ગુજરાતમાં માનવ તસ્કરીના કેસોમાં સજાનો દર માત્ર 1.76%; 5 વર્ષમાં 284 આરોપીઓની ધરપકડ સામે ફક્ત 5ને જ સજા

ગુજરાતમાં માનવ તસ્કરીના કેસોમાં સજાનો દર માત્ર 1.76%; 5 વર્ષમાં 284 આરોપીઓની ધરપકડ સામે ફક્ત 5ને જ સજા
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

 વિકાસશીલ, સુરક્ષિત અને કાયદો-વ્યવસ્થાની દ્રષ્ટિએ અગ્રેસર ગણાતા ગુજરાતમાં માનવ તસ્કરીના કાળા કારોબારને લઈને ચિંતાજનક આંકડા સામે આવ્યા છે. વર્ષ 2020 થી 2024 દરમિયાન ગુજરાતમાં માનવ તસ્કરીના ગુનામાં પોલીસે 284 આરોપીઓની ધરપકડ કરી પરંતુ માત્ર પાંચ જ આરોપીઓને સજા થઈ શકી છે. એટલે કે, રાજ્યમાં માનવ તસ્કરીના કેસોમાં સજાનો દર માત્ર 1.76 ટકા જેટલો તળિયે રહ્યો છે, જ્યારે 98 ટકાથી વધુ આરોપીઓ કાયદાના સકંજામાંથી છટકી જવામાં સફળ રહ્યા છે.

ગુજરાતમાં માનવ તસ્કરી ગેંગ બાળકોને મજૂરી અને યુવતીઓને દેહવ્યાપારમાં ધકેલે છે

સામાજિક કાર્યકરોનું કહેવું છે કે, ગુજરાત એક ઔદ્યોગિક અને આર્થિક રીતે સમૃદ્ધ રાજ્ય હોવાથી અન્ય રાજ્યોમાંથી મોટા પાયે શ્રમિકો અને પરિવારો રોજગારીની શોધમાં આવે છે. માનવ તસ્કરી કરતી ગેંગ ખાસ કરીને આદિવાસી વિસ્તારો, ગ્રામીણ પટ્ટા અને પરપ્રાંતીય ગરીબ પરિવારોની મજબૂરીનો ફાયદો ઉઠાવે છે. નાના બાળકો અને કિશોરોને ઊંચા પગારની લાલચ આપી કારખાનાઓ, ઈંટના ભઠ્ઠાઓ કે ઘરકામમાં ધકેલી દેવામાં આવે છે. યુવતીઓ અને સગીરાઓને નોકરી કે લગ્નની લાલચ આપી ગુજરાતના મોટા શહેરોમાં લાવી દેહવ્યાપારના દલદલમાં ધકેલાય છે.

જાહેરાત

ગુજરાત પોલીસ સામે રાજ્યસભામાં ઊભા થયા સવાલો

રાજ્યસભામાં રજૂ કરાયેલા અહેવાલે ગુજરાત પોલીસની તપાસને લઈને સવાલો ઊભા કર્યા છે. વર્ષ 2020 થી 2023 સુધી રાજ્યની કોઈપણ અદાલતમાં માનવ તસ્કરીના એક પણ આરોપીને દોષિત ઠેરવી સજા સંભળાવવામાં આવી ન હતી. પાંચ વર્ષના લાંબા ગાળા બાદ માત્ર વર્ષ 2024માં માત્ર પાંચ આરોપીઓને સજા અપાવવામાં ગૃહવિભાગ અને પોલીસ સફળતા મળી હતી. પડોશી રાજ્યોની સરખામણીએ ગુજરાતની કફોડી સ્થિતિ છે. મધ્યપ્રદેશ પાંચ વર્ષમાં 1717 ધરપકડો સામે 144 આરોપીઓને સજા ફટકારવામાં આવી છે. સજાનો દર 8.38 ટકા એટલે ગુજરાતની સરખામણીએ ઘણો સારો છે. મહારાષ્ટ્ર 4071 ધરપકડો સામે માત્ર 14 ગુનેગારો દોષિત ઠર્યા છે.

નબળી પોલીસ તપાસ, ઢીલી ચાર્જશીટ, સાક્ષીઓ ફરી જતાં ૯૮ ટકા આરોપી કાયદાના સકંજામાં છટકવામાં સફળ રહ્યાં

પોલીસ આરોપીની ધરપકડ કરીને સંતોષ માની લે છે, પરંતુ કોર્ટમાં ટકી શકે તેવા વૈજ્ઞાનિક અને દસ્તાવેજી પુરાવાઓ એકત્ર કરવામાં ઉણી ઉતરે છે. મોટાભાગના પીડિતો અત્યંત ગરીબ અથવા અન્ય રાજ્યોના હોવાથી કેસ ચાલતા સમયે તેઓ વતન પરત ફરી જાય છે અથવા આરોપીઓની ધમકી અને પૈસાની લાલચમાં આવી કોર્ટમાં નિવેદન બદલી નાખે છે. કોર્ટમાં કેસો વર્ષો સુધી પેન્ડિંગ રહેતા હોવાથી પીડિતો હિંમત હારી જાય છે અને સમાધાન કરી લે છે.

રાજ્યમાં કાર્યરત એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ પાસે પૂરતા સ્ટાફ અને આધુનિક સાધનોનો અભાવ છે. ગુજરાતમાં માનવ તસ્કરીના આરોપીઓ પકડાય છે, પરંતુ જો તેમને કડક સજા નહીં થાય તો કાયદાનો ડર ખતમ થઈ જશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત