મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કર્મચારી મહાસંઘે સરકાર સામે બાંયો ચડાવી, હડતાલને લઈને સુરતના કામરેજમાં યોજાઈ બેઠક

ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ હવે ફરી એકવાર સરકાર સામે જંગે ચડ્યા છે. પડતર પ્રશ્નોને લઈને આજથ

કર્મચારી મહાસંઘે સરકાર સામે બાંયો ચડાવી, હડતાલને લઈને સુરતના કામરેજમાં યોજાઈ બેઠક

ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ હવે ફરી એકવાર સરકાર સામે જંગે ચડ્યા છે. પડતર પ્રશ્નોને લઈને આજથી સામૂહિક હડતાલના એલાનને પગલે સુરત જિલ્લામાં પણ 9 તાલુકાના આરોગ્ય કર્મીઓ આજથી હડતાલ પર ઉતર્યા છે. લડતની રણનીતિના ભાગરૂપે સુરત જિલ્લાના કામરેજ ખાતે એક અગત્યની બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. 

લડત ઉગ્ર બનાવવા બેઠક

રાજ્યમાં એક બાદ એક સરકારના વિવિધ વિભાગના કર્મચારીઓ જંગે ચડ્યા છે. ત્યારે હવે આરોગ્ય લક્ષી સેવાઓ સાથે જોડાયેલા સરકારના આરોગ્ય વિભાગના કર્મચારી ઓએ ફરી એકવાર  સરકાર સામે બાંય ચડાવી છે. આરોગ્ય વિભાગના કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે અનેકવાર સરકારમાં રજૂઆતો અને ચર્ચા વિચારણા બાદ પણ સંપૂર્ણ નિરાકરણ નહીં આવતા ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા આજથી સામૂહિક હડતાલની જાહેરાત કરવામાં આવી હતી. જેના ભાગરૂપે આજે સુરત જિલ્લાના કામરેજ ખાતે સુરત જિલ્લાના 9 તાલુકાઓમાં ફરજ બજાવતા વર્ગ ત્રણના આરોગ્ય કર્મીઓએ મોટી સંખ્યામાં બેઠક મળી હતી. 

પડતર માંગણી વણઉકેલી

ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મંડળ વર્ગ 3ના કર્મચારીઓ આ હડતાલમાં જોડાયા છે. ગ્રેડ પેનો મુદ્દો હોય કે પછી ઊચ્ચ પગાર માટે ખાતાકીય પરીક્ષા જે લેવાનું નક્કી કરાયું છે. એ પરીક્ષા રદ કરવામાં આવે. પહેલાની જેમ જ ભરતી પ્રક્રિયા કરવામાં આવે એવી માંગ કરી છે. સાથે જ ટેક્નિકલ કેડર ગણીને પગારમાં જે વિસંગતતા ઊભી થઈ હતી. તેના સને 2001નો અહેવાલ હોવા છતાં પણ એ પ્રમાણેની ચુકવણી આરોગ્ય કર્મીઓને નહીં કરાતા એ ચુકવણી પણ પૂરેપૂરી કરવામાં આવે. આવી પડતર માંગો આ હડતાલ પર ઉતરેલા કર્મચારીઓ કરી રહ્યા છે .

પીએચસી સેન્ટર સુના

ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ ના હડતાલના એલાનને પગલે સુરત જિલ્લાના આરોગ્ય કર્મચારી મહાસંઘના કર્મચારીઓ પણ આજથી આ હડતાલમાં જોડાયા છે.  સુરત જિલ્લા આરોગ્ય શાખાના ત્રીજા વર્ગના ક્ષેત્રીય કર્મચારીઓ જેમાં મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઇઝર, મહિલા હેલ્થ વર્કર અને મહિલા સુપરવાઇઝર આમ ચાર વિભાગના કર્મચારીઓ આ હડતાલમાં જોડાયા છે. સુરત જિલ્લાને જ્યાં સુધી લાગે વળગે છે. ત્યાં સુધી સુરત જિલ્લાના 9 તાલુકાના 57 જેટલા પીએચસીના 582 જેટલા કર્મચારીઓ આજથી આ સામૂહિક હડતાળમાં જોડાયા છે.

આ સમાચાર શેર કરો