દિલ્હી-સુરતની ફ્લાઈટ અચાનક કેન્સલ કરાતા પેસેન્જરોએ સુરત એરપોર્ટ પર હોબાળો મચાવ્યો
એર ઈન્ડિયા એક્સપ્રેસની દિલ્હી–સુરત દિલ્હી ફ્લાઈટ્સ કેન્સલ કરવાનું વધ્યું છે. 15 મે પછી

એર ઈન્ડિયા એક્સપ્રેસની દિલ્હી–સુરત દિલ્હી ફ્લાઈટ્સ કેન્સલ કરવાનું વધ્યું છે. 15 મે પછી છેલ્લા બે દિવસ એટલે કે, 21મી અને 22મી મેના રોજ પણ રદ કરી દેવામાં આવતા પેસેન્જરો એ આજે ફરી હોબાળો મચાવ્યો હતો. એર ઈન્ડિયા એક્સપ્રેસની દિલ્હી–સુરત ફ્લાઇટ 8 દિવસમાં 3 વાર કેન્સલ થઈ છે. મંગળવારે અચાનક ઓપરેશનલ સમસ્યાનું કારણ આપી ફ્લાઇટ કેન્સલ કરાતા 160 પેસેન્જરએ હોબાળો મચાવી વિરોધ નોંધાવ્યો હતો.
160 પેસેન્જરનો પ્રવાસ બગડ્યો
એર ઇન્ડિયા એક્સપ્રેસની સુરતની દિલ્હી એરપોર્ટથી 10:00 વાગ્યે ટેકઓફ થાય છે અને સુરત એરપોર્ટ 12:00 વાગ્યે આવે છે. સુરતથી બપોરે 1 વાગ્યે ઉપડી બપોરે 3 વાગ્યે દિલ્હી પહોંચે છે. અચાનક ફ્લાઇટ કેન્સલ થતા જ 160 પેસેન્જરનો પ્રવાસ બગડ્યો હતો. કેટલાકે કોડ શેરિંગમાં ઇન્ટરનેશનલ ફલાઇટ માટે સિંગલ PNR ટિકિટ લીધી હતી. એવા પેસેન્જર પણ ભેરવાયા હોવાનું જાણવા મળ્યું છે.
એકની સાથે બીજી ફ્લાઈટ ચૂક્યા
ઓપરેશનલ સમસ્યાનું કારણ આપી ફ્લાઇટ કેન્સલ કરાઇ,મુસાફરોને રી-શીડયુલ અને રિફંડના ઓપ્શન આપ્યા હતા. પેસેન્જરોએ બોર્ડિંગ કલિયર કરી લીધા પછી ફ્લાઇટ ઓપરેશનલ સમસ્યાને લીધે રદ કરવામાં આવી હોવાની જાહેરાત થતાં પેસેન્જર અકળાયા હતા. ઘણાની વ્યવસાયિક મિટિંગ રદ થઈ હતી, તો કોઈ દિલ્હીથી દેશના બીજા શહેર જવા માંગતુ હતું તેઓ બીજી ફ્લાઇટ પણ ચૂકી ગયા હતા.








