મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Vadodara/ પાણીગેટ મર્ડર કેસ: બાળકને મળવા આવતા પૂર્વ પતિની વર્તમાન પતિએ કરી હત્યા, પોલીસે આરોપીને દબોચ્યો

સંસ્કારી નગરી વડોદરામાં ગુનેગારો બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે. શહેરના વ્યસ્ત ગણાતા પાણીગે

Vadodara/ પાણીગેટ મર્ડર કેસ: બાળકને મળવા આવતા પૂર્વ પતિની વર્તમાન પતિએ કરી હત્યા, પોલીસે આરોપીને દબોચ્યો

સંસ્કારી નગરી વડોદરામાં ગુનેગારો બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે. શહેરના વ્યસ્ત ગણાતા પાણીગેટ દરવાજા પાસે  એક યુવક પર હિંસક હુમલો કરી તેની હત્યા કરી નાખવાની ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર જગાવી છે. જૂની અદાવત અને કૌટુંબિક વિખવાદમાં બનેલી આ ઘટનામાં પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી લીધી છે.

જાહેર માર્ગ પર હિંસક હુમલો

પ્રાપ્ત વિગતો અનુસાર, ગત રાત્રે પાણીગેટ દરવાજા વિસ્તારમાંમહમદ ઝુલફિકાર સૈયદ નામના યુવક પર હિંસક હુમલો થયો હતો. વિશાલ કહાર નામના શખ્સે જાહેર માર્ગ પર જ મહમદ સૈયદને આંતરી તેના પર ચાકુના આડેધડ ઘા ઝીંક્યા હતા. હુમલો કર્યા બાદ હુમલાખોર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. લોહીલુહાણ હાલતમાં મહમદને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ (SSG) ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું કરુણ મોત નીપજ્યું હતું.

હત્યા પાછળનું ચોંકાવનારું કારણ

વડોદરા ડીસીપી ઝોન-3 અભિષેક ગુપ્તાના જણાવ્યા અનુસાર, આ હત્યા પાછળ ત્રિકોણીય પ્રેમ અને કૌટુંબિક વિખવાદ જવાબદાર છે:

  • તલાક અને પુનઃલગ્ન: મૃતક મહમદ સૈયદના તેની પત્ની સાથે ૩ વર્ષ પહેલા તલાક થયા હતા. ત્યારબાદ તેની પૂર્વ પત્નીએ વિશાલ કહાર સાથે લગ્ન કર્યા હતા.

  • બાળકનો વિવાદ: મૃતક અને તેની પૂર્વ પત્નીને 5 વર્ષનું એક સંતાન છે, જેનું ભરણપોષણ હાલ વિશાલ કહાર કરતો હતો.

  • અવાર-નવાર થતી તકરાર: મહમદ પોતાના પુત્રને મળવાના બહાને વારંવાર વિશાલના ઘરે આવતો હતો. આ દરમિયાન તે તેની પૂર્વ પત્નીના સંપર્કમાં પણ રહેતો હતો, જે વિશાલને જરાય પસંદ નહોતું. વિશાલે મહમદને ઘરે ન આવવા ચેતવણી પણ આપી હતી. આ બાબતે અગાઉ તારીખ 9ના રોજ પોલીસ મથકે પણ મામલો પહોંચ્યો હતો.

પોલીસની ત્વરિત કાર્યવાહી

ગઈકાલે રાત્રે જ્યારે મહમદ ફરીથી બાળકને મળવા આવ્યો ત્યારે મામલો વધુ બિચક્યો હતો અને ઉશ્કેરાયેલા વિશાલે મહમદ પર ઘાતક હુમલો કરી તેની જીવનલીલા સંકેલી લીધી હતી. ઘટનાની ગંભીરતા જોઈ પાણીગેટ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં જ હત્યારાવિશાલ કહારને દબોચી લીધો હતો.

ભીડભાડ વાળા વિસ્તારમાં બનેલી આ ઘટનાએ આસપાસના લોકોમાં ફફડાટ ફેલાવી દીધો છે. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ ચલાવી રહી છે.

આ સમાચાર શેર કરો