મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Junagadh: કાળવા નદીમાં ઘોડાપૂર, લોકોનું જનજીવન ખોરવાયું

જૂનાગઢ જિલ્લામાં આજે સવારથી ધોધમાર વરસાદના કારણે કાળવા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે, જેનાથી મોતી બાગ પા

જૂનાગઢ જિલ્લામાં આજે સવારથી ધોધમાર વરસાદના કારણે કાળવા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે, જેનાથી મોતી બાગ પાસે નદી બે કાંઠે વહી રહી છે. જિલ્લા કલેકટર અનીલ રાણાવાસીયાએ નિવેદન જાહેર કરીને સ્થિતિને ગંભીર ગણાવી છે.

જૂનાગઢ જિલ્લાના મેંદરડા, વંથલી અને કેશોદ ત્રણ તાલુકાઓમાં ભારે વરસાદના કારણે મુશ્કેલીઓ વધી છે. મેંદરડામાં 12.50 ઇંચ, જ્યારે વંથલી અને કેશોદમાં આઠ-આઠ ઇંચ વરસાદ નોંધાયો છે. આ વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે, જેથી જિલ્લાના અનેક રસ્તાઓ બંધ કરવા પડ્યા છે. એસટી વિભાગને  પણ ભારે વરસાદવાળા વિસ્તારોમાં પરિવહન ન કરવાની સૂચના આપી છે, જેના પગલે 6 રૂટ બંધ કરાયા છે.

ડેમ ઓવરફ્લો અને એલર્ટ

ડેમોનું ઓવરફ્લો થવાને કારણે 52 ગામડાઓને એલર્ટ કરાયા છે. નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે શિફ્ટ કરવાની કામગીરી શરૂ થઈ છે. માણાવદર, વંથલી અને કેશોદના 35 ગામડાઓ સંપર્ક વિહોણા થઈ ગયા છે, જેનાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલીઓ સર્જાઈ છે. 

જાનહાનિ 

માણાવદર વિસ્તારમાં વીજળી પડવાથી એક વ્યક્તિનું મોત નિપજ્યું છે.  ભારે વરસાદને ધ્યાનમાં રાખીને જિલ્લા પ્રશાસનએ શાળા, કોલેજ અને આંગણવાડીઓ બંધ રાખવાનો આદેશ આપ્યો છે.

કલેકટરનું નિવેદન

જિલ્લા કલેકટર અનીલ રાણાવાસીયાએ જણાવ્યું કે, "સ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. લોકોને ઘરે રહેવા અને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. રેસ્ક્યૂ ટીમો સક્રિય છે અને સંપર્ક વિહોણા વિસ્તારો સુધી પહોંચવાની કામગીરી ચાલી રહી છે."

આ સમાચાર શેર કરો