સુરતમાં તોતિંગ ઝાડ રોડ પર પડતા વાહનો દબાયા, બાઈક પર જઈ રહેલા મહિલા અને પુરુષને પહોંચી ઈજા
સુરતમાં પડી રહેલા વરસાદના કારણે જમીન પહોંચી પડી ગઈ છે. ત્યારે આજે ભારે પવન સાથે વરસાદ પડતા વરાછા વિસ્તારમાં તોતિં

સુરતમાં પડી રહેલા વરસાદના કારણે જમીન પહોંચી પડી ગઈ છે. ત્યારે આજે ભારે પવન સાથે વરસાદ પડતા વરાછા વિસ્તારમાં તોતિંગ વૃક્ષ ધરાશાયી થયું હતું. વરાછા પોલીસ સ્ટેશનની સામે જ ઝાડ પડ્યુ હતું. રોડ પર ઝાડ પડતાં પસાર થઈ રહેલા વાહનો સહિત પાર્કિંગ થયેલા વાહનો પણ દબાયા હતા. જેમાં બાઈક પર જઈ રહેલા મહિલા અને પુરુષને ઇજા પહોંચી હતી.
ચમત્કારિક બચાવ
વરાછા વિસ્તારમાં પોલીસ સ્ટેશન સામે ટ્રાફિકથી ધમધમતા રોડ પર તોતિંગ ઝાડ ધરાશાયી થયું હતું. સદનસીબે ઝાડ ટેમ્પો ઉપર પડ્યું હતુ. જેના કારણે બાઈક પર જઈ રહેલા મહિલા અને પુરુષને ઈજાઓ પહોંચતા તાત્કાલિક લોકો દોડી આવ્યા હતા, અને તેને સારવાર માટે ખસેડ્યા હતા. ઝાડ જે રીતે પડ્યું તેને જોતા લોકોએ કહ્યું કે, મહિલા અને પુરુષનો ચમત્કારિક બચાવ ટેમ્પોના કારણે થયો હતો.
26 ઝાડ પડ્યા
છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે કુલ 26થી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે. જેના પગલે ફાયર બ્રિગેડ સતત દોડતું રહ્યું છે. ફાયર બ્રિગેડ દ્વારા વરાછા પોલીસ સ્ટેશન સામે પડી ગયેલા ઝાડને હટાવવા માટે કામગીરી હાથ ધરીને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો.








