Rajkot news: જાણો, પુલ બંધ કર્યા બાદ એવું તો શું થયું કે તંત્રને પુન: ચાલુ કરવાની ફરજ પડી
રાજકોટ જિલ્લાનાં ધોરાજીથી જામનગર તરફ જવા માટે વેગડી ગામ નજીક ભાદર

રાજકોટ જિલ્લાનાં ધોરાજીથી જામનગર તરફ જવા માટે વેગડી ગામ નજીક ભાદર નદી પર પુલ અચાનક બંધ કરાયો અને અસંખ્ય વાહનોને હેરાનગતિ થતાં ફરી પુલ ચાલુ કરી તંત્રએ બુધ્ધિનું પ્રદર્શન કર્યું છે.
વેરાવળ સોમનાથથી જુનાગઢ અને ધોરાજીથી જામનગર જવા માટેનો આ ધોરાજી અને જામકંડોરણા વચ્ચે આવેલ એક માત્ર મુખ્ય માર્ગ છે અને ભાદર 2 નદીના પુલ પર ઘણા સમયથી રસ્તાનું કામ ન થતાં સમારકામની જરૂરીયાત ઉભી થઇ હતી.
ત્યારે તંત્ર કોઈ પણ નોટિસ કે લોકોને જાણ કર્યા વિના પુલ બંધ કર્યો હતો. હજારો વાહનોની અવરજવર માટેનો કોઈ ડાયવર્ઝન આપ્યા વિના જ આજે તાત્કાલિક અસરથી આ પુલ બન્ને બાજુ માટી નાખીને બંધ કરવામાં આવ્યો હતો.
આ પુલ બંધ થતાની સાથે વેરાવળ સોમનાથથી જામનગર તરફનો વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો. આ પુલ બંધ થતાં લોકોમાં રોષ જોવા મળ્યો અને જવાબદાર તંત્ર નીચે રેલો આવતાં ફરી આ પુલ પરથી માટી દુર કરીને પુલ લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. સ્થાનિક લોકોએ એવું જણાવ્યું કે આ પુલ ખરાબ હશે અને રીપેરીંગ કામ કરવાની જરૂરિયાત છે, અમે પણ તંત્રને સહકાર આપવા માટે તૈયાર છીએ પણ એ પહેલાં પુલ બંધ કરતાં અગાઉ યોગ્ય ડાયવર્ઝન આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
ત્યારબાદ આજરોજ રાજકોટ જિલ્લા કલેકટરે ધોરાજીથી જામનગર જતા સ્ટેટ હાઇવેને ભારે વાહનો માટે પ્રતિબંધ જાહેર કર્યો છે અને તેમનો ડાયવર્ઝન પણ જાહેર કરવામાં આવ્યો છે. જામકંડોરણા વાયા સુપેડી થઈને ધોરાજી સુધી 41 કિલોમીટરનો ડાયવર્ઝન જાહેર કરાયો છે.








