Gir Somnath/ ભાલકામાં 'બોમ્બ'ની અફવાથી પોલીસ થઇ દોડતી, મકાન માલિકની વિચિત્ર કબૂલાત જાણીને હસવું આવશે!

વેરાવળ નજીક આવેલા ભાલકા વિસ્તારમાં ગઈકાલે રાત્રે એક મકાનમાં બોમ્બ હોવાની જાણ થતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આ સંવેદનશીલ માહિતી પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનને મળતા જ પોલીસનો કાફલો અને બોમ્બ સ્ક્વોડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે ધસી ગઈ હતી અને મકાનને કોર્ડન કરીને સઘન તપાસ શરૂ કરી હતી.
જોકે, પોલીસે જ્યારે મકાનની ઝીણવટભરી તપાસ કરી ત્યારે એક ચોંકાવનારી વિગત સામે આવી હતી, જેના કારણે પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.
બોમ્બ' નીકળ્યો પૂંઠાનો નમૂનો!
ઘટનાસ્થળે પહોંચેલી બોમ્બ સ્ક્વોડને કોઈ જીવંત કે શંકાસ્પદ વિસ્ફોટક પદાર્થ મળ્યો ન હતો. તપાસ દરમિયાન માલૂમ પડ્યું કે જે વસ્તુને બોમ્બ માનવામાં આવી રહી હતી, તે ખરેખર તો પૂંઠા (Card Board)માંથી બનાવેલો બોમ્બનો નમૂનો હતો.
સમગ્ર મામલે મકાન માલિકની પૂછપરછ કરવામાં આવતા હકીકત બહાર આવી હતી. મકાન માલિકે પોલીસને જણાવ્યું કે તેમણે છ મહિના પહેલા યુટ્યુબ (YouTube) પર વીડિયો જોઈને આ પૂંઠાનો બોમ્બ બનાવ્યો હતો.
ભાડુઆતે પોલીસને જાણ કરી
આ ઘટના પ્રકાશમાં આવવાનું કારણ એ હતું કે મકાન માલિકે ત્યારબાદ આ મકાન ભાડે આપી દીધું હતું. નવા ભાડુઆતને ઘરમાં આ પૂંઠામાંથી બનાવેલો બોમ્બનો નમૂનો જોવા મળતાં તેમને અજુગતું અને શંકાસ્પદ લાગ્યું હતું. કોઈપણ જોખમ ન લેતા, તેમણે તુરંત જ પોલીસને આ અંગે જાણ કરી દીધી હતી.
પોલીસે સમગ્ર સ્થળની સંપૂર્ણ તપાસ કરી હતી અને કશું જ શંકાસ્પદ ન મળતા આખરે પોલીસ અને બોમ્બ સ્ક્વોડને ખાલી હાથે પરત જવું પડ્યું હતું. આ મામલો માત્ર ગેરસમજ અને નિર્દોષ કૃત્ય હોવાથી પોલીસે કોઈની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી નથી. જોકે, યુટ્યુબ પરથી જોઈને આવા સંવેદનશીલ નમૂનાઓ બનાવવાના કારણે સુરક્ષા તંત્રને જે દોડધામ કરવી પડી, તે એક ચર્ચાનો વિષય બન્યો છે.

