મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પોઈચામાં 204 કરોડના ખર્ચે બની રહેલા બ્રિજમાં પારદર્શિતા જાળવવા ભાજપ ધારાસભ્યની માગ

પોઈચામાં 204 કરોડના ખર્ચે બની રહેલા બ્રિજમાં પારદર્શિતા જાળવવા ભાજપ ધારાસભ્યની માગ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

રાજપીપળાને વડોદરા સાથે જોડતો અને નર્મદા નદી પર આવેલો મહત્ત્વપૂર્ણ પોઈચા રંગ સેતુ બ્રિજ છેલ્લા એક વર્ષથી વધુ સમયથી મોટા વાહનો માટે બંધ છે. જેના કારણે વાહનચાલકોને આશરે 40 કિલોમીટરનો વધારાનો ફેરાવો કરવો પડી રહ્યો છે. આ સ્થિતિને કારણે વાહનચાલકોને સમય અને નાણાં બંનેનો વધારાનો બોજ સહન કરવાનો વારો આવ્યો છે.

બ્રિજ મોટા વાહનોની અવરજવર માટે અક્ષમ

વર્ષ 2005માં બનાવવામાં આવેલા આ રંગ સેતુ બ્રિજને અત્યાર સુધીમાં અનેક વાર સમારકામ માટે બંધ કરવાની નોબત આવી છે. વારંવાર બ્રિજ બંધ થવાની સ્થિતિને પગલે તેની નિર્માણ ગુણવત્તા અને મજબૂતાઈ અંગે સ્થાનિકો અને વાહનચાલકોમાં ગંભીર સવાલો ઊભા થયા છે. છેલ્લા 20 વર્ષમાં આ બ્રિજ પર અવારનવાર નબળી ગુણવત્તા અને ક્ષતિઓને કારણે સમારકામ પાછળ કરોડો રૂપિયાનું મેન્ટેનન્સ કરવામાં આવ્યું હોવા છતાં, આજે પણ આ બ્રિજ મોટા વાહનોની અવરજવર માટે અક્ષમ સાબિત થયો છે.

હાલમાં આ સ્થળે તંત્ર દ્વારા આશરે 204 કરોડ રૂપિયાના ખર્ચે નવા બ્રિજનું નિર્માણ કાર્ય ચલાવવામાં આવી રહ્યું છે. ભવિષ્યમાં ફરી આવી સ્થિતિ ઊભી ન થાય અને સરકારી નાણાંનો યોગ્ય ઉપયોગ થાય તે હેતુથી નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબહેન દેશમુખે સરકાર અને કોન્ટ્રાક્ટરને ખાસ અપીલ કરી છે.

ધારાસભ્યએ નવા બ્રિજના નિર્માણમાં ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ ન થાય, કામગીરીમાં સંપૂર્ણ પારદર્શિતા જળવાય અને બ્રિજ મજબૂત તથા લાંબા સમય સુધી ટકાઉ રહે તે રીતે કામ કરવામાં આવે તેવી કડક માંગ કરી છે. હવે કરોડો રૂપિયાના ખર્ચે બની રહેલો આ નવો પોઈચા બ્રિજ લોકોની અપેક્ષાઓ પર કેટલો ખરો ઉતરે છે અને વાહનચાલકોને વારંવારની મુશ્કેલીઓમાંથી ક્યારે કાયમી મુક્તિ મળે છે તે જોવાનું રહ્યું.

આ સમાચાર શેર કરો