Gujarat news: રાજ્યમાં કમોસમી વરસાદમાં 14 લોકોના મોત, સલામત સ્થળે રહેવાની નાગરીકોને તંત્રએ કરી અપીલ
રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની અસર જોવા મળી રહી છે, હવામાન વિભાગની મુજબ સતત બીજા દિવસે

રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની અસર જોવા મળી રહી છે, હવામાન વિભાગની મુજબ સતત બીજા દિવસે (સોમવારે) પણ કમોસમી વરસાદ ખાબક્યો હતો. સોમવારે 104 તાલુકામાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. જેમાં ભાવનગરના સિહોરમાં સૌથી વધુ દોઢ ઈંચ, ભાવનગર શહેરમાં 1 ઈંચ વરસાદનો સમાવેશ થાય છે. કેટલાક તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં કરા અને ભારે પવન સાથે માવઠાંના અહેવાલ પ્રાપ્ત થયા છે.
અલગ-અલગ ઘટનામાં 26 પશુઓ અને 14 લોકોના મોત
ગુજરાતના મોટાભાગના સ્થળોએ વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સથી ભર ઉનાળે ચોમાસા જેવો જોવા મળ્યો હતો. વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા વાવાઝોડાની સ્થિતિ સર્જાઇ હતી. જેના કારણે રાજ્યભરમાં અલગ-અલગ ઘટનામાં 26 પશુઓ અને 14 લોકોના મોત થયા છે, જ્યારે 16 લોકોને ઇજા પહોંચી છે. તો બીજી તરફ જેટલા મકાનોને નુકસાન પહોંચ્યું છે.
.સોમવારે સાંજના સમયે મિની વાવઝોડું ફૂંકાવાની સાથે વરસાદ પડ્યો હતો. ભારે પવનના કારણે ધૂળની ડમરીઓ ઉડતા વિઝિબિલિટી ઘટી જતા વાહન ચાલકોને મુશ્કેલી ઉભી થઇ હતી. રાજ્યના અનેક જિલ્લાઓમાં પવના કારણે ઠેરઠેર વૃક્ષો જમીનદોસ્ત થયા હતા અને રસ્તાઓ બંધ થયા હતા. લગ્નની સિઝનના કારણે કેટલાક સ્થળો મંડપ પણ પડી ગયા હતા.
આગામી 3 દિવસ માટે ક્યાં છે ઓરેન્જ એલર્ટ?
6 મેઃ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, રાજકોટ, મોરબી, કચ્છ7 મેઃ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, રાજકોટ, મોરબી, કચ્છ
8 મેઃ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, કચ્છ
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 4 દિવસ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. રાજ્ય સરકારે લોકોને બિનજરૂરી પ્રવાસ ટાળવા અને સલામત સ્થળે રહેવા માટે અપીલ કરી છે. આ ઉપરાંત ખેડૂતોને તકેદારી રાખવા માટે માર્ગદર્શિકા બહાર પડાઇ છે. ખેતરમાં પડેલો પાક ન પલળે તે માટે સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવી છે.








