સાબરકાંઠા: વન વિભાગે આ ગામની 75 એકર જમીન પચાવી પાડી હોવાનો આરોપ; જાણો શું છે સમગ્ર ઘટના
સાબરકાંઠામાં જાણીતા કવિ ઉમાશંકર જોશીના ગામ બામણામાં વન વિભાગે 75 એકર ગૌચર જમીન પચાવી પાડવાન

સાબરકાંઠામાં જાણીતા કવિ ઉમાશંકર જોશીના ગામ બામણામાં વન વિભાગે 75 એકર ગૌચર જમીન પચાવી પાડવાનો આરોપ ગ્રામજનોએ લગાવ્યો છે. વન વિભાગે જમીન પચાવી પાડતા આખું ગામ મુશ્કેલીમાં મુકાયું છે.
શું છે ઘટના?
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં આવેલું બામણા ગામ પશુપાલન ઉપર નિર્ભર છે. ભારતના સુપ્રસિદ્ધ કવિ ઉમાશંકર જોશી પણ આ ગામના છે. એક બાજુ સમુદ્રની જેમ ફેલાયેલો હાથમતી ડેમના કારણે ગામની મોટા ભાગની જમીન ડૂબમાં ગઈ છે. અબોલ પશુઓ માટે એક માત્ર આધાર હતો ગામનું ગૌચર પરંતુ આ ગૌચર ઉપર વન વિભાગની નજર બગડી અને 75 એકરનું ગૌચર વન વિભાગે પચાવી પાડ્યું હોવાનો આરોપ લાગ્યો છે.
આ પણ વાંચો : કચ્છ જમીન કૌભાંડ કેસ મામલે સસ્પેન્ડેડ IAS પ્રદિપ શર્મા દોષિત જાહેર
સર્વે નંબર 592માં આવેલું આ 75 એકરનું ગૌચર વર્ષોથી બામણા ગ્રામ પંચાયત હસ્તકનું હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. રેકર્ડ ઉપર પણ હાલ બામણા ગ્રામ પંચાયતનું નામ બોલાતું હોવા છતાં વન વિભાગે ગેરકાયદેસર કબજો કરી બોર બનાવી દીધો છે. જો કોઈ પશુ ચરાવવા ત્યાં જાય તો પશુઓને પાંજરામાં પુરી દેવાની ધમકી અપાતી હોવાના આક્ષેપ હાલમાં ગ્રામજનો કરી રહ્યા છે.
નોધનીય છે કે ખેતીની જમીન હાથમતી જળાશયના કારણે ડુબમાં ગઈ છે. ગામના 200 જેટલા પરિવારોનું એક માત્ર આજીવિકા પશુપાલન થકી હતી. ગ્રામજનો ગૌચરમાં પશુઓ ચરાવી પેટિયું રળતા પરંતુ હવે એ ગૌચર પણ તેમના નસીબમાંથી નિકળી ગયું છે.
આ બાબતે ગ્રામજનો છેલ્લા 2 મહિનાથી સાબરકાંઠા જિલ્લા કલેક્ટરને અનેક રજુઆતો કરી છતાં ન્યાય મળ્યો નથી. ગૌચર પચાવી પાડવાના મુદ્દે વન વિભાગના અધિકારીઓએ મૌન સેવી લીધું છે.








