મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

'સાચી નવરાત્રી', 'પરંપરાગત નોરતાં', 'રંગ મોરલા'માં 2500 રૂપિયા સુધીના પાસ

'સાચી નવરાત્રી', 'પરંપરાગત નોરતાં', 'રંગ મોરલા'માં 2500 રૂપિયા સુધીના પાસ

અમદાવાદમાં એકથી એક મોટા ગરબા આયોજકો દ્વારા દૈનિક પાસના રૂ. 1200થી માંડીને રૂ. 2500 વસૂલવામાં આવતા હોવા છતાંય અમદાવાદ અને ગુજરાતના ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અધિકારીઓ ગરબા આયોજકોની જીએસટીની ચોરી સામે આંખ આડા કાન કરી રહ્યા છે. જીએસટીના નિયમ મુજબ 500 રૂપિયાથી વધુના મૂલ્યના ગરબાના પાસ પર 18 ટકા જીએસટી લાગુ પડે છે. પરંતુ આ ચોરી પકડવામાં અમદાવાદ અને ગુજરાતના જીએસટી અધિકારીઓને રસ જ ન હોય અને મફતિયા પાસ મેળવીને મજા કરવામાં જ રસ હોય તેવી સ્થિતિ પ્રવર્તી રહી છે.

'સાચી નવરાત્રી', 'પરંપરાગત નોરતાં', 'રંગ મોરલા'માં 2500 રૂપિયા સુધીના પાસ વેચાય છે

ગોપાલ ફાર્મમાં કીર્તિદાન ગઢવીની પરંપરા નવરાત્રિના 13મી તારીખના એક વ્યક્તિના પાસના રૂ. 999, 1399 અને 2499ના ભાવ બોલાઈ રહ્યા છે. કાયદાકીય જોગવાઈ મુજબ રૂ.500થી વધુના મૂલ્યના પાસ ઉપર 18 ટકા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગે છે. આ જ રીતે આદિત્ય ગઢવીને શીલજ પાસે સવાન્ના પાર્ટી પ્લોટમાં યોજાતા 13મી ઓક્ટોબરના ગરબાના પાસના રૂ.2000, 5000 (વીઆઈપી પાસ) અને 7500 (પાંચ વ્યક્તિના ગ્રુપ પાસના) બોલાઈ રહ્યા છે. શનિવારે આદિત્ય ગઢવીના ગરબાના એક દિવસના પાસના રૂ.1000 લેવામાં આવ્યા હતા. સાયન્સ સિટી રોડ પર જીગરદાન ગઢવીની સાચી નવરાત્રિમાં ૧૩મી ઓક્ટોબરના ગરબાના રૂ.1200, 1500 અને રૂ.2500ના ભાવ બોલાઈ રહ્યા છે.

આયોજકો પાસ પર તેની કિંમત લખતા જ નથી

આ જ રીતે શહેરની જુદી જુદી ક્લબોમાં યોજાઈ રહેલા ગરબીના એન્ટ્રી પાસના બહુ જ મોટા પૈસા લેવાય છે. તેઓ તેના પાસ પર તેની કિંમત લખતા નથી. પરંતુ તે કિંમત લઈને વેચવામાં આવી રહ્યા છે. પરિણામે તે પણ જીએસટીને પાત્ર જ બને છે. છતાંય તેઓ આ છટકબારીનો ઉપયોગ કરીને જીએસટીની ચોરી કરી રહ્યા છે. આમ છતાં જીએસટી વિભાગ કુંભકર્ણ નિદ્રામાં પોઢી રહ્યું છે. ગરબાના આ ભવ્ય આયોજનમાં 'નામ બડે ઔર દર્શન ખોટે' નો ઘાટ સર્જાયો છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના એન્ફોર્સમેન્ટ અધિકારી કિરણ સોલંકીને આ સંદર્ભમાં સંપર્ક કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે "અમારા ધ્યાનમાં આવશે તો અમે જરુર પગલાં લઈશું."

આ સમાચાર શેર કરો