મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતમાં હવે કુલ 34 જિલ્લા, 17 મહાનગરપાલિકા અને નપાની સંખ્યા 149, વિગતવાર વાંચો આખું લિસ્ટ

નવા વર્ષના પ્રથમ દિવસે એટલે કે 1 જાન્યુઆરી 2025ના રોજ ગુજરાત સરકારે 1 નવા જિલ

ગુજરાતમાં હવે કુલ 34 જિલ્લા, 17 મહાનગરપાલિકા અને નપાની સંખ્યા 149, વિગતવાર વાંચો આખું લિસ્ટ

નવા વર્ષના પ્રથમ દિવસે એટલે કે 1 જાન્યુઆરી 2025ના રોજ ગુજરાત સરકારે 1 નવા જિલ્લા વાવ-થરાદ અને 9 નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાની મંજૂરી આપતા હવે રાજ્યમાં કુલ 34 જિલ્લા અને મહાનગરપાલિકાની સંખ્યા 17 થઈ ગઈ છે. 

ગુજરાતમાં હવે કુલ 17 મહાનગરપાલિકા

હાલમાં રાજ્યમાં આઠ મહાનગરપાલિકા અસ્તિત્વમાં છે. જેમાં  અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, જૂનાગઢ, ભાવનગર, જામનગર અને ગાંધીનગર મહાનગરપાલિકા છે. પરંતુ રાજ્ય સરકારે નવ નવી મહાનગરપાલિકાને મંજૂરી આપતા હવે મનપાની સંખ્યા વધીને 17 થઈ ગઈ છે.

કઈ કઈ નગરપાલિકા બનશે મહાનગરપાલિકા?

મહેસાણા, ગાંધીધામ, વાપી, નવસારી, આણંદ, સુરેન્દ્રનગર, નડિયાદ, મોરબી અને પોરબંદરને મહાનગરપાલિકાનો દરજ્જો અપાયો છે. છેલ્લા ઘણાં સમયથી આ તમામ શહેરોના લોકોની માગ હતી, જે હવે પૂર્ણ થઈ છે. જેને લઈને હાલ અહીંના લોકોમાં ખુશીનો માહોલ છે.  

નગરપાલિકા મહાનગરપાલિકા ક્યારે બની શકે? 

આપણા કાયદાઓ મુજબ જ્યારે કોઈ શહેર કે વિસ્તારની જનસંખ્યા 3 લાખથી વધારે થઈ જાય છે ત્યારે સરકાર નોટિફિકેશન બહાર પાડીને તે શહેર કે વિસ્તારને મહાનગર પાલિકા જાહેર કરી શકે છે. નગરપાલિકા મહાનગર પાલિકા બને છે ત્યારે સારા વહીવટ માટે માળખામાં પણ બદલાવો થાય છે.

નવા વાવ-થરાદ જિલ્લાનું મુખ્ય મથક થરાદ રહેશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ઉત્તર ગુજરાતને ૨૦૨૫ના વર્ષના પ્રથમ દિવસે નવા જિલ્લાની ભેટ રૂપે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને બે જિલ્લા બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી.     

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાના વિવિધ પદાધિકારીશ્રીઓ અને પ્રજાજનોની વર્ષો જુની માંગણી સકારાત્મક પ્રતિસાદ સાથે સંતોષતા હાલના બનાસકાંઠા જિલ્લામાંથી નવો વાવ-થરાદ જિલ્લો બનાવવાની જાહેરાત કરી છે.

હાલનો બનાસકાંઠા જિલ્લો રાજ્યમાં તાલુકાઓની સંખ્યાની દ્રષ્ટિએ સૌથી વધુ ૧૪ તાલુકાઓ ધરાવે છે એટલું જ નહીં વિસ્તારની દૃષ્ટિએ પણ બીજા ક્રમનો જિલ્લો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વસ્તી, વિસ્તાર અને તાલુકાઓનું ભારણ ઘટે અને લોકોને સરકારી સવલતો વધુ સુગમતાથી મળી રહે તે માટે વિશાળ જનહિતમાં આ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને બે જિલ્લાઓ વાવ-થરાદ અને બનાસકાંઠા નામે બનશે. 

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ નવા રચાનારા વાવ-થરાદ જિલ્લા અંગેની વિગતો આપતા કહ્યું કે, હાલ આ જિલ્લાના ૧૪ તાલુકાઓમાંથી નવા બનનાર વાવ-થરાદ જિલ્લામાં વાવ, ભાભર, થરાદ, ધાનેરા, સૂઈગામ, લાખણી, દિયોદર અને કાંકરેજ એમ કુલ ૮ તાલુકાઓ તેમજ ભાભર, થરાદ, થરા અને ધાનેરા એમ ચાર નગરપાલિકાઓનો સમાવેશ થશે.

બનાસકાંઠા જિલ્લામાં બાકીના ૬ તાલુકાઓ પાલનપુર, દાંતા, અમીરગઢ, દાંતીવાડા, વડગામ અને ડીસા એમ કુલ ૬ તાલુકાઓ તેમજ પાલનપુર અને ડીસા એમ બે નગરપાલિકાઓનો સમાવેશ થશે.   

તેમણે કહ્યું કે, મુખ્યમંત્રીએ બંને જિલ્લાઓમાં ગામડાઓનું વિભાજન મહદઅંશે સમાન રીતે દરેક જિલ્લામાં ૬૦૦ આસપાસ રહે તેમ તથા વિસ્તાર વાવ-થરાદ જિલ્લામાં ૬૨૫૭ ચો.કિ.મી   અને બાનસકાંઠા જિલ્લામાં ૪૪૮૬ ચો.કિ.મી રહે તે પ્રમાણે વિભાજન કરવામાં આવશે તેવા દિશાનિર્દેશ આપ્યા છે.

આના પરિણામે અગાઉ વાવ-થરાદ જિલ્લા બાજુના આઠ તાલુકાઓને મુખ્ય મથક પાલનપુર જવા માટે જે અંતર લાગતું હતું તેમાં સરેરાશ ૩૫થી ૮૫ જેટલા કિ.મી. અંતરમાં ઘટાડો થશે તથા સમય અને ઈંધણની બચત થશે.

નવી મનપામાં કઈ-કઈ નગરપાલિકાઓનો કરાશે સમાવેશ?

9 નગરપાલિકાઓને મહા નગરપાલિકાનો દરજ્જો મળતાં હવે રાજ્યમાં મહા નગરપાલિકાઓની સંખ્યા 17 અને નગરપાલિકાઓની સંખ્યા 149 થશે. રાજ્યમંત્રી મંડળના નિર્ણય અનુસાર..

1- નવસારી નગરપાલિકા તેમજ દાંતેજ, ધારાગીરી, એરુ અને હાંસાપોર ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઇને નવસારી મહાનગરપાલિકા બનશે. 

2- ગાંધીધામ નગરપાલિકા તેમજ કિડાણા, ગળપાદર, અંતરજાળ, શિણાય, મેઘપર-બોરીચી અને મેઘપર-કુંભારડી ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઇને ગાંધીધામ મહાનગરપાલિકા બનશે. 

3- મોરબી નગરપાલિકા તેમજ શક્તસનાળા, રવાપરા, લીલાપર, અમરેલી, નાની વાવડી, ભડીયાદ (જવાહર), ત્રાજપર (માળીયા વનાળીયા), મહેન્દ્રનગર (ઈન્દિરાનગર) અને માધાપર/વજેપર ઓજી ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઇને મોરબી મહાનગરપાલિકા બનશે. 

4- વાપી નગરપાલિકા તેમજ બલિઠા, સલવાવ, છીરી, છરવાડા, ચણોદ, કરવડ, નામધા, ચંડોર, મોરાઈ, વટાર, કુંતા ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઇને વાપી મહાનગરપાલિકા બનશે. 

5- આણંદ, વલ્લભવિદ્યાનગર અને કરમસદ નગરપાલિકા તેમજ મોગરી, જીટોડીયા, ગામડી અને લાંભવેલ ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઇને આણંદ મહાનગરપાલિકા બનશે. 

6- મહેસાણા નગરપાલિકા તેમજ ફતેપુરા, રામોસણા, રામોસણા N.A. વિસ્તાર, દેદીયાસણ, પાલાવાસણા, હેડુવા રાજગર, હેડુવા હનુમંત, તળેટી અને લાખવડ ગ્રામ પંચાયતો ઉપરાંત પાલોદર, પાંચોટ, ગિલોસણ, નુગર, સખપુરડા અને લાખવડ ગ્રામ પંચાયતોના કેટલાક સર્વે નંબરવાળા વિસ્તારો સમાવિષ્ટ થઇને મહેસાણા મહાનગરપાલિકા બનશે. 

7- સુરેન્દ્રનગર/ દૂધરેજ/ વઢવાણ નગરપાલિકા તેમજ ખમીસણા, ખેરાળી, માળોદ, મુળચંદ અને ચમારજ ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઇને સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બનશે. 

8- પોરબંદર/ છાયા નગરપાલિકા તેમજ વનાણા (વિરપુર), દિગ્વીજયગઢ, રતનપર અને ઝાવર ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઇને પોરબંદર મહાનગરપાલિકા બનશે. 

આ પણ વાંચોઃ મહેસાણાઃ દોરી વાગવાની વધુ એક ઘટના, આંબલિયાસણની યુવતી ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાઈ

9- નડિયાદ નગરપાલિકા તેમજ યોગીનગર, પીપલગ, ડુમરાલ, ફતેપુરા, કમલા, માંજીપુરા, ડભાણ, બીલોદરા, ઉત્તરસંડા અને ટુંડેલ ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઇને નડિયાદ મહાનગરપાલિકા બનશે.   

