ચોટીલામાંથી 40 લાખનો ઇંગ્લિશ દારુ પકડાયો, ભાજપનો આગેવાન જ બુટલેગર
ગુજરાતમાં દારૂબંધી છે ત્યારે ઠેર ઠેર અનેક જગ્યાએ દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઇ રહ્યું છે. હવે તો ભાજપના આગે

ગુજરાતમાં દારૂબંધી છે ત્યારે ઠેર ઠેર અનેક જગ્યાએ દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઇ રહ્યું છે. હવે તો ભાજપના આગેવાનો જ બુટલેગર બનીને દારુ વેચતા જોવા મળી રહ્યાં છે. 31st નજીક આવતા જ ઇંગ્લિશ દારૂનું ગુજરાતમાં વેચાણ વધ્યુ છે. ચોટીલામાં સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ કરી 40 લાખથી વધુનો ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. દારૂના વેપારમાં રાજકીય સંડોવણી ખુલતા ચકચાર મચી ગઇ છે.
ત્રણ અલગ અલગ રેડમાં દારૂનો જથ્થો પકડાયો
SMCની ટીમે થાનરોડના નાવા ગામની સીમમાં આવેલા પાકા દિવાલ દરવાજા વાળી વાડીમાં ઇંગ્લિશ દારૂના કટીંગ ઉપર દરોડા પાડતા નાસભાગ મચી હતી અને અંધારાનો લાભ લઇ બુટલેગરો દિવાલ કુદીને પોતાના વાહન મુકીને ભાગી ગયા હતા. આ દરોડામાં દૂધના ટેન્કર જેવું કચ્છ પાસિંગનું ટેન્કર, છોટા હાથી, બોલેરો પીકઅપમાં ઇંગ્લિશ દારૂની બોટલ નંગ-5433 (કિંમત 31 લાખ 02 હજાર 243) મળી આવી હતી. પોલીસના ત્રણ દરોડામાં 7101 બોટલો અને 40.62 લાખનો ઇંગ્લીશ દારુ ઝડપાયો હતો.31 ડિસેમ્બર પહેલા જ વિજીલન્સના દરોડા બાદ લોકલ પોલીસ પણ દોડતી થઇ હતી.
સ્ટેટ વિજીલન્સનાં દરોડા બાદ સ્થાનિક પોલીસ હરકતમાં આવી હતી જેમને નાની મોલડી સીમ વિસ્તાર પડતર જમીનમાં રાખેલ ઇંગ્લિશની 540 બોટલ, બીયર ટીન નંગ 384 કુલ 3.15.834 મુદ્દામાલ પકડી પાડી સાયલાનાં ઢીકવાળી ગામનાં અરવિંદ ગોરધન બારૈયા વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો હતો.SMCના દરોડા દરમિયાન તા.પં. ના મહિલા સદસ્યનો પુત્ર સુરેશ જીવણભાઈ મકવાણા (રહે. પાળિયાદ) દારૂની બોટલ નંગ 1128, રોકડા રૂ.2500 અને વાહન મળી કુલ રૂ.13,46,888ના મુદ્દામાલ સાથે ઝડપાયો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.
ભાજપનાં આગેવાનો બુટલેગર નિકળતા ચર્ચાનો વિષય
ચોટીલા પંથકમાં વધતી અસામાજીક પ્રવૃત્તિઓમાં ભાજપનાં આગેવાનોની સંડોવણી ખુલી રહી છે. થોડા દિવસો પહેલા જ ભાજપનાં તાલુકા પંચાયતનાં પૂર્વ પ્રમુખ અને વર્તમાન મહિલા સદસ્યનાં પતિ એવા જીવણભાઇ મકવાણા 2023માં ઝડપાયેલા કુટણખાનાનાં ગુના સબબ 573 દિવસ બાદ નાટયાત્મક થોડા દિવસ પૂર્વે પકડાઈ જેલ હવાલે થયા બાદ ઇંગ્લિશ દારૂનાં કટીંગનાં જથ્થા પૈકી 1128 નંગ બોટલો બે વાહનો સાથે તેમનો પુત્ર સુરેશ મકવાણા ઝડપાયો છે.તેમજ વિજીલન્સનાં ચાલુ કટીંગ માં કટીંગ કરાવનાર મુખ્ય બે ભાઇઓ પૈકી ચતુર ભાઇ પરાલીયા પણ તાલુકા પંચાયતનાં ભાજપ સદસ્ય છે ત્યારે રાજકારણના ઓથમાં વિસ્તારમાં દારૂનું નેટવર્ક અને અસામાજિક પ્રવૃતિ ફૂલીફાલી હોવાની ચર્ચા એ જોર પકડયું છે.
આ પણ વાંચો: લો બોલો! ગતિશીલ ગુજરાતના આ ગામમાં હજુ સુધી નથી બન્યો પાકો રોડ! લોકોએ કહ્યું-અધિકારીઓ ડોકાતા પણ નથી..
આરોપીઓ વિરુદ્ધ અનેક ગુનાઓ પોલીસ ચોપડે
રાજુભાઇ પરાલીયા સામે જુદા જુદા પોલીસ મથકોમાં રાજકોટ શહેર અને ગ્રામ્ય ગોંડલ તાલુકા, ચોટીલા અને નાનીમોલડી તેમજ સાયલા તાલુકા જેવા પોલીસ સ્ટેશનોમાં નવ જેટલા પ્રોહીબિશનનાં ગુના માં સંડવણીનો રેકોર્ડ ઉપર બોલે છે.ચોટીલા તાલુકા પંચાયતનાં વર્તમાન સદસ્ય ચતુરભાઇ પરાલીયા વિરૂધ્ધ નાની મોલડી અને રાજકોટ શહેર પોલીસમાં બે પ્રોહીબિશન એક જુગારધારા સહિત ત્રણ ગુનાઓ બોલે છે. નવા ગામ રાજકોટના રાહુલ ઉર્ફે ઢબુ ભુપતભાઇ ઉર્ફે હેમંતભાઇ બાબરીયા વિરૂદ્ધ 3 પ્રોહીબિશનનાં 3 ગુના મળી 4 જેટલા કેસમાં ડીસીબી અને કુવાડવા રોડ પોલીસ મથકમાં હોવાનો ઉલ્લેખ જોવા મળે છે.








