અમૂલના ઘી-બટરના ભાવવધારા સામે કોંગ્રેસનો વિરોધ, સરકાર પાસે ભાવ વધારો પરત ખેંચવાની માંગ
દિવાળીના તહેવારોમાં મોંઘવારીનો વધુ એક માર સામાન્ય જનતા પર પડ્યો છે. તહેવારોમાં ઘી અને બટરનો વપરાશ વધતો હોય છે, ત્યારે અમૂલ દ્વારા ઘી અને બટરના ભાવમાં વધારો કરવામાં આવતા ગ્રાહકોના બજેટ પર અસર પડી છે. અમૂલના ભાવવધારાને લઈને હવે ગુજરાત કોંગ્રેસે સરકાર સામે સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે એક તરફ પ્રજા મોંઘવારીનો સામનો કરી રહી છે, તો બીજી તરફ તહેવારોના સમયે ભાવવધારો કરીને સામાન્ય લોકો પર વધારાનો બોજ નાખવામાં આવ્યો છે.
દિવાળીના પર્વ પર અમૂલના ઘી અને બટરના ભાવવધારાને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. અમૂલ દ્વારા એક કિલો ઘીના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે 500 ગ્રામ બટરના પેકેટમાં 15 રૂપિયાનો વધારો કરાયો છે.
કોંગ્રેસનો આક્ષેપ છે કે છેલ્લા કેટલાક સમયથી બજારમાં અમૂલનું ઘી પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી. એટલું જ નહીં, અમૂલના નામે બજારમાં ભેળસેળયુક્ત ઘી વેચાતું હોવાની પણ ફરિયાદો સામે આવી રહી છે.
આ મુદ્દે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ સરકાર પર પ્રહાર કરતાં સવાલ ઉઠાવ્યો છે કે અમૂલ સાથે કરોડો પશુપાલકો જોડાયેલા છે અને સંસ્થા કરોડો રૂપિયાનું ટર્નઓવર ધરાવે છે, તેમ છતાં જાહેરાતો પાછળ કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે. બીજી તરફ સામાન્ય ગ્રાહકોને મોંઘવારીનો સામનો કરવો પડી રહ્યો છે.
કોંગ્રેસે માંગ કરી છે કે સરકાર આ મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરે અને અમૂલના ઘી તથા બટરના ભાવમાં કરવામાં આવેલો વધારો પાછો ખેંચાવવા માટે જરૂરી પગલાં ભરે.
એક તરફ દિવાળીના તહેવારોમાં મીઠાઈ અને ફરસાણની ખરીદી વધી રહી છે, તો બીજી તરફ ઘી અને બટરના ભાવવધારાથી ગૃહિણીઓના બજેટ પર વધારાનો બોજ પડી શકે છે. ત્યારે હવે સવાલ એ છે કે સરકાર આ ભાવવધારાના મુદ્દે શું હસ્તક્ષેપ કરશે? કે પછી તહેવારોમાં મોંઘવારીનો માર સહન કરવા સામાન્ય જનતા મજબૂર રહેશે?









