મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

જીગરદાન ગઢવીની 'સાચી નવરાત્રિ' વિવાદમાં, જાણો શું છે સમગ્ર મામલો

અમદાવાદના ન્યૂ સાયન્સ સિટી વિસ્તારમાં આયોજિત ગાયક જીગરદાન ગઢવીના 'સાચી નવરાત્રિ' ગરબા કાર્યક્રમમાં વિવાદ સર્જાયો

જીગરદાન ગઢવીની 'સાચી નવરાત્રિ' વિવાદમાં, જાણો શું છે સમગ્ર મામલો
તસવીર: સાચી નવરાત્રી વિવાદમાં

અમદાવાદના ન્યૂ સાયન્સ સિટી વિસ્તારમાં આયોજિત ગાયક જીગરદાન ગઢવીના 'સાચી નવરાત્રિ' ગરબા કાર્યક્રમમાં વિવાદ સર્જાયો છે. ફાયર વિભાગનુંનો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) અને પોલીસની પૂર્વ મંજૂરી વિના જ નવરાત્રિના પ્રથમ દિવસે ગરબા શરૂ કરી દેવાતાં ફાયર વિભાગ, પોલીસ તંત્ર અને આયોજકોની કામગીરી સામે ગંભીર પ્રશ્નો સર્જાયા છે. આ બેદરકારીની જાણ થતાં જ અમદાવાદ ફાયર બ્રિગેડના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. એટલું જ નહીં, બીજા દિવસે સવારે પણ સ્થળ પર વીજળીના ખુલ્લા વાયરો જોવા મળ્યા હતા, જે ખેલૈયાઓની સુરક્ષા સામે મોટો ખતરો હતો.

જો પહેલા નોરતાના ઘટના ક્રમની વાત કરીએ તો રાત્રે વીજળી ગુલ થતાં તપાસ અટકી: ચીફ ફાયર ઑફિસર

આ અંગે વિગતો આપતાં ચીફ ફાયર ઑફિસર મિથુન મિસ્ત્રીએ જણાવ્યું હતું કે,

અમે આ ડોમમાં અંદરના ભાગે ફાયર રિટાર્ડન્ટ સ્પ્રે અને ઇમરજન્સી એક્ઝિટની વ્યવસ્થા ચકાસવા માટે 8, 9, 10 અને 11 ઑક્ટોબરે બે વખત મુલાકાત લીધી હતી. આમ છતાં, 11 ઑક્ટોબરે સાંજે 4:00 વાગ્યા સુધી ત્યાં કોઈ ફાયર એક્સટિંગ્વિશર મૂક્યા ન હતા. ત્યારબાદ આયોજકોએ ઉતાવળે એક્સટિંગ્વિશર મૂકવાનું શરૂ કર્યું અને રાત્રે 9:00 વાગ્યે તમામ વ્યવસ્થા પૂર્ણ થઈ હોવાની ટેલિફોનિક જાણ કરી હતી. રાત્રે 9:30 વાગ્યે એડિશનલ ચીફ ફાયર ઑફિસર અને ડેપ્યુટી ચીફ ફાયર ઑફિસરને આખરી ચેકિંગ માટે મોકલ્યા હતા. જો કે, તે જ સમયે વીજળી જતાં રાત્રે 10:00 વાગ્યે અધિકારીઓને તપાસ કર્યા વિના જ પરત ફરવું પડ્યું હતું.

નિયમોનું પાલન નહીં થાય તો ગરબા બંધ કરાવાશે: ફાયર વિભાગ

ચીફ ફાયર ઑફિસરના જણાવ્યા અનુસાર, બપોરે 12:00 વાગ્યા સુધીમાં ત્રણેય ઉચ્ચ અધિકારીઓએ સ્થળ પર હાજર રહીને રૂબરૂ તપાસ હાથ ધરી હતી. જો સ્થળ પરની વ્યવસ્થા નિયમો મુજબ નહીં હોય તો નોટિસ અપાશે અને પોલીસને પણ જાણ કરાશે. જો બધી વ્યવસ્થા યોગ્ય જણાશે તો નિયમ મુજબ ચાર્જ વસૂલીને કાર્યક્રમ દરમિયાન ફાયર બ્રિગેડનું એક વાહન સ્ટેન્ડબાય રખાશે. સામાન્ય રીતે પાર્ટી પ્લોટ માટે 200 લિટર પાણીના ડ્રમ અને પોર્ટેબલ ફાયર એક્સટિંગ્વિશર પૂરતા હોય છે, પરંતુ આ એસી ડોમ વાળી જગ્યા હોવાથી ફાયર વાહન મૂકવું અનિવાર્ય છે.

ફાયર વિભાગના અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે, ફાયર NOC માટે ફેનિલ નામના વ્યક્તિએ અરજી કરી છે, પરંતુ હજુ સુધી NOC અપાયું નથી. અંતિમ લાયસન્સ પોલીસ વિભાગ દ્વારા અપાતું હોય છે. જો સમયસર સુધારા પૂર્ણ નહીં થાય તો 'ગુજ ફાયર' કોર્ટમાં અરજી કરીને પોલીસને જાણ કરાશે. સાંજે 7:30 વાગ્યા સુધીમાં તમામ ખામીઓ સુધારીને ઓનલાઇન મંજૂરી મળશે તો જ ગરબા યોજવા દેવાશે.

આયોજકે ભૂલ સ્વીકારી, પરંતુ મોડે સુધી ગરબા ચાલુ રાખ્યા

બીજી તરફ આયોજક ફેનિલ લાલકિયા અને ચિંતન સહિતના આયોજકોએ ભૂલ સ્વીકારી હતી. તેમણે કહ્યું હતું કે, ‘અમે છેલ્લા બે મહિનાથી તૈયારી કરી રહ્યા હતા. પ્રથમ દિવસે NOC મળવાનું હતું, પરંતુ ના મળ્યું. બહાર આશરે 3,000 જેટલા ખેલૈયા રાહ જોઈને ઊભા હોવાથી અમે ગરબા શરૂ કરી દીધા. NOC વગર ગરબા યોજ્યા તે અમારી ભૂલ હતી અને હું તેનો સ્વીકાર કરું છું. રાત્રે 11:00થી 11:30 વાગ્યાની વચ્ચે પોલીસે ગરબા બંધ કરાવવા સૂચના આપી, પરંતુ ભીડને હેરાનગતિ ન થાય તે માટે આશરે 12:30થી 1:00 વાગ્યા સુધી ગરબા ચાલુ રાખ્યા. આજે ફાયર વિભાગે દર્શાવેલી તમામ ખામીઓ હું જાતે સુધારી રહ્યો છું અને હવે NOC મળશે તો જ ગરબા યોજાશે, અન્યથા ગરબા રમાડવામાં આવશે નહીં.’

સામાન્ય નાગરિકોના તંત્ર સામે સવાલ

આ અંગે અનેક ખેલૈયાઓએ તંત્ર સામે સવાલ કર્યા છે. ખેલૈયાઓની દુનિયામાં ચર્ચા છે કે, આશરે 3,000 ખેલૈયાઓના જીવને જોખમમાં મૂકીને NOC વિના ગરબા શરૂ કરનાર આયોજકો સામે તંત્ર દ્વારા તાત્કાલિક કાયદેસરની કડક કાર્યવાહી કેમ નથી કરાતી? અગાઉ બે વખત મુલાકાત લેવા છતાં ગરબાના દિવસે સાંજે 4:00 વાગ્યા સુધી સ્થળ પર જરૂરી ફાયર એક્સટિંગ્વિશર કેમ ઉપલબ્ધ નહોતા? એટલું જ નહીં, સ્થળ પર સવારે વીજળીના ખુલ્લા વાયરો હતા. જો શોર્ટ સર્કિટના કારણે કોઈ હોનારત સર્જાઈ હોત તો તેની જવાબદાર કોણ હોત?

આ સમાચાર શેર કરો