એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે અભિયાન: 30 નવેમ્બરથી અધવચ્ચે અભ્યાસ છોડનારા બાળકોની થશે શોધખોળ

ઉત્તર ગુજરાત સહિત રાજ્યભરમાં એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય તેવા હેતુથી સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત આગામી 30 નવેમ્બરથી વિશેષ સર્વે હાથ ધરવામાં આવશે. શાળા બહાર રહી ગયેલા અથવા અધવચ્ચે અભ્યાસ છોડી દીધેલા બાળકોને શોધી કાઢવા માટે 10 ડિસેમ્બર સુધી શાળા કક્ષાથી જિલ્લા કક્ષા સુધી મેગા સર્વે યોજાશે. સર્વે દરમિયાન 'આઉટ ઓફ સ્કૂલ' બાળકો તેમજ 'ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડ' એટલે કે વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા દિવ્યાંગ બાળકોની ઓળખ કરવામાં આવશે. ત્યારબાદ આવા બાળકોને ફરી શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડવા માટે જરૂરી કામગીરી હાથ ધરવામાં આવશે.
બાળકોનો સર્વે કરવામાં આવશે
સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત દર વર્ષે આર્થિક, સામાજિક, સ્થળાંતર સહિતના વિવિધ કારણોસર શાળામાંથી અધવચ્ચે અભ્યાસ છોડી દેનારા અથવા શાળા બહાર રહી ગયેલા બાળકોનો સર્વે કરવામાં આવે છે. આ સર્વેમાં 5થી 18 વર્ષની વયજૂથના એવા બાળકોનો સમાવેશ થાય છે, જેઓ ધોરણ 1થી 12 સુધીનું શિક્ષણ પૂર્ણ કરી શક્યા નથી. ઉત્તર ગુજરાતના અંતરિયાળ અને આદિવાસી વિસ્તારોમાં ખાસ કરીને શ્રમિક પરિવારોના સ્થળાંતરને કારણે બાળકો શિક્ષણથી દૂર થઈ જતા હોય છે. આવા બાળકોને ઓળખીને નજીકની શાળામાં પ્રવેશ અપાવી તેમનું શૈક્ષણિક પુનર્વસન કરવાનું આ અભિયાનનું મુખ્ય ઉદ્દેશ્ય છે.
નાગરિકો અને સંસ્થાઓને સહયોગ આપવા અપીલ
સર્વેની કામગીરીને સફળ બનાવવા ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓના જિલ્લા શિક્ષણાધિકારીઓ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ તેમજ જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટરો દ્વારા શિક્ષણ સાથે સંકળાયેલી સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ, સરકારી વિભાગો અને જાહેર જનતાને સહભાગી થવા અપીલ કરવામાં આવી છે. જો કોઈ નાગરિકને આસપાસના વિસ્તારમાં શાળા બહારનું બાળક જોવા મળે, તો તેની જાણ નજીકની સરકારી શાળા, ક્લસ્ટર રિસોર્સ સેન્ટર (CRC) અથવા તાલુકા કક્ષાના BRC ભવન ખાતે કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.













