ગુજરાતમાં 15 મોટા બુટલેગરો વિરૂદ્ધ કાર્યવાહીનો તખ્તો તૈયાર, પોલીસ એક્શન મોડમાં

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં છાશવારે દેશી દારૂના ઠેકાણા તેમજ દારુ પીને આતંક મચાવનારા નબીરાઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજ્યમાં 15 મોટા બુટલેગરો અને જુગારના કેસના મોટા ગુનેગારો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવા તખ્તો તૈયાર થઇ ગયો છે.
અસામાજિક તત્ત્વો સામે કાર્યવાહી
અમદાવાદના રામોલ વિસ્તારમાં અસામાજિક તત્ત્વોના આતંક બાદ રાજ્યના પોલીસ વડાએ 100 કલાકની અંદર અસામાજિક પ્રવૃતિઓ સાથે જોડાયેલા લોકોની યાદી તૈયાર કરવા માટે આદેશ આપ્યો હતો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સૂચનાથી રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે અસામાજિક ગુંડા તત્ત્વો પર કાર્યવાહી અંગે 100 કલાકમાં કાર્યવાહીના આદેશની ગંભીર નોંધ લઇ સ્ટેટ મોનીટરીંગ સેલે અસરકારક કામગીરી કરી છે.
રાજ્યના 15 મોટા બુટલેગરો અને જુગારના કેસના મોટા ગુનેગારો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવા માટેનો તખ્તો તૈયાર કરી લેવામાં આવ્યો છે. SMCએ આ તમામ બુટલેગરની ગેરકાયદેસર મિલકત અને બાંધકામ અંગેની વિગતો તૈયાર કરી લીધી છે અને સંબંધિત મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર અને જિલ્લા કલેક્ટરને આ વિગતોની યાદી મોકલી દેવામાં આવી છે. ટુંક સમયમાં ગેરકાયદેસર દબાણમાં બુલડોઝર ફેરવવાની કામગીરી હાથ ધરવામાં આવી શકે છે.


અમદાવાદમાં પણ બુટલેગર સામે કાર્યવાહી
અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં દેશી દારૂના વેચાણને લઈને અનેક ફરિયાદો સામે આવી હતી. જે હેઠળ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બુધવારે (19 માર્ચ) વહેલી સવારે અમદાવાદ પોલીસ અને AMC ની દબાણ શાખાની ટીમ દ્વારા લિસ્ટેડ બુટલેગર લીલાબેન ચુનારાના ગેરકાયદે બાંધકામને તોડી પાડવામાં આવ્યું છે.

