Ahmedabad news: કેદીઓના પરિવારને ધમકાવતો નકલી જેલર પકડાયો, અગાઉ 4 વખત નકલી અધિકારી બનીને આચર્યો હતો ગુનો
નકલીની ભરમાર દિવસે ને દિવસે વધતી જઈ રહી છે, ત્યારે લાજપોર જેલના જેલર તરીકેની ઓળખ આપીને જેલમા

નકલીની ભરમાર દિવસે ને દિવસે વધતી જઈ રહી છે, ત્યારે લાજપોર જેલના જેલર તરીકેની ઓળખ આપીને જેલમાં સુખ સુવિધાઓ આપવા બદલ ધાક ધમકીથી રૂપીયાની માંગણી કરનાર શખ્સની ઝોન 2 એલસીબી સ્કોર્ડે ધરપકડ કરી છે. આરોપીએ સુરતના અડાજણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બ્લેકમેઇલીંગના ગુનાના આરોપીની પત્નીને ફોન કરીને નાણાંની માંગણી કરી હતી.આરોપી અગાઉ પણ અનેક ગુનામાં પકડાઇ ચુક્યો હોવાનું પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે.
નકલી જેલર બની જેલના કેદીની પત્નીને ધમકી આપતો
ઝોન 2 એલસીબી સ્કોર્ડએ ઇસનપુરના રહેવાસી અને નકલી જેલર બની ધાક ધમકી આપીને રૂપીયાની માંગણી કરનાર રાજેશ ઉર્ફે ચકો ત્રિવેદી નામના શખ્સની ધરપકડ કરી છે. આરોપીએ સુરતના અડાજણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બ્લેકમેઇલીંગના ગુનાના આરોપીની પત્નીને ફોન કરીને નાણાંની માંગણી કરી હતી. આરોપીએ પોતે લાજપોર જેલનો જેલર હોવાનું કહીને સુવિધાઓ આપી હોવાથી પૈસાની માંગણી કરી હતી. મહિલાએ પૈસા આપવામાં આનાકાની કરતા આરોપીએ જેલર તરીકેની ઓળખ આપીને ધમકીઓ પણ આપી હતી. જે બાબતને લઇને સુરતના સચિન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધવામાં આવી હતી.
વકીલ તરીકેની ઓળખ આપીને આરોપી અંગેની માહિતી મેળવતો
આરોપીની પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે કે તે અલગ અલગ ન્યૂઝ ચેનલોમાં પ્રસારીત થતા ક્રાઇમને લગતા એપીસોડ જોઇને તેમાંથી બનાવની વીગત, આરોપીઓના નામ, પોલીસ સ્ટેશનના નામ જેવી માહિતી મેળવતો હતો. બાદમાં જસ્ટ ડાયલમાં ફોન કરીને જે તે પોલીસ સ્ટેશનનો નંબર મેળવીને પોલીસ સ્ટેશનમાં ફોન કરતો હતો અને પોતે પોલીસે પકડેલા આરોપીના વકીલ તરીકેની ઓળખ આપીને આરોપી અંગેની માહિતી મેળવતો હતો. બાદમાં આરોપીના પરિવારજનોને ફોન કરીને પોતે જેલના જેલર તરીકેની ઓળખ આપીને જેલમાં સુખ સુવિધાઓ આપવાની લાલચ આપીને રૂપીયાની માંગણી કરતો હતો.અને જો રૂપીયા મોકલવામાં નહી આવે તો જેમાં આરોપીને માર મારવા સહિતની ધાકધમકી આપતો હતો.
આરોપી સામે અગાઉ છ ગુના દાખલ થયા છે
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી વિરુદ્ધ અગાઉ પણ રામોલ, બાપુનગર, કાલુપુર, અમરેલી, ગાંધીનગરમાં અલગ અલગ છ ગુના દાખલ થઇ ચુક્યા છે. અગાઉ પણ તે નકલી ફુડ સેફ્ટી ઓફીસર, નકલી પોલીસ, નકલી મામલતદાર, અને નકલી ઇન્કમટેક્ષ ઓફિસર બનીને ગુનો આચર્યો હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં પોલીસએ આરોપીની ધરપકડ કરીને છ મોબાઇલ ફોન, એટીએમ કાર્ડ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. અને આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે.








