ભીની આંખે બાપ્પાની વિદાય, સુરતમાં ગણેશ વિસર્જન, 80 હજાર પ્રતિમાઓનું કૃત્રિમ તળાવમાં વિસર્જન
ગણેશ ચતુર્થીએ રંગેચંગે બાપ્પાની સ્થાપ્ના થયાના 10માં દિવસે આનંદ ચૌદસના દિવસે વિસર્જન થઈ રહ્યુ

ગણેશ ચતુર્થીએ રંગેચંગે બાપ્પાની સ્થાપ્ના થયાના 10માં દિવસે આનંદ ચૌદસના દિવસે વિસર્જન થઈ રહ્યું છે. 10 દિવસ સુધી બાપ્પાની આરતી-પૂજાપાઠ કર્યા બાદ આજે ભાવિકો ભારે હૈયે અને ભીની આંખે બાપ્પાને વિદાય આપી રહ્યા છે. કૃત્રિમ તળાવમાં મૂર્તિઓના વિસર્જનની સવારથી શરૂઆત થઈ ગઈ છે.
શાંતિપૂર્ણ વિસર્જનની તૈયારીઓ
સુરતમાં શ્રીજીની 80,000 જેટલી પ્રતિમાની વિસર્જન પ્રક્રિયા શરૂ થઈ છે. SMCએ માટીની મૂર્તિ માટે તમામ ઝોનમાં કૃત્રિમ ઓવારાનું નિર્માણ કર્યું છે. રામજી ઓવારા ખાતે સાંસદ મુકેશ દલાલે ગણેશ વિસર્જનનો પ્રારંભ કરાવ્યો હતો. વિઘ્નહર્તા શ્રી ગણેશ તેમજ તાપી માતાની પૂજા કર્યા બાદ ગણેશ વિસર્જનનો પ્રારંભ કરાવ્યો હતો. સાંજ સુધીમાં શહેરની તમામ મૂર્તિઓનું વિસર્જન થાય તેવી આશા મુકેશ દલાલે વ્યક્ત કરી હતી. રામજી ઓવારા ખાતે પ્રથમ ગણેશજીની પ્રતિમાનું વિસર્જન પૂર્વ મેયર હેમાલી બોઘાવાલા અને સાંસદ મુકેશ દલાલે કર્યું હતું.
21 તળાવો બનાવાયા
સુરતના મેયર અને પાલિકા કમિશનરે કહ્યુ કે, પાલિકા દ્વારા 21 જેટલા કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે. જેમાં વિસર્જનની પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં થાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસે સ્વચ્છતા હી સેવા અભિયાનની શરૂઆત થઈ છે. કર્મચારીઓને સન્માનિત કરીને કાર્યક્રમ ખુલ્લો મૂકાયો છે.








