પંચમહાલ : ગોધરા-ઘોઘમ્બા-મોરવાહડફમાંથી ગુંદી નવો તાલુકો બનાવવાની ભાજપ MLAની માંગ, સ્થાનિકોનો વિરોધ
Panchmahal News : કાલોલના ભાજપ ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે ગોધરા અને મોરવા હડફમાંથી 

Panchmahal News : કાલોલના ભાજપ ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે ગોધરા અને મોરવા હડફમાંથી ગુંદી નવો તાલુકો બનાવવાની માંગ કરી છે. પંચમહાલ જિલ્લાના ઘોઘમ્બા તાલુકામાંથી કેટલાક ગામ ઉપરાંત ગોધરા તથા મોરવા હડફ તાલુકાના કેટલાક ગામ અને દાહોદ જિલ્લાના કેટલાક ગામ સમાવીને ગુંદી નામથી નવો તાલુકો બનાવવાની ભલામણ કાલોલના ધારાસભ્ય દ્વારા કરવામાં આવી છે.
ધારાસભ્યની માંગ સામે વિરોધના સૂર
કાલોલના ધારાસભ્યએ સરકારને પત્ર લખીને નવો તાલુકો બનાવવા ભલામણ કરી છે. ત્યારે કાલોલ તાલુકા પંચાયત કચેરી દ્વારા ગ્રામ પંચાયતોને ખાસ સામાન્ય સભા બોલાવી નવા તાલુકા માટે સમર્થન માંગવામાં આવી રહ્યું છે, જેને કારણે વિરોધના સુર ઉઠ્યા છે. ગુંદી ગામ ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણનું વતન હોવાથી તેઓ પોતાના અંગત લાભ માટે વતનના ગામનો અલગ તાલુકો માંગવામાં આવતો હોવાના મુદ્દે સ્થાનિક પ્રજાએ વિરોધ શરુ કર્યો છે.
નવા તાલુકાની રચનાના વિરોધમાં બંધનું એલાન
નવા તાલુકાની રચનાના વિરોધમાં આજે ઘોઘમ્બા તાલુકાના દામાવાવ, રીંછવાણી તેમજ આસપાસના ગામમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું, જે બંધ સફળ રહ્યો હતો. સ્થાનિક લોકોએ સભા યોજીને ગુંદી તાલુકો બનાવવાની ધારાસભ્યની હિલચાલનો વિરોધ નોંધાવ્યો હતો.
ગુંદીને તાલુકો બનાવવા સામે આ માટે થઈ રહ્યો છે વિરોધ
સ્થાનિકોએ વિરોધનું કારણ જણાવ્યું હતું કે કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણનું વતન ગુંદી ગામ અંતરિયાળ છે. જ્યાં જવા માટે સ્થાનિક જનતાને વાહનવ્યવહારની ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેમ હોવાથી ગુંદી તાલુકો બનાવવામાં આવે તેનો વિરોધ કરવામાં આવતો હોવાનું જોવા મળી રહ્યું છે.
MLA પાસે સરપંચોનું સમર્થન હોવાનો દાવો
કાલોલના ભાજપ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ પોતાના વતનના ગામમાં આસપાસના વિસ્તારનો સમાવેશ કરી નવો તાલુકો બનાવવાની માંગમાં મક્કમ હોવાનું જોવા મળ્યું હતું. જો કે તેમણે આ મામલે જાહેરમાં નિવેદન આપવાનું ટાળ્યું હતું. પરંતુ તેમની પાસે ઘણા સરપંચોનું સમર્થન હોવાનું તેઓ જણાવી રહ્યા છે.








