દ્વારકાધીશ મંદિરમાં વિવાદ બાદ નવો નિયમ: 2500 રૂપિયા ફી ભરી ફોટો-વીડિયોગ્રાફી કરાવી શકાશે

સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાના શ્રી દ્વારકાધીશ જગત મંદિરમાં ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફીને લઈને તાજેતરમાં સર્જાયેલા વિવાદ બાદ મંદિર વ્યવસ્થાપક સમિતિ દ્વારા કડક અને મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી મંદિર પરિસરમાં ખાનગી ફોટોગ્રાફી પર રોક લગાવીને, શ્રદ્ધાળુઓ માટે ચોક્કસ નિયમો અને ફી સાથેની સત્તાવાર વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે.
પૂર્વ મંજૂરી લીધા બાદ વ્યવસ્થા સમિતિ દ્વારા માન્ય કરાયેલા વ્યક્તિ પાસે જ વીડિયોગ્રાફી કે ફોટોગ્રાફી કરાવી શકાશે
દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપક સમિતિની યોજાયેલી બેઠકમાં ખાસ ઠરાવ કરીને (ઠરાવ નં. 11 મુજબ) તમામ સભ્યોની સંમતિથી આ નવો નિયમ પસાર કરવામાં આવ્યો છે. જેમાં મંદિરમાં ધ્વજાજી ચડાવવા, વિશેષ ભોગ-મનોરથ કરવા કે વર્ષ દરમિયાન ઉજવાતા વિવિધ ઉત્સવો સમયે યાદગીરી રૂપે ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી કરાવવા ઈચ્છુક ભાવિકો આ સેવાનો લાભ લઈ શકશે.
આ સેવા માટે શ્રદ્ધાળુઓએ દ્વારકાધીશ મંદિર કચેરીમાં રૂ. 2,500ની ફી જમા કરાવવાની રહેશે. ઈચ્છુક શ્રદ્ધાળુઓએ અગાઉથી કચેરીની જરૂરી મંજૂરી મેળવવાની રહેશે. ત્યારબાદ બહારના કોઈ ખાનગી કેમેરામેનને બદલે સંસ્થા દ્વારા નિયુક્ત કરાયેલા ફોટોગ્રાફર પાસેથી જ જરૂરી શરતોને આધીન રહીને ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી કરાવી શકાશે.














