ગિફ્ટ સિટીમાં છૂટ બાદ દારૂની રેલમછેલ: ગુજરાતીઓએ 19915 લિટર બિયર ઢીચ્યો, 3324 લિટર દારૂનું વેચાણ થયું

ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રમાં પ્રશ્નોતરી કાળ ચાલી રહ્યો છે. સામાન્ય વહીવટી સુધારણા તાલીમ અને આયોજન ગૃહ અને પોલીસ હાઉસિંગ, મહેસૂલ અને શહેરી વિકાસ, શહેરી ગૃહ નિર્માણ વિભાગની પ્રશ્નોતરી કરવામાં આવી હતી. આ સિવાય રમત ગમત, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, જેલ વિભાગોની પ્રશ્નોતરી થઇ હતી. અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતા બાબતોની માંગણીઓ પર ચર્ચા તેમજ જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગની માંગણીઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
ગિફ્ટ સિટીમાં દારૂની છૂટથી સરકારને કેટલી આવક થઇ?
ગિફ્ટ સિટીમાં દારુ પીવાની છૂટથી સરકારને કેટલી આવક થઇ તે અંગે ગૃહમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જવાબમાં સરકારે કહ્યું કે ગિફ્ટ સિટીમાં દારુ પીવાની છૂટથી સરકારને એક વર્ષમાં 94.19 લાખની આવક થઇ છે. છેલ્લા એક વર્ષમાં ગિફ્ટ સિટીમાં 19915 લિટર બિયરનું વેચાણ થયું છે. એક વર્ષમાં ગિફ્ટ સિટીમાં 3324 લિટર દારુ વેચાયો છે. આ સાથે જ સરકારે ગૃહમાં જણાવ્યું કે ગિફ્ટ સિટીમાં ધ ગ્રાન્ટ મર્ક્યુરી હોટલ અને ગિફ્ટ સિટી ક્લબને દારૂ પીરસવાનું લાઇસન્સ આપવામાં આવ્યું છે.
GIFT સિટીમાં સરકારે દારૂબંધી હટાવી હતી
ગુજરાતમાં સરકારે ડિસેમ્બર 2023માં ગાંધીનગરમાં આવેલા GIFT સિટીમાં દારૂબંધીના નિયમોમાં છૂટછાટ આપવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણય મુજબ, ગિફ્ટ સિટીમાં અધિકૃત રીતે કામ કરતા કર્મચારીઓ અને અધિકૃત મુલાકાતીઓને "વાઈન એન્ડ ડાઈન" સુવિધા હેઠળ દારૂનું સેવન કરવાની મંજૂરી આપવામાં આવી હતી.
આ નિતીનો હેતુ ગિફ્ટ સિટીને વૈશ્વિક બિઝનેસ અને ટેક હબ તરીકે આકર્ષક બનાવવાનો હતો, જેથી વિદેશી કંપનીઓ અને રોકાણકારોને લલચાવી શકાય.ગિફ્ટ સિટીમાં દારૂનું વેચાણ શરૂ છે, પરંતુ તે નિયંત્રિત અને મર્યાદિત સ્વરૂપમાં છે અને તેનો લાભ ફક્ત ચોક્કસ પરમિટ ધારકો જ લઈ શકે છે.