ગુજરાતમાં હવે કુલ 34 જિલ્લાઓ

જણાવી દઈએ કે, રાજ્ય સરકાર દ્વારા નવ મહાનગરપાલિકાની સાથે એક નવા જિલ્લાની પણ જાહેરાત કરી છે. રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં બનાસકાંઠાના વિભાજનની સાથે જ વાવ-થરાદને નવો જિલ્લો જાહેર કરાયો છે. વાવ-થરાદમાં સમાવેશ કરીને નવો જિલ્લો જાહેર કરાયો છે. આ નવા જિલ્લાનું વડું મથક થરાદ રહેશે. ત્યારે હવે ગુજરાતમાં 33 નહીં કુલ 34 જિલ્લા છે.

ક્રમ જિલ્લો મુખ્ય શહેરર
1 અમદાવાદ અમદાવાદ
2 અમરેલી અમરેલી
3 આણંદ આણંદ
4 અરવલ્લી મોડાસા
5 બનાસકાંઠા પાલનપુર
6 ભરૂચ ભરૂચ
7 ભાવનગર ભાવનગર
8 બોટાદ બોટાદ
9 છોટા ઉદેપુર છોટા ઉદેપુર
10 દાહોદ દાહોદ
11 ડાંગ આહવા
12 દેવભૂમિ દ્વારકા ખંભાળિયા
13 ગાંધીનગર ગાંધીનગર
14 ગીર સોમનાથ વેરાવળ
15 જામનગર જામનગર
16 જૂનાગઢ જૂનાગઢ
17 ખેડા નડિયાદ
18 કચ્છ ભુજ
19 મહીસાગર લુણાવાડા
20 મહેસાણા મહેસાણા
21 મોરબી મોરબી
22 નર્મદા રાજપીપળા
23 નવસારી નવસારી
24 પંચમહાલ ગોધરા
25 પાટણ પાટણ
26 પોરબંદર પોરબંદર
27 રાજકોટ રાજકોટ
28 સાબરકાંઠા હિંમતનગર
29 સુરત સુરત
30 સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર
31 તાપી વ્યારા
32 વડોદરા વડોદરા
33 વલસાડ વલસાડ
34 વાવ-થરાદ થરાદ

મુખ્યમંત્રીએ નપા અને મનપા માટે 1000 કરોડ મંજૂર કર્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની 7 મહાનગરપાલિકાઓ, 3 શહેરી વિસ્તાર વિકાસ સત્તામંડળ અને 'ક' તથા 'ડ' વર્ગની નાની નગરપાલિકાઓ સહિત 17 નગરપાલિકાઓમાં શહેરીજન જીવન સુવિધા વધારવાના કામો માટે કુલ રૂ. 1000.86 કરોડ ફાળવવાની એક જ દિવસમાં મંજૂરી આપી છે. 

હાલ નવા જિલ્લા-મનપામાં ચૂંટણી નહીં યોજાય!

ઋષિકેશ પટેલના જણાવ્યા અનુસાર, 'નવા જિલ્લામાં તમામ કામ, સિમાંકન સહિતની પ્રક્રિયાઓ પૂર્ણ થયા સુધી હમણાં વાવ-થરાદ અને બનાસકાંઠા જિલ્લામાં ચૂંટણીઓ નહીં થાય. ચૂંટણીને અંદાજિત 9 મહિના જેટલો સમય લાગશે.' આમ, જો નવા જિલ્લા માટે ચૂંટણીને સમય લાગશે તેનાથી અંદાજ લગાવી શકાય છે કે નવી મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ પણ હાલ યોજાશે નહીં તેવી પૂર્ણ શક્યતાઓ છે.

કયા જિલ્લામાં કયા તાલુકાનો સમાવેશ?

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ નવા રચાનારા વાવ-થરાદ જિલ્લા અંગેની વિગતો આપતા કહ્યું હતું કે, 'હાલ આ જિલ્લાના 14 તાલુકાઓમાંથી નવા બનનાર વાવ-થરાદ જિલ્લામાં વાવ, ભાભર, થરાદ, ધાનેરા, સૂઈગામ, લાખણી, દિયોદર અને કાંકરેજ એમ કુલ 8 તાલુકાઓ તેમજ ભાભર, થરાદ, થરા અને ધાનેરા એમ ચાર નગરપાલિકાઓનો સમાવેશ થશે.'

બનાસકાંઠા જિલ્લામાં બાકીના 6 તાલુકાઓ પાલનપુર, દાંતા, અમીરગઢ, દાંતીવાડા, વડગામ અને ડીસા એમ કુલ 6 તાલુકાઓ તેમજ પાલનપુર અને ડીસા એમ 2 નગરપાલિકાઓનો સમાવેશ થશે.'

આ સમાચાર શેર કરો