Vadodara news: SIR ની કામગીરી દરમિયાન યુવકે ખેંચ આવી, માથામાં ગંભીર ઇજા થતાં લોહીલુહાણ
વડોદરાના ફતેગંજ વિસ્તારમાં ચાલી રહેલી મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) દર

વડોદરાના ફતેગંજ વિસ્તારમાં ચાલી રહેલી મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) દરમિયાન રવિવારે એક દુખદ ઘટના સામે આવી છે. મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા કેમ્પમાં વ્યવસ્થાના અભાવે એક અરજદાર યુવકને ગંભીર ઈજા પહોંચી હતી.
લાઇનમાં ઊભા રહેવાથી યુવકની તબિયત લથડી
પ્રાપ્ત માહિતી અનુસાર ફતેગંજની મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળામાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો હતો. અહીં એક યુવક પોતાના કામ માટે આવ્યો હતો અને છેલ્લા 2 કલાકથી લાઈનમાં ઉભો રહીને પોતાના વારાની રાહ જોઈ રહ્યો હતો. લાંબા સમય સુધી ઉભા રહેવાને કારણે યુવકની તબિયત અચાનક લથડી હતી.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, યુવકને અચાનક ખેંચ આવી હતી, જેના કારણે તે ચક્કર ખાઈને જમીન પર પટકાયો હતો. જમીન પર પડતાની સાથે જ તેના માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને તે લોહીલુહાણ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થળ પર નાસભાગ મચી ગઈ હતી. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતાં યુવકને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
પીવાના પાણી કે બેસવા માટે વ્યવસ્થા નથી
આ ઘટના બાદ કેમ્પમાં ઉપસ્થિત અન્ય અરજદારોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે, 'અહીં લોકો બે-બે કલાકથી હેરાન-પરેશાન થઈ રહ્યા છે, પરંતુ તંત્ર દ્વારા અરજદારો માટે પીવાના પાણી કે બેસવા માટે ખુરશી જેવી પ્રાથમિક સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી નથી.'
મતદારયાદી સુધારણા જેવા મહત્ત્વના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો આવતા હોવા છતાં વ્યવસ્થાના અભાવે નાગરિકોને હાલાકી ભોગવવી પડી રહી છે. આ ઘટના બાદ કેન્દ્રો પર યોગ્ય બેઠક વ્યવસ્થા અને પાણીની સુવિધા ઉભી કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે.








