સુરેન્દ્રનગર: ટી-શર્ટ વિવાદમાં કોંગ્રેસ નેતાઓ વિરુદ્ધ નોંધાયો ગુનો
ચોટીલામાં કોંગ્રેસના નેતાઓ દ્વારા આજે બાળકોએ વીર સાવરકરના પહેરેલા ટી-શર્ટ ઉતરાવવ

ચોટીલામાં કોંગ્રેસના નેતાઓ દ્વારા આજે બાળકોએ વીર સાવરકરના પહેરેલા ટી-શર્ટ ઉતરાવવામાં આવ્યા હતા. જે બાદ આ મુદ્દો દિવસભર ચર્ચામાં રહ્યો છે. ત્યારે હવે ચોટીલા પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસ નેતા ઋત્વિક મકવાણા, લાલજી દેસાઇ સહિતના નેતાઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
મોરબીથી શરૂ થયેલી કોંગ્રેસની ન્યાયયાત્રા સુરેન્દ્રનગર આવી પહોંચી છે. ત્યારે આજે આ ન્યાયયાત્રા ચોટીલાથી ડોળિયા જવા નીકળી ત્યારે ચોટીલાથી સાત કિમી દૂર સાંગાણી ગામની પ્રાથમિક શાળામાં તિરંગા યાત્રા દરમિયાન બાળકોએ વીર સાવરકરની કેસરી ટી-શર્ટ પહેરતાં કોંગ્રેસ ભડકી હતી.
ભાજપ જવાહરલાલ નહેરુ, મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાન લડવૈયાઓને ભૂલી અને વીર સાવરકરની છાપ બાળકોના મગજમાં ઊભી કરવામાં આવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના નેતાઓએ બાળકોના ટી-શર્ટ પણ કઢાવ્યા હતા.
ઋત્વિક મકવાણાએ શું કહ્યું?
ચોટીલાના કોંગ્રેસના નેતા ઋત્વિક મકવાણાએ કહ્યુ કે, "ચોટીલા તાલુકાના સાંગાણી ગામ આગળથી ન્યાયયાત્રા પ્રસાર થતી હતી. આ દરમિયાન સરકારી શાળાની તિરંગા યાત્રા પ્રસાર થઇ ત્યારે ધ્યાનમાં આવ્યું કે શાળાના બાળકોએ કેસરી કલરના ટી-શર્ટ પહેરેલા હતા. કેસરી કલર સાથે કોઇ વાંધો નથી પણ નજીકથી જોયું તો સાવરકરની તસવીરો હતી. સ્વાભાવિક રીતે પૂછતા જાણવા મળ્યું કે સમગ્ર તાલુકામાં 10 હજાર ટી-શર્ટનું વિતરણ સંસ્થાના નામે રાજકીય પક્ષ દ્વારા કરવામાં આવ્યું છે."
ઋત્વિક મકવાણાએ વધુમાં કહ્યું કે, રાજ્યની સરકાર એક બાજુ સ્ટેચ્યુ ઓફ યૂનિટીની વાત કરે, સરદાર પટેલની વાત કરે બીજી બાજુ મહાત્મા મંદિરની વાત કરે અને પડદા પાછળ કંઇક જુદો જ ખેલ ચાલી રહ્યો છે. ગાંધીના ગુજરાતમાંથી ગાંધી-સરદારનું નામ મીટાવી સાવરકરને હીરો સાબિત કરવા માટેનો પડદા પાછળનો ખેલ ચાલી રહ્યો છે તેના પર તાત્કાલિક પગલા લેવા જોઇએ. ફરિયાદ થવી જોઇએ અને આ વિતરણ કરનાર કોણ છે તેની પણ તપાસ કરવી જોઇએ. આપણા રાષ્ટ્રીય હીરો આજે પણ ગાંધી અને સરદાર છે, ગાંધી અને સરદાર હતા અને આવનારા સમયમાં પણ ગાંધી અને સરદાર જ રહેવાના છે. તમે ગમે તેટલી મહેનત કરો ગુજરાતમાંથી ગાંધી અને સરદારનું નામ ભૂસી શકો તેમ નથી.








