ડાંગના ખેડૂતે સ્વિટકોર્નની ખેતીમાં મેળવી સફળતા, માત્ર 5 ગૂંઠામાંથી લીધી 1 લાખની કમાણી
સ્વિટકોર્ન - અમેરિકન મકાઈ કોને ભાવતી નહીં હોય. ડાંગને પ્રાકૃતિક જિલ્લો જાહેર કરાયા પછીથી અહીંના ખેડૂતોએ રાસાય

સ્વિટકોર્ન - અમેરિકન મકાઈ કોને ભાવતી નહીં હોય. ડાંગને પ્રાકૃતિક જિલ્લો જાહેર કરાયા પછીથી અહીંના ખેડૂતોએ રાસાયણિક ખાતરો અને પેસ્ટિસાઈડને સદંતર તિલાંજલિ આપી દીધી છે. ડાંગ જિલ્લો આમ તો કુદરતના ખોળે વસેલો છે. એમાંય સાપુતારા હિલ સ્ટેશન હંમેશા પ્રવાસીઓથી છવાયેલું રહે છે. હિલ સ્ટેશન પર ઠંડા પવનોની લહેર વચ્ચે સ્વિટકોર્નનો આનંદ લેવાનું કોણ ચૂકે છે. ખેડૂતો આવી તકનો લાભ લઈને સ્વિટકોર્નની ખેતીમાં સફળ થઈ રહ્યા છે. આહવા તાલુકાના નાનીદબાસ ગામે રહેતા આદિવાસી ખેડૂત રમણભાઈ સોમાભાઈ પવાર અમેરિકન સ્વીટકોર્નની પ્રાકૃતિક ઢબે ખેતી કરી ઘરઆંગણે નફો મેળવી રહ્યા છે. માત્ર 5 ગૂંઠામાં વાવેલી મકાઈથી 1 લાખ રૂપિયાથી વધુની આવક લેશે.
ઉનાળાની દાહક ગરમીમાં ટાઢક માટે લોકો હિલ સ્ટેશન પર ફરવા જતા હોય છે. ઉનાળાનું વેકેશન જામ્યું છે ત્યારે સાપુતારા સહિતના પ્રવાસન સ્થળોએ માનવ મહેરામણ જામશે. હિલ સ્ટેશન પર નાસ્તા માટે ગરમાગરમ સ્વિટકોર્નની ડિમાન્ડ વધે તે સ્વાભાવિક છે. સાપુતારા નજીક નાનીદબાસના ખેડૂત રમણભાઈ પવારે 5 ગૂંઠામાં પ્રાકૃતિક ખેતીથી સ્વિટકોર્ન વાવી છે. 5 ગૂંઠામાં 1 કિલો બિયારણનો ઉપયોગ કર્યો હતો. પાયામાં 1 ટ્રોલી છાણિયું ખાતર આપવામાં આવ્યું છે. ટ્રેક્ટરની મદદથી પાળા બનાવીને બીજ ચોપીને બે હારમાં સવા ફૂટ અને બે છોડ વચ્ચે અડધા ફૂટનું અંતર રાખ્યું છે. સ્વીટકોર્નનું વાવેતર ફેબ્રુઆરીમાં કરવામાં આવ્યું હતું. સ્વીટકોર્નમાં ઉનાળામાં ઓછી માવજતે સારું ઉત્પાદન થવા સાથે સારા ભાવનો ફાયદો મળે છે.
- ડાંગના ખેડૂતે સ્વિટકોર્નની ખેતીમાં મેળવી સફળતા
- પ્રાકૃતિક પદ્ધતિથી તૈયાર થયેલી સ્વિટકોર્નની હોય છે અલગ મીઠાશ
- સાપુતારામાં પ્રવાસીઓની હોટફેવરીટ બની છે અમેરિકન મકાઈ
- માત્ર બિયારણ અને પાણીના ખર્ચમાં 5 ગુંઠામાં લેશે 1 લાખથી વધુની આવક
આહવા તાલુકાના નાનીદબાસ ગામે રહેતા આદિવાસી ખેડૂત રમણભાઈ અગાઉ સ્ટ્રોબેરી જેવા પાક લેતા હતા. પરંતુ વાતાવરણમાં થતા બદલાવને પગલે તેઓ ટુંકાગાળાના પાક લઈ રહ્યા છે. અમેરિકન મકાઈની ખેતીમાં તેઓએ બિયારણનો ખર્ચ કર્યો છે. આ સિવાય ઘરની વસ્તુઓનો ઉપયોગ કર્યો છે. સ્વિટકોર્નનું બિયારણ પ્રતિ કિલો 2500 રૂપિયા ભાવે આવે છે. 5 ગૂંઠામાં ખેડૂતને 5 હજાર રૂપિયા જેટલો ખર્ચ આવશે. એની સામે 5 ગૂંઠામાંથી સ્વિટકોર્નના 10થી 12 હજાર નંગ ડોડા તૈયાર થાય છે. સાપુતારા હિલસ્ટેશન નજીક હોવાથી પ્રવાસીઓનો ધસારો રહે છે. એટલે સ્વીટકોર્નના સારા ભાવ મળે છે. 1 નંગ 10 રૂપિયા ભાવથી વેપારીઓ ખેતરેથી મકાઈ ખરીદી જાય છે. રમણભાઈ પવારને પોતાની ખેતપેદાશ વેચવા કોઈ માર્કેટ કે અન્ય સ્થળે જવુ પડતું નથી.
અમેરિકન મકાઈ કહેતાં સ્વિટકોર્નમાં પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી થતી હોય તેની ગુણવત્તા સારી બને છે. સ્વીટકોર્નમાં બીજ ચોપ્યા પછી માત્ર પિયતનું જ ધ્યાન આપવાનું રહે છે. જો વાતાવરણ બગડે અને રોગ જીવાત આવે તો તેની માવજત કરવી પડે છે. પ્રાકૃતિક ખેતીમાં વિવિધ વનસ્પતિના પાન સડાવી તેનો અર્ક બનાવીને ઊભા પાકમાં છંટકાવ કરે છે. સ્વિટકોર્નમાં ઈયળનો ઉપદ્રવ થતા બે વખત પંચપર્ણી અર્કનો છંટકાવ કર્યો છે. અઢી મહિનામાં સ્વિટકોર્નનો પાક તૈયાર થઈ જાય છે.
આહવા તાલુકાના નાનીદબાસ ગામે અમેરિકન મકાઈની પ્રાકૃતિક ઢબે ખેતી કરીને ખેડૂત ઘરઆંગણે નફો મેળવી રહ્યા છે. ઓછી મહેનતે અને અઢી મહિનામાં તૈયાર થતા આ પાકમાં ખેડૂતને સારી ફાવટ આવી ગઈ છે.








