ જાડેજાને ગીર સોમનાથના SP બનાવવામાં આવ્યા છે. દાહોદના SP રાજદીપસિંહ ઝાલાની ગાંધીનગર સાયબરમાં બદલી કરવામાં આવી છે. સુરત ઝોન-2 DCP ભગીરથ ગઢવીની અમદાવાદ ઝોન-6માં બદલી કરવામાં આવી છે.








