BZ GROUP દ્વારા 6000 કરોડનું કૌભાંડ..! CID ક્રાઇમે નોંધી ફરિયાદ, ભુપેન્દ્રસિંહ ઝાલા ભૂગર્ભમાં

CEO Bhupendra Sinh zala BZ Group scam: સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના વાવડીમાં રહેતા BZ GROUPના CEO ભુપેન્દ્રસિંહ ઝાલાએ રોકાણની સામે ત્રણ વર્ષમાં બમણા અને સામાન્ય રોકાણની સામે ઉંચા વળતરની લાલચ આપીને રૂપિયા છ હજાર કરોડનું કૌભાંડ આચર્યું હોવાનો આક્ષેપ થતાં ગાંધીનગર સીઆઈડી ક્રાઈમની અલગ અલગ ટીમ દ્વારા સાબરકાંઠા, વડોદરા, ગાંધીનગર અને રાજસ્થાન સહિત કુલ સાત સ્થળો પર દરોડા પાડીને અનેક મહત્વના દસ્તાવેજ તેમજ કેસને લગતા પુરાવા એકઠા કરીને કાર્યવાહી કરી છે. શંકાસ્પદ વ્યવહારો અને કૌભાંડ મામલે ગાંધીનગર CID ક્રાઈમ દ્વારા BZ GROUP વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
- મંગળવારે સીઆઈડી ક્રાઈમના BZ GROUP પર દરોડા
- કૌભાંડનો મુખ્ય આરોપી ભુપેન્દ્રસિંહ ફરાર
- સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગર તેમજ વડોદરામાં આવેલી સાત જેટલી ઓફિસમાં દરોડા
- તપાસ કરતા એકાઉન્ટમાં 175 કરોડ રૂપિયાના વ્યવહાર મળી આવ્યા
- ભૂપેન્દ્ર ઝાલાએ ખરીદી છે હિંમતનગરની ગ્રોમોર કોલેજ
- BZ GROUPમાં મોટા અધિકારીઓ અને સરકારી શિક્ષકોનું સૌથી વધારે રોકાણ
BZ કૌભાંડ મામલે CIDએ આપી જાણકારી
રાજકુમાર પાંડિયન ADGP CID ક્રાઇમેં પ્રેસ કોન્ફરન્સ કરી જાણકારી આપી કે, “BZ GROUP અને BZ ફાયનાન્સિયલ સર્વિસ પર મંગળવારે CID દ્વારા રેડ કરવામાં આવી હતી. જેમાં મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે ફરિયાદ નોંધવાની પ્રક્રિયા શરૂ છે. 1 મહિનાથી BZ GROUP અને BZ ફાયનાન્સિયલ સર્વિસની અલગ અલગ ઓફિસો પર સર્વેલન્સ ગોઠવવામાં આવ્યું હતું. BZ GROUP સંચાલિત BZ ફાયનાન્સિયલ સર્વિસ અનઅધિકૃત સંસ્થા છે જેમાં મહિના 3 ટકાથી લઇને વર્ષે 33 ટકા સુધીનું વળતર આપવાની લાલચ આપતા હતા. રેડ દરમિયાન રૂ.175 કરોડ રૂપિયાના ટ્રાન્જેક્શન મળી આવ્યા છે. BZ GROUP અને BZ ફાયનાન્સિયલ સર્વિસ દ્વારા લોભામણી સ્કીમ માટે શિક્ષક અને નિવૃત્ત સરકારી કર્મચારીઓને ટાર્ગેટ કરવામાં આવતા હતા. CIDને રેડ દરમિયાન 16.37 લાખ રોકડા, એગ્રીમેન્ટ અને 34 ડોક્યુમેન્ટ મળી આવ્યા છે. જે મામલે ફરિયાદ નોંધવાની કામગીરી શરૂ છે. અનંત દરજી નામનો એક એજન્ટ પકડાયો છે. 5 જેટલા લોકો તથા કર્મચારીઓની અટકાયત કરવામાં આવી છે. BZ ફાયનાન્સિયલ સર્વિસ દ્વારા એજન્ટને 5 થી 25 ટકા કમિશન આપવામાં આવતું હતું. સમગ્ર કૌભાંડ 6 હજાર કરોડથી ઓછું કે વધુ રકમનું પણ હોય શકે છે.”
સીઆઈડી ક્રાઈમને મળી હતી અરજી
ગાંધીનગર સીઆઈડી ક્રાઈમને થોડા દિવસ પહેલા એક અરજી મળી હતી કે સાબરકાંઠા જિલ્લાના વાવડીમાં રહેતા ભુપેન્દ્રસિંહ ઝાલા નામની વ્યક્તિએ BZ GROUP હેઠળ રોકાણની અલગ અલગ સ્કીમ રજૂ કરીને કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું છે. જેના આધારે સીઆઈડી ક્રાઇમે BZ GROUP પર દરોડા પાડ્યા હતા. જેમાં જાણવા મળ્યું હતું કે ભુપેન્દ્રસિંહ ઝાલાએ બીઝેડ ફાઈનાન્સિયલ કંપનીમાં ત્રણ વર્ષ માટે નાણાંના રોકાણની ડબલ રકમ અને સામાન્ય રોકાણની સામે ઉંચા વ્યાજની ઓફર આપી હતી. આ માટે તેણે તલોદના રણાસણ, હિંમતનગર, વિજાપુર, મોડાસા, માલપુર, ગાંધીનગર, વડોદરા તેમજ રાજસ્થાનમાં ઓફિસ શરૂ કરીને એજન્ટોની મદદથી છ હજાર કરોડની રકમનું કૌભાંડ આચર્યું હતું. જે કેસની તપાસના અનુસંધાનમાં મંગળવારે સીઆઈડી ક્રાઈમે સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગર તેમજ વડોદરામાં આવેલી સાત જેટલી ઓફિસમાં સામુહિક દરોડા પાડીને કોમ્પ્યુટર, પ્રિન્ટર, લેપટોપ તેમજ ડોક્યુમેન્ટ જપ્ત કર્યા હતા. સાથેસાથે બે બેંક એકાઉન્ટ મળી આવ્યા હતા. જેમાં એક એકાઉન્ટમાં 175 કરોડ રૂપિયાના વ્યવહાર મળી આવ્યા હતા. જોકે પોલીસ દરોડા પાડે તે પહેલા જ આ કૌભાંડનો મુખ્ય આરોપી ભુપેન્દ્રસિંહ ફરાર થઈ ગયો હતો. સીઆઇડી ક્રાઈમે આશંકા સેવી છે કે BZ GROUP દ્વારા અંદાજિત 6000 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે જેને લઈને વધુ તપાસ હાથ ધરી છે.
