ફિલિપાઈન્સની લાડી અને અંકલેશ્વરનો વર, સોશિયલ મીડિયામાં પ્રેમ થતા સાત સમંદર પાર કરી યુવતી આવી પરણવા
પ્રેમને કોઈ સીમાડા નડતા નથી ત્યારે પ્રેમનો આવો જ એક કિસ્સો અંકલેશ્વરમાં જોવા મળ્

પ્રેમને કોઈ સીમાડા નડતા નથી ત્યારે પ્રેમનો આવો જ એક કિસ્સો અંકલેશ્વરમાં જોવા મળ્યો છે. અહીં અનોખા લગ્ન થયા છે. સોશિયલ મીડિયાથી શરૂ થયેલી આ લવસ્ટોરીમાં ફિલિપાઇન્સની એક યુવતી અંકલેશ્વરના યુવક સાથે લગ્ન કરવા ભારત આવી હતી. એટલું જ નહીં વિદેશમાં ઉછરેલી આ યુવતીને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ખૂબ જ લગાવ હતો. જેથી તેણીએ ભારતીય સંસ્કૃતિ મુજબ લગ્ન કર્યા હતા.
સોશિયલ મીડિયાની મિત્રતા પ્રેમમાં પરિણમી
અંકલેશ્વરના સામાન્ય પરિવારના યુવાન પિન્ટુ પ્રસાદની નજર સોશિયલ મીડિયા સર્ફિંગ દરમિયાન ફિલિપાઇન્સની એક વિદેશી યુવતી પર પડી હતી. સુંદર દેખાવડી યુવતીને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલતા યુવતીએ મિત્રતા એક્સેપ્ટ કરી લીધી હતી. આ યુવતી પિન્ટુના દિલમાં ઘર કરી ગઈ હતી. બંનેની ઓનલાઇન વાતચીત શરૂ થઇ હતી. મિત્રતા ક્યારે પ્રેમમાં પરિવર્તિત થઇ ગઈ તેની બંનેને ખબર જ ન પડી.
પરિવાર પ્રેમને સ્વીકારવા ખચકાતું
આખરે બંનેએ એક થવાનું નક્કી કર્યું પણ દેશના સીમાડાઓ આડે આવ્યા હતા. અલગ સંસ્કૃતિ, અલગ દેશ અને અપરિચિત લોકોના કારણે પ્રસાદ પરિવાર પુત્રના પ્રેમને સ્વીકારવામાં ખચકાટ અનુભવતું હતું. બે વર્ષની જહેમત બાદ પિન્ટુ તેની પ્રેમિકા લિંબજને મગદાઓને પત્ની તરીકે સ્થાન અપાવવા સફળ થયો હતો. બાદમાં પ્રેમિકાને લેવા ફિલિપાઇન્સ પહોંચ્યો હતો.
સંસ્કૃતિ અપનાવી
જ્યાં કાયદાકીય પ્રોસેસ માટે ફિલિપાઇન્સમાં પિન્ટુ અને લિંબજને મગદાઓએ લગ્ન કર્યા હતાં. બાદ બન્ને ભારત આવ્યા હતા. અહિં અંકલેશ્વરમાં ભારતીય સંસ્કૃતિ અનુસાર બંને લગ્ન ગ્રંથીથી જોડાયા હતાં. ઉલ્લેખનીય છે કે વિદેશમાં ઉછરેલી આ યુવતીને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ખૂબ જ લગાવ છે. તેણીએ ભારતીય રસોઈથી લઈ સંસ્કૃતિ સુધી તમામ રિવાજ અપનાવી લીધા છે.








