હાઇકોર્ટે લાજપોર જેલમાં બંધ નારાયણ સાઈને પિતા આસારામ સાથે મુલાકાત કરવા આપ્યાં જામીન
દુષ્કર્મના કેસમાં સુરતની લાજપોર જેલમાં બંધ નારાયણ સાઈના જામીન અંગે મોટા સમા

દુષ્કર્મના કેસમાં સુરતની લાજપોર જેલમાં બંધ નારાયણ સાઈના જામીન અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત હાઇકોર્ટે નારાયણ સાઈને પિતા આસારામ સાથે મુલાકાત કરવા જામીન આપ્યાં છે. આ અંગે હાઇકોર્ટે લેખિત આદેશ કર્યો છે, જેમાં નારાયણ સાઈને જોધપુર જેલમાં પિતા આસારામ સાથે 4 કલાક મુલાકાતની મંજૂરી આપી છે. જેલમાં પિતા - પુત્રની મુલાકાત દરમિયાન અન્ય કોઈને હાજર ન રાખવા હુકમ કરવામાં આવ્યો છે, માતા અને બહેનને પણ મળવાની મંજૂરી નથી આપવામાં આવી.
હાઈકોર્ટે માનવતાના ધોરણે અરજી મંજૂર કરી
નારાયણ સાઈએ છેલ્લા 11 વર્ષથી પિતા આસારામ સાથે મુલાકાત ન કરી હોવાથી હાઈકોર્ટે માનવતાના ધોરણે આ જામીન અરજી મંજૂર કરી છે. નારાયણ સાંઈને 1 ACP, 1 PI, 2 હેડ કોન્સ્ટેબલ અને 2 કોન્સ્ટેબલના જાપ્તા સાથે સુરતની લાજપોર જેલથી હવાઈમાર્ગે જોધપુર લઈ જવાશે, જ્યાં આસારામ જેલમાં બંધ છે.
નારાયણ સાઈએ અવર-જવરના ખર્ચ પેટે 5 લાખ જમા કરાવવા પડશે
હાઇકોર્ટે પોતાના લેખિત આદેશમાં એ પણ જણાવ્યું છે કે નારાયણ સાઈને સુરતથી જોધપુર અવર-જવરના ખર્ચ પેટે 5 લાખની રકમ સચિન પોલીસ મથકે જમા કરાવવા હુકમ કર્યો છે. સચિન પોલીસ મથકે ડિપોઝિટ જમાં કરાવ્યા બાદ અવર-જવરના સમય અંગે સરકાર નિર્ણય લેશે. જોધપુર જેલમાં આસારામ સાથે મુલાકાત બાદ પરત લાજપોર જેલ લાવ્યા બાદ રિપોર્ટ કોર્ટમાં સબમિટ કરવા હુકમ કરવામાં આવ્યો છે.








