Bhavnagar/ રેતી માફિયાઓ પર તવાઈ, ફોરેસ્ટ વિભાગે મધ્ય રાત્રે ગેરકાયદે રેતી ખનન કરતા 3 ટ્રક અને 2 ટ્રેક્ટર ઝડપ્યા
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં દરિયાકિનારે આવેલા વન વિભાગના વિસ્ત

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં દરિયાકિનારે આવેલા વન વિભાગના વિસ્તારમાં લાંબા સમયથી ચાલી રહેલા ગેરકાયદેસર રેતી ખનન પર તળાજા વન વિભાગે આખરે સપાટો બોલાવ્યો છે. ગત રાત્રે વન વિભાગે ખનન માફિયાઓ વિરુદ્ધ ઓપરેશન હાથ ધરી 3 ટ્રક અને 2 ટ્રેક્ટર સહિત ₹63 લાખની કિંમતના વાહનો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
દરિયાઈ વિસ્તારમાં મોટા પાયે ખનન
મળતી વિગતો અનુસાર, તળાજા પંથકના પાદરી (ગોહિલ ની), મીઠીવીરડી સહિતના દરિયાઈ વિસ્તારમાં કુદરતી સંપદા કહી શકાય તેવી રેતી (પણો)નું મોટા પાયે ખનન કરવામાં આવી રહ્યું હતું. આ વિસ્તાર બૃહદ ગીરના વિસ્તારમાં સમાવિષ્ટ હોવાથી ફોરેસ્ટ વિભાગ પણ કાર્યવાહી કરવા માટે સક્ષમ છે. જોકે, અત્યાર સુધી સંબંધિત તમામ વિભાગો (ફોરેસ્ટ, પોલીસ, રેવન્યુ) માત્ર એકલ-દોકલ કેસ કરીને સામાન્ય દંડનીય કાર્યવાહી કરતા હતા.
છેલ્લા સાતેક દિવસથી ખનન માફિયાઓ ફરી ધીમે ધીમે સક્રિય થતા હોવાની બાતમીના આધારે ફોરેસ્ટ વિભાગે ગઈકાલે રાત્રે ઓપરેશન હાથ ધરી આ વાહનો કબજે કર્યા હતા અને થયેલા ખનન મામલે ભૂસ્તર વિભાગને રિપોર્ટ પણ મોકલી આપ્યો છે.
ખનન માફિયાઓને ફરી મંજૂરી કોણે આપી?
અગાઉ, નવા એસ.પી. આવ્યા બાદ પોલીસની ધાકને કારણે ખનન માફિયાઓ ભૂગર્ભમાં ચાલ્યા ગયા હતા, જેના કારણે તેમને અને કેટલાક ભ્રષ્ટ અધિકારીઓને લાખો રૂપિયાની ખોટ જતી હતી. કહેવાય છે કે આ ખોટ પૂરવા અને ગેરકાયદેસર ખનન ફરી શરૂ કરાવવા માટે છેક ગાંધીનગર સુધી દોડધામ કરવામાં આવી હતી, જેના પરિણામે છેલ્લા 6-7 દિવસથી ગેરકાયદેસર ખનન કાર્ય શરૂ થયું હતું.
હવે સવાલ એ ઉઠે છે કે ખનન માફિયાઓને ગેરકાયદેસર ખનન કરવાની ફરીથી ગુપ્ત મંજૂરી કોણે આપી હતી?
ખનન રોકવું કેમ જરૂરી છે?
સરકારી તંત્ર દ્વારા જો આ ખનનકર્તાઓને રોકવામાં નહીં આવે તો તેના ગંભીર પરિણામો આવી શકે છે. દરિયાના પાણી જમીન અને ભૂગર્ભ બંને વાટે આગળ વધશે, જેના કારણે વિસ્તારની સારી ફળદ્રુપ જમીનને પણ ભારે નુકસાન પહોંચી શકે છે અને જમીન ખારી થવાનો ભય છે.