આરોપી ભૂપેન્દ્ર ઝાલા ફરાર
જોકે પોલીસ દરોડા પાડે તે પહેલાં જ પૉન્ઝી સ્કીમ થકી કરોડોનું કૌભાંડ આચરનારા બી-ઝેડ ગ્રુપનો CEO ભૂપેન્દ્રસિંહ ઝાલા ફરાર થઈ ગયો હતો. આ મામલે હાલ કંઈપણ કહેવા અંગે તપાસ અધિકારીઓએ ચુપકીદી સેવી છે. પરંતુ, આ કૌભાંડની તપાસમાં મસમોટા અને ચોંકાવનારા નામ સામે આવે તેવી સંભાવના છે.
આ પણ વાંચો: 6000 કરોડનું સ્કેમ : ગુજરાતમાં 7 જગ્યાએ BZ Group પર CID ક્રાઈમના દરોડા, મુખ્ય આરોપીના સીએમ-સીઆર સાથે ફોટો
BZ ગ્રુપમાં રોકાણકારોને ત્રણેક વર્ષમાં જ એકના ડબલની સ્કીમમાં ઉતારનાર ભૂપેન્દ્ર ઝાલાએ થોડા સમય પહેલા જ હિંમતનગરની ગ્રોમોર કોલેજ ખરીદી છે અને તેનું નામ બદલીને BZ Global Education Campus કરી દીધું છે. આ કોલેજ ખરીદવા માટે અંદાજિત 100 કરોડ રૂપિયાથી વધુમાં ડિલ થઇ હોવાનું અનુમાન છે જે અંગે પણ સીઆઇડી ક્રાઇમ તપાસ કરી શકે છે.
ભૂપેન્દ્રસિંહ ઝાલાએ લોકસભા 2024ની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરી હતી
ભૂપેન્દ્રસિંહ ઝાલાએ લોકસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરી હતી બાદમાં ઉમેદવારી પરત પણ ખેંચી હતી. તેણે ઉમેદવારી ફોર્મ સાથે એફિડેવિટમાં આવકના આંકડા દર્શાવ્યા હતા જેમાં ITમાં રિટર્નમાં માત્ર અંદાજિત 18 લાખની આવક દર્શાવી હતી. તેણે વર્ષ 2018-19માં માત્ર અંદાજિત 5 લાખની આવક અને 2021-22માં અંદાજિત રૂ.10 લાખની આવક દર્શાવી હતી.
મોટા નેતાઓ, સેલિબ્રિટીઓને મળતો અને મોંઘીદાટ ગાડીઓનો શોખીન ભૂપેન્દ્રસિંહ ઝાલા
ભાજપના મોટા નેતાઓ સાથેના ભૂપેન્દ્રસિંહ ઝાલાના ફોટા સોશિયલ મીડિયા પર પણ ખુબ વાયરલ થઇ રહ્યાં છે. પૉન્ઝી સ્કીમ થકી કરોડોનું કૌભાંડ આચરનારા BZ ગ્રુપનો CEO ભૂપેન્દ્રસિંહ ઝાલા ભાજપનો સભ્ય છે અને મોટા-મોટા નેતાઓ સાથેનાં તેના ફોટા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. તેણે પોર્સ, મર્સીડીઝ, ઓડી જેવી મોંઘીદાટ ગાડીઓ પણ વસાવી છે જેની ખરીદીના ફોટા તથા વીડિયો તે સોશિયલ મીડિયામાં મૂકીને લોકોને રોકાણ માટે આકર્ષતો હતો.

હિંમતનગર વિધાનસભાની ટિકિટની ચર્ચા હતી
સાબરકાંઠા બેઠક પર ભાજપમાંથી ટિકિટ કપાતા ભૂપેન્દ્રસિંહ ઝાલાએ લોકસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરી હતી પણ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ બાદમાં ઉમેદવારી પરત પણ ખેંચી હતી. જે બાદ તેણે અરવલ્લી જિલ્લામાં ભાજપની એક બેઠકમાં હાજરી આપી જેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ પણ હાજર હતા ત્યાં ભાજપના લોકસભાના ઉમેદવાર શોભનાબેન બારૈયાને સમર્થન જાહેર કર્યું હતું. આ ઘટનાક્રમ બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચા હતી કે ભૂપેન્દ્રસિંહ ઝાલાને આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે હિંમતનગર બેઠક પરથી ભાજપના ઉમેદવાર માટેનું કમિટમેન્ટ આપીને બેસાડી દેવામાં આવ્યો છે.

