છોટાઉદેપુરના બોકડીયા ગામની નદી પર બ્રિજ બનાવવા માગ, તંત્રએ રજૂઆત ન સાંભળતાં લોકોએ કર્યા સુત્રોચ્ચાર

છોટાઉદેપુર તાલુકાનું બોકડીયા ગામ ની વચ્ચેથી નદી પસાર થાય છે. બોકડીયા ગામના લોકો સરકાર ને જગાડવા માટે નદી કિનારે ભેગા થઇ સરકાર ના કાને અવાજ પહોંચે તે માટે સુત્રોચાર કર્યા છે. બોકડીયા ગામના લોકો ગ્રામસભામાં તેમજ સાંસદ, ધારાસભ્ય, કલેક્ટર તેમજ જિલ્લા વિકાસ અધિકારીને નદી ઉપર પુલ બનાવવા માટે રજુઆત કરી ચૂક્યા છે. જયારે તંત્રના અધિકારીઓ પ્રજાની રજૂઆત સાંભળતા નથી.
શાળાએ આવવા જવાની મુશ્કેલી
નિશાળ ફળિયામાં કોઈ બીમાર પડે તો ઝોળીમાં નાખીને પટેલ ફળીયા સુધી પગપાળા નદી પસાર કરી લાવવું પડે છે. 108 એમ્બ્યુલન્સ નિશાળ ફળિયામાં પહોંચતી નથી. બોકડીયા ગામની પ્રાથમિક શાળા નદીના સામા છેડે આવેલી છે. નિશાળ ફળિયામાં જવા માટે નદી ઓળંગવી પડે છે. ત્યાં એક હજારથી વધુ લોકોની વસ્તી છે. પટેલ ફળીયામાંથી પ્રાથમિક શાળામાં અભ્યાસ માટે જવા માટે બાળકોને પાણીમાંથી જવું પડે છે. ચોમાસાના ચાર મહિના બાળકો શાળાએ પણ જઈ શકતા નથી. શિક્ષકો પણ અમુક વાર ઘેરાઈ ગયા છે. શાળામા જ રાતવાસો કરવો પડે છે.
વિકાસ માત્ર કાગળ પર
ચોમાસાના ચાર મહિના નદીમાં પાણી રહેતું હોવાથી બાળકોને વાલીઓ શાળાએ મુકવા અને લેવા માટે જાય છે. આવી મજબૂરીમાં પણ બાળકોને અભ્યાસ કરાવે છે. સરકાર છેવાડાના માનવીનો વિકાસ કર્યો હોવાની વાતો કરે છે. પરંતુ, ફક્ત કાગળ ઉપર જ વિકાસ દેખાઈ રહ્યો છે. આ ગામ મધ્યપ્રદેશની બોર્ડર ઉપર ગુજરાતનું છેવાડાનું ગામ છે. ત્યારે સરકાર ક્યારે જાગશે અને ગ્રામજનોને પૂલની સુવિધા ક્યારે આપશે તે તો જોવાનું રહ્યું.

