મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ankleshwar news: તત્કાલીન સત્તાધીશો દ્વારા શૌચાલયની ગ્રાન્ટમાં ૧.૭૦ કરોડની ગોબાચારી, RTIમાં ચોંકાવનારો ખુલાસો

ભરૂચ બાદ હવે અંકલેશ્વર નગરપાલિકાના પૂર્વ સત્તાધિશો દ્વારા વડાપ

Ankleshwar news: તત્કાલીન સત્તાધીશો દ્વારા શૌચાલયની ગ્રાન્ટમાં ૧.૭૦ કરોડની ગોબાચારી, RTIમાં ચોંકાવનારો ખુલાસો

ભરૂચ બાદ હવે અંકલેશ્વર નગરપાલિકાના પૂર્વ સત્તાધિશો દ્વારા વડાપ્રધાનના મહત્વકાંક્ષી હર ઘર શૌચાલય યોજનામાં જે તે સમયે મોટો નાણાકીય ભ્રષ્ટાચાર કર્યો હોવાનો ખુલાસો એક આર.ટી.આઈ.માં થતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.

ભરૂચ જિલ્લામાં મનરેગા કૌભાંડ બાદ શૌચાલય કૌભાંડની શકયતા વચ્ચે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. અંકલેશ્વર નગરપાલિકા તંત્રના જે તે સમયના સત્તાધીશો દ્વારા રૂ. ૧.૭૦ કરોડની શૌચાલયની ગ્રાન્ટમાં ગોબાચારીનો આક્ષેપ કરવામાં આવ્યા છે. અંકલેશ્વરના એક જાગૃત નાગરિક દ્વારા આ સંદર્ભે કરાયેલી આર.ટી.આઈ.માં નાણાકીય ગોબાચારીનો ખુલાસો થવા પામ્યો હતો.

વર્ષ ૨૦૧૩-૧૪ના નાણાકીય વર્ષ દરમ્યાન અંકલેશ્વર નગરપાલિકાના જે તે સમયના સત્તાધિશોએ કુલ ૧૯૦૬ જેટલા શૌચાલયના નિર્માણ માટે મળેલી ગ્રાન્ટમાંથી ખોટા લાભાર્થીઓ ઉભા કરી નાણાકીય ગેરરીતિ આચરી હોવાના ગંભીર આક્ષેપો ઉઠવા પામ્યા છે. જે તે સમયે અંકલેશ્વર નગરપાલિકાના ૧૨ જેટલા વોર્ડ માં ગરીબ લાભાર્થીઓ માટે કુલ ૧૯૦૬ જેટલા શૌચાલયો બનાવવા માટે જે રકમ ઉધારવામાં આવી હતી તે રૂ.1 કરોડ 54 લાખની હતી. 

દોઢ કરોડના ઘરમાં વસવાટ કરતાં તબીબના પુત્રના નામે પણ શૌચાલયો ફાળવાયા

આર.ટી.આઈ. હેઠળ માહિતી મેળવનાર પ્રવીણ મોદીએ આ યોજનામાં જે તે સમયના પદાધિકારીઓએ અંદાજે ૫૦ લાખનો ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપો કર્યા છે અને આ અંગે તેઓએ જિલ્લા કલેકટર તેમજ જિલ્લા પોલીસ વડા સમક્ષ ટૂંકમાં ફરિયાદ કરી તલસ્પર્શી તપાસ હાથ ધરવાની તજવીજ હાથ ધરી છે. તેમના મતે જે તે સમયના પદાધિકારીઓએ એક જ ઘરના ચાર સભ્યોના નામે ચાર શૌચાલયો ઉધાર્યા છે. અન્ય એક કિસ્સામાં મોદી જ્ઞાતિ અને આદિવાસી એક જ ઘરમાં રહેતા હોય તેમ તેમના નામે શૌચાલયો નોંધ્યા છે. અંકલેશ્વરના એક પ્રતિષ્ઠિત તબીબના પુત્ર અને પુત્રવધુ કે જેઓ હાલ અંદાજે એક થી દોઢ કરોડના ઘરમાં વસવાટ કરે છે તેમના નામે પણ શૌચાલયો ફાળવ્યા છે. એક ખ્રિસ્તી યુવકે લગ્નની નોંધણી માટે જે ડોક્યુમેન્ટ પાલિકામાં જમા કરાવ્યા હતા તેનો દુરુપયોગ કરી તેમના નામે પણ શૌચાલય ફાળવવામાં આવ્યુ તેની નોંધનો ચોંકાવનારો ખુલાસો પણ થવા પામ્યો છે.

વધુમાં જે તે સમયે એક મહિલા કર્મચારીનો આ ભ્રષ્ટાચારને છુપાવવા રાજીનામુ લખાવી લઇ ભોગ લેવાયો હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યુ છે. ભરૂચ જિલ્લામાં અન્ય ઠેકાણે આ યોજના અંતર્ગત થયેલા કૌભાંડના પર્દાફાશ બાદ હવે અંકલેશ્વર નગરપાલિકામાં પણ ગોબાચારી થઇ હોવાની વિગતો આવતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. ત્યારે નગરપાલિકાના પ્રમુખ લલીતાબેન રાજપુરોહિતે આ બાબતે તપાસ કરવાની ખાત્રી આપી હતી. 

આ સમાચાર શેર કરો