દિવાળી પૂર્વે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનું મેગા ઓપરેશન, ગેરકાયદે રહેતા 61 વિદેશી નાગરિકોની અટકાયત

દિવાળી અને નવા વર્ષના તહેવારોને ધ્યાનમાં રાખીને શહેરની આંતરિક સુરક્ષા વ્યવસ્થા સુદ્રઢ બનાવવા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક સઘન અને મોટું ઓપરેશન હાથ ધર્યું છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી કોઈ પણ પ્રકારના માન્ય દસ્તાવેજો વિના ગેરકાયદે રીતે વસવાટ કરી રહેલા કુલ 61 વિદેશી નાગરિકોની ક્રાઇમ બ્રાન્ચે અટકાયત કરી છે. ઝડપાયેલા આ તમામ નાગરિકોમાં મુખ્યત્વે બાંગ્લાદેશના વતનીઓ હોવાનું સામે આવ્યું છે.
ગુપ્ત બાતમીના આધારે સપાટો
તહેવારો દરમિયાન શહેરમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ કમિશનરની સૂચના મુજબ શહેરભરમાં સતર્કતા વધારવામાં આવી છે. અમદાવાદ શહેરના વિવિધ ઝોનમાં સક્રિય રહેલા શંકાસ્પદ લોકો અંગે બાતમીદારો અને ગુપ્તચર નેટવર્ક દ્વારા વિગતો એકત્રિત કરવામાં આવી હતી. આ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ વિવિધ સ્થળોએ એકસાથે દરોડા પાડીને ગેરકાયદેસર રીતે રહેતા આ શખ્સોને રાઉન્ડઅપ કર્યા હતા.
તપાસનો ધમધમાટ યથાવત
પોલીસ દ્વારા ઝડપાયેલા તમામ શંકાસ્પદ નાગરિકોના ઓળખપત્રો, પાસપોર્ટ અને વીઝા સહિતના દસ્તાવેજોની ઝીણવટભરી ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે. તેઓ ક્યારથી અને કોની મદદથી અમદાવાદમાં પ્રવેશ્યા તે દિશામાં પણ પૂછપરછ ચાલી રહી છે. ક્રાઇમ બ્રાન્ચે સ્પષ્ટતા કરી છે કે તહેવારોના દિવસોમાં શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે ગેરકાયદે વસવાટ કરતા આવા તત્વો સામે ચેકિંગ અને કડક કાનૂની કાર્યવાહીની આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે.









