પાટણ: વિદ્યાર્થીઓને આપવાના સરકારી પાઠ્ય પુસ્તકો બારોબાર પસ્તીમાં વેચી માર્યા, કોની બેદરકારી?
એક તરફ રાજ્ય સરકાર વિદ્યાર્થીઓને મફત પુસ્તક આપવા માટેની યોજના ચલાવે છે. બીજી તરફ પાટણમાં 500થી વધુ સી

એક તરફ રાજ્ય સરકાર વિદ્યાર્થીઓને મફત પુસ્તક આપવા માટેની યોજના ચલાવે છે. બીજી તરફ પાટણમાં 500થી વધુ સીલબંધ પુસ્તકો ભંગાર વાળાને વેચી દેવાયો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે હવે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોષીએ પ્રતિક્રિયા પણ સામે આવી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે પાટણ જિલ્લામાં સરસ્વતી તાલુકામાં વર્ષ 2024-25માં સરકારી શાળામાં ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કાર્ય કરવા માટે સરકારમાંથી વિતરણ કરવા માટે સરસ્વતી બી.આર.સી ભવનમાં આવેલા સ્વાધ્યાય પોથી ચિત્રકલા જેવા વિવિધ પુસ્તકોનો જથ્થો પટ્ટાવાળા દ્વારા ભંગાર વાળાને પસ્તીના ભાવમાં વેચી માર્યો હતો. પસ્તી ભરીને પાટણ તરફ આવી રહેલ છકડો રિક્ષાને એક જાગૃત વાલીએ ઉભો રાખીને પૂછપરછ કરી હતી. જે બાદ રિક્ષાને પોલીસ સ્ટેશન લાવવામાં આવી હતી. આ મામલે બીઆરસી કો-ઓર્ડીનેટર જાણ કરવામાં આવી હતી. જે બાદ તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમણે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને જાણ કરી સૂચના મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો: મોડેલ સ્ટેટ ગુજરાત : ધોરણ 9-10માં 23%થી વધુ ડ્રોપ આઉટ રેટ, 7 જિલ્લામાં ડ્રોપ આઉટ રેટ 30 ટકાથી પણ વધુ
પટ્ટાવાળાને નોકરીમાંથી છૂટો કરી દેવાયો
હાલમાં બી.આર.સી દ્વારા તાત્કાલિક પટ્ટાવાળા રણજિત ઠાકોરને નોકરીમાંથી છૂટો કરી દેવામાં આવ્યો છે. વેચાણ કરેલા પુસ્તકો પરત લાવી ફરીથી ભવનમાં સંગ્રહિત કરવામાં આવ્યા છે. પટ્ટાવાળાએ માત્ર 4 હજારમાં 500થી વધુ પુસ્તકો પસ્તીમાં આપી દીધા હતા.
આ કૌભાંડમાં અધિકારીઓ પણ સંડોવાયેલા હોવાનો કોંગ્રેસનો દાવો
પાટણમાં સરકારી પુસ્તકો ભરેલી રિક્ષા ઝડપાવવા મુદ્દે કોંગ્રેસના પ્રવકતા મનીષ દોષીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, મફત પુસ્તક આપવા માટેની રાજ્ય સરકારની યોજના છે, પરતું વિતરણ વ્યવસ્થામાં ખામી હોવાના કારણે ઘણા કિસ્સાઓમાં આ પુસ્તકો વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકતા નથી. આ કેસમાં પટ્ટાવાળાને આગળ ધરવામાં આવ્યો છે, પરતું આ કૌભાંડમાં અધિકારીઓ પણ સંડોવાયેલા હોવાનો કોંગ્રેસના નેતાએ દાવો કર્યો છે. ભૂતકાળમાં અન્ય જિલ્લાઓમાં પણ આવા બનાવો બન્યા છે, પણ તપાસ પડતી મૂકી દેવાઈ છે. જો આ કિસ્સાની ન્યાયિક તપાસ થાય તો મોટા અધિકારીઓની સંડોવણી સામે આવી શકે છે.








