મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતના આ 300 પરિવાર પર 10 વર્ષથી મહેરબાન છે વીજ કંપની, સામટો હિસાબ માગ્યો તો..?

છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના હાફેશ્વર અને તુરખેડાના ડુંગર વિસ્તારમાં

ગુજરાતના આ 300 પરિવાર પર 10 વર્ષથી મહેરબાન છે વીજ કંપની, સામટો હિસાબ માગ્યો તો..?

છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના હાફેશ્વર અને તુરખેડાના ડુંગર વિસ્તારમાં રહેતા પરિવારોને છેલ્લા 10 વર્ષથી મઘ્ય ગુજરાત વીજ કંપનીના વીજ બિલ મળ્યા નથી. છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના છેવાડાના ગામ હાફેશ્વર અને તૂરખેડા છે. બંને ગામો નર્મદા કાંઠા ઉપર છે. આ ગામમાં રોજગારી માટે કોઇ ઉદ્યોગ નથી. ફક્ત ચોમાસાની ખેતી ઉપર લોકોનો જીવન નિર્વાહ ચાલે છે. ખેતીમાં સિંચાઇની સુવિધા ના હોવાથી એકજ પાક વર્ષ દરમિયાન આ પરિવારો લઇ શકે છે. 

આ પણ વાંચોઃ છોટાઉદેપુરના બોકડીયા ગામની નદી પર બ્રિજ બનાવવા માગ, તંત્રએ રજૂઆત ન સાંભળતાં લોકોએ કર્યા સુત્રોચ્ચાર

લોકોને ચિંતા

ડુંગરોમાં રહેતા પરિવારોને સરકારે વીજળીની સુવિધા આપી છે. પરંતુ, વીજમીટરનું રિડિંગ લેવા માટે આવતા કર્મચારીઓ ફક્ત રોડ ઉપર રહેતા પરિવારોના બિલ આપીને જતા રહે છે. તૂરખેડા ગામના ત્રણ અને હાફેશ્વરના ત્રણ ફળિયામાં 300થી વઘુ પરિવારો રહે છે. હાફેશ્વરના સરપંચ જેન્તીભાઇના જણાવ્યા મુજબ જે પરિવારોના બિલ નથી આવતા તે માટે ક્વાંટ ખાતે મઘ્ય ગુજરાત વીજ કંપનીના અધિકારીઓને વારંવાર રજૂઆત કરી છે. પરંતુ, હજી બિલ અપાયા નથી. હાલ આ પરિવારો ચિંતિત છે, કારણ કે 10 વર્ષનું વીજબિલ એક સાથે આવશે તો મોટી રકમ ક્યાંથી ભરશે તે સવાલ છે.

વીજળી આવી બીલ નહીં

તૂરખેડા અને હાફેશ્વર ગામમાં અલગ અલગ વિસ્તારોમાં સરકારે વીજળી પહોંચાડી દીધી છે. લોકોએ મીટર લઇ લીધા છે અને હાલ વીજળી વાપરી પણ રહ્યા છે. છેલ્લા 10 વર્ષમાં કેટલી વીજળી વપરાઇ તેની કોઇ ગણતરી લોકો માંડી શકતા નથી.

આ સમાચાર શેર કરો